જાહેરહિત કે હિટ! બદલી તો થઈ ફિટ પીસીબી પી.આઈ. સહિત પાંચની બદલી

અમદાવાદમાં પકડાયેલા 2000 કરોડના સટ્ટામાં કથિત રીતે હાથ કાળા કરનાર PI તરલ ભટ્ટ સહિત પાંચની બદલી
આરોપીઓ-પોલીસ વચ્ચે આર્થિક લેતીદેતી થઈ હોવાની પ્રબળ આશંકા
તરલ ભટ્ટને પીસીબી-અમદાવાદથી જૂનાગઢ તો તેમની સાથેના ચાર કોન્સ્ટેબલને અલગ-અલગ જિલ્લામાં ફંગોળાયા
અન્ય શહેરોના પીઆઈની પણ બદલીથી પોલીસ બેડામાં ખળભળાટ
સુરત ઈઓડબલ્યુના પીઆઈ એ.વાય.બલોચને દેવભૂમિ દ્વારકા
આઈબી પીઆઈ એચ.બી.બાલિયાને ડાંગ-આહવા
બનાસકાંઠાના પીઆઈ ડી.ડી.શિમ્પીની કચ્છ પશ્ચિમ-ભૂજમાં કરાયેલી બદલી શિમ્પીને સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી પણ મુક્ત કરાયા
તાજેતરમાં જ અમદાવાદના માધુપુરામાં પ્રિવેન્શન ક્રાઈમ બ્રાન્ચ (પીસીબી)એ દરોડો પાડીને 2000 કરોડ રૂપિયાનો સટ્ટો પકડી પાડ્યો હતો. આ કાંડમાં અનેક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આટલું મોટું સટ્ટા નેટવર્ક પકડાતાં તાત્કાલિક સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની પણ રચના કરવામાં આવી હતી જેમાં પીસીબી પીઆઈ તરલ ભટ્ટ સહિતના સામેલ હતા.
જો કે જેમ જેમ તપાસ આગળ ચાલી તેમ તેમ તેમાં શંકાઓ ઉભી થવાનું શરૂ થઈ જતાં ડીજીપી વિકાસ સહાય દ્વારા સીટનું વિસર્જન કરીને સમગ્ર મામલાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરંભાયેલી તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ એવો ખુલાસો થયો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે કે પીસીબી પીઆઈ તરલ ભટ્ટ અને તેમની ટીમમાં સામેલ પોલીસ જવાનોએ સટ્ટાકાંડના આરોપીઓ સાથે આર્થિક રીતે વ્યવહાર કર્યો છે. આ અંગેનો રિપોર્ટ કરવામાં આવતાં જ ડીજીપીએ તાત્કાલિક પણે પીસીબી પીઆઈ ભટ્ટ સહિત પાંચ લોકોની જિલ્લા બહાર બદલીનો હુકમ કર્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે પીઆઈ તરલ ભટ્ટની જૂનાગઢમાં બદલી કરવામાં આવી છે તો તેમની ટીમમાં સામેલ ચાર જવાનો જેમાં તુષારદાન ગઢવીની અમરેલી, નૌશાદ અલીની પોરબંદર, હિંમત સિંહની નર્મદા અને અનિરુદ્ધસિંહની જૂનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે. આવી જ રીતે સુરત પોલીસ કમિશનર ઑફિસ ખાતે અતિ મહત્ત્વની જગ્યા એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ એ.વાય.બલોચની દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠામાં ફરજ બજાવતાં પીઆઈ ડી.ડી.શીમ્પીની કચ્છ-ભૂજ ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ શીમ્પી સ્ટેટ મોનિટરિંગ સેલમાં એટેચ પીઆઈ તરીકે કાર્યરત હતા જે ચાર્જ પણ તેમની પાસેથી પરત લઈ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત આઈબીના પીઆઈ એચ.સી.બાલિયાને ડાંગ-આહવામાં મુકી દેવામાં આવ્યા છે.
અમદાવાદના માધુપુરામાંથી પકડાયેલા 2000 કરોડના સટ્ટાકાંડની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય કરી રહ્યા છે. તેમણે તપાસ હાથ પર લીધા બાદ તેના મુળ સુધી જવાનું શરૂ કર્યું છે જેમાં પ્રારંભીક રીતે પીસીબી પીઆઈ અને તેમની ટીમ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા મળતાં જ તેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને કર્યો છે જે પછી તાત્કાલિક પીઆઈ સહિતનાની બદલીના ઑર્ડર નીકળ્યા છે. હજુ આ મામલાની તપાસ આગળ ચાલતી જશે તેમ તેમ મોટા ખુલાસાઓ થતાં રહેશે. સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સ્ટેટ મોનિટરિંગ સેલ આ મામલે ટૂંક સમયમાં જ મોટો ધડાકો કરશે તેવા ભણકારા વાગી રહ્યા છે.