તમામ ૫૦ દર્દીઓ ને ચીર્રફાડ કે ઓપરેશન વગર પથરી ના દર્દથી મુક્તિ મળી
સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં કીડનીની પથરી નાં દર્દીઓ ની સારવાર માટે શરુ કરેલ લીથોટ્રીપ્સી ની સુવિદ્યા ગરીબ દર્દીઓ માટે સાચે જ આશીર્વાદ રુપ સાબીત થઇ રહી છે
માત્ર પંદર દિવસમાં જ ૫૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી પથરી દુર કરવામાં આવી. ડો. રાકેશ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ
અમદાવાદ : શહેરની સિવિલ હોસ્પિટલમાં માત્ર ૧૫ દિવસના ટૂંકા ગાળામાં ૫૦ જેટલા દર્દીઓની લીથોટ્રીપ્સીથી પથરી દૂર કરવામાં આવી અને તે પણ કોઈપણ પ્રકારના ચીરફાડ કે ઓપરેશન વગર આ કામ કરવામાં આવ્યું છે. આ બાબતે અમદાવાદ સિવિલ હોસ્પિટલ યુરોલોજી વિભાગ નાં વડા ડો. શ્રેણીક શાહે જણાવ્યું હતું કે લીથોટ્રીપ્સી સારવાર શરુ કર્યા ના માત્ર ૧૫ દીવસ ના સમયગાળામાં જ સિવિલ હોસ્પિટલ દ્વારા ૫૦ દર્દીઓ ને Extracorporeal Shock Wave Lithotripsy (ESWL) સારવાર આપી તેમની કિડની અને મૂત્રમાર્ગ માં રહેલ પથરી તોડી ને દુર કરી પીડામુક્ત કરવામાં આવ્યા છે.
ડો. શ્રેણીક શાહે વધુ માં જણાવ્યું હતું કે સારવાર આપેલ આ ૫૦ દર્દીઓ માં ૩ વર્ષ થી માંડી ૭૩ વર્ષ ના દર્દીઓ સામેલ છે જેમાં ૧૦ મીમી સાઇઝ ની પથરી હોય તેવા ૧૩ દર્દીઓ, ૧૦મીમી થી ૧૫ મીમી સાઇઝ ની પથરી હોય તેવા ૩૧ દર્દીઓ તેમજ ૧૫ મીમી કરતા વધારે સાઇઝ ની પથરી હોય તેવા ૬ દર્દીઓ નો સમાવેશ થાય છે. ઉક્ત ૫૦ દર્દી ઓ માં ૩૪ પુરુષ દર્દીઓ તથા ૧૬ મહીલા દર્દીઓ ને લીથોટ્રીપ્સી થી પથરી ની સારવાર કરવામાં આવી છે.
લીથોટ્રીપ્સી થી પથરી ની સારવાર કરવામાં કોઈ ચીરફાડ કે કાપા ની જરૂર હોતી નથી જેથી જરાપણ લોહી વહેતુ નથી. ડે કેર પ્રોસીઝર હોવાથી દર્દી ને ૧ થી ૨ કલાક માં રજા આપવામાં આવે છે અને દર્દી જલ્દીથી પોતાની રોજીંદા સામાન્ય ક્રિયાઓ કરી શકે છે.
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશી એ કીડની કે મૂત્રમાર્ગ માં રહેલ પથરી ની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં ઉપલબ્ધ્ધ કરાવવામાં આવેલ લીથોટ્રીપ્સી ની સારવાર ગરીબ દર્દીઓ માટે ખુબ જ લાભદાયી સાબીત થઇ રહી હોવાનુ જણાવ્યુ હતુ.