કારના મનપસંદ નંબર માટે 1.03 લાખ ચુકવ્યા બાદ આરટીઓએ નવેસરથી ઓકશન નકકી કરતા વિવાદ

0111! પસંદગીના વાહન નંબરનો મામલો હાઈકોર્ટમાં
વાહનોનાં મનપસંદ નંબર મેળવવા માટે લોકો દ્વારા મોટી રકમ ચુકવવામાં આવતી હોય છે. ત્યારે પસંદગીના નંબરો મેળવવા છતાં આરટીઓ દ્વારા એક વર્ષથી ફાળવણી નહિં કરાયાનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. અમદાવાદનાં એડવોકેટ ભૂપેન્દ્ર ચાવડાએ ગત વર્ષનાં એપ્રિલમાં નવી કાર લીધી હતી અને ‘0111’ પસંદગીના નંબર માટે આરટીઓનાં ઓકશનમાં સામેલ થઈને બીડ જીતી હતી.
આ નંબર માટે અન્ય વ્યકિતએ પણ બીડ કરી હતી. પરંતુ ચાવડાએ 1.03 લાખની બોલી સાથે બીડ જીતી હતી અને તેની ડીપોઝીટ પેટે રૂા.40,000 ચુકવી પણ દીધા હતા. ત્યારબાદ 63000 ગત મે મહિનામાં ચુકવ્યા હતા.આરટીઓ તરફથી નંબર પ્લેટનો ફોન આવવાની પ્રતિક્ષા કરતા રહ્યા હતા. પરંતુ આવો કોઈ સંદેશો ન આવતા તપાસ કરી હતી. ત્યારે એવો જવાબ અપાયો હતો કે હરીફ બીડરે વાંધો ઉઠાવ્યો છે અને ઓકશન રદ કરવામાં આવ્યુ છે.
આ જવાબને પગલે ચાવડાએ હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. આરટીઓ દ્વારા તેમને આવો મેસેજ કરાયો હતો કે ઓકશન નવેસરથી થશે.હાઈકોર્ટે ઓકટોબરમાં નવા ઓકશન સામે સ્ટે આપ્યો હોવા છતાં આ કાર્યવાહી સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. સુનાવણી દરમ્યાન અરજદારે એવી દલીલ કરી હતી કે એક વર્ષથી વાહન નંબર પ્લેટ વિના ચલાવવામાં આવે છે અને પોલીસ દંડ કરતી હોવાથી વહેલી તકે નિર્ણય લેવા માંગ કરી હતી. આ કેસમાં વધુ સુનાવણી હજુ મે પર નિર્ધારીત કરવામાં આવી છે.