‘તું તારા પતિ પાછળ સતી કેમ ના થઈ’ સાસરિયાંના મ્હેણાંથી એન્જિનિયર યુવતીનો આપધાત

કોમ્પ્યુટર એન્જિનિયર યુવતીએ સાસરિયાંના ત્રાસ અને મ્હેણાંથી કંટાળી સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી દસ દિવસઅગાઉ આત્મહત્યા કરી હતી. દોઢ વર્ષ પહેલા અકસ્માતમાં મોતને ભેટેલા પતિના વીમાના ૫૪ લાખ, ઘર અને વિધવા સહાયની રકમ લેવા માટે સાસરિયાં યુવતીને ત્રાસ આપતા હતા. સાસરિયાએ યુવતીને ફોન પર તું સતી હતી તો, તારા પતિ પાછળ કેમ ના થઈ તેવા મ્હેણાં મારતા યુવતીએ અંતિમ પગલું ભરતા પોલીસે છ જણા સામે ગુનો નોંધ્યો છે.
પતિના વીમાના ૫૪ લાખ, ઘર અને વિધવા સહાયની રકમ લેવા સાસરિયાં ત્રાસ આપતા
સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને ગત તા.૧૦મીના રોજ રાત્રે નદીમાંથી અજાણી યુવતીની લાશ મળી હતી. પોલીસ તપાસમાં મૃતકનું નામ સંગીતા વિષ્ણુકુમાર લખારા હોવાની વિગતો મળી હતી. પોલીસે પૂછપરછ કરતા સંગીતાના પિતાએ જણાવ્યું હતું કે, તેઓની પુત્રીના લગ્ન ૨૦૧૭માં થયા બાદ તેના પતિનું ૨૦૨૨માં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. પતિના મોત બાદ વીમાના રૃપિયા ૫૪ લાખ, પુત્રીના નામનું ઘર અને વિધવા સહાયની રકમ લેવા માટે સાસરિયાં દબાણ કરી ત્રાસ આપી તકરાર કરતા હતા. સંગીતાને સુરત ખાતે નોકરી મળતા તે ત્યાં ગઈ હતી. ગત તા.૧૦મી ના રોજ સંગીતાએ તેના ભાઈને સાસરિયાં સાથે વાત કર્યાનું રેકોર્ડીંગ મોકલ્યું બાદ તેનો ફોન બંધ આવતો હતો.સંગીતાએ રાત્રે ે અમદાવાદ આવી નદીમાં પડતું મુકી આત્મહત્યા કરી હતી. બીજી તરફ પુત્રીની શોધ કરતા પરિવારને પોલીસને ફોન આવ્યો હતો. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે રેકોર્ડીંગ ચેક કરતા તેમાં સાસરિયાં સંગીતાના ચરિત્ર પર શંકા રાખી બોલતા હતા કે, તું સુરતમાં દસ જણા અને તારા બાપા જોડે આડા સબંધ રાખે છે. આરોપીઓએ અપશબ્દો બોલી મારવાની ધમકી આપી જણાવ્યું હતું કે, તું સતી હતી,તો તારા પતિ પાછળ કેમ સતી ના થઈ. સંગીતાએ ડાયરીમાં પણ રેણુ મેડમ, રવિ તથા સાસરિયાંના કારણે આત્મહત્યા કરતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે મૃતક સંગીતાના પિતા રમેશચંદ્ર રંગલાલજી લખારા (ઉં,૪૭)ની ફરિયાદ આધારે સાસરિયાં રવિકુમાર જગદીશ લખારા, રેણુદેવી પિન્ટુજી, કૈલાસદેવી, પંકજ અને સંતોકદેવી વિરૃદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.