અમદાવાદ રખિયાલથી ઝડપાયો ડુપ્લીકેટ CBI અધિકારી સુલતાનખાન! 30થી વધુ છેતરપીંડીના ગુનાઓને આપી ચુક્યો છે અંજામ

પોલીસ વર્ધિ અને નકલી ઓળખપત્ર પણ ઝડપાયું
રાજયમાં નકલી PMO ઓફિસર કિરણ પટેલના સમાચાર હજી વિસરાયા નથી ત્યાં હવે નકલી સીબીઆઈ અધિકારી પણ અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ઝડપાયો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.એસ.ત્રિવેદીની ટીમના પીએસઆઇ જી.આર.ભરવાડ તથા ટીમને બાતમી હકીકત મળેલ કે મધ્યપ્રદેશના સેંધવાનો સુલ્તાનખાન CBI અધિકારી ન હોવા છતાં CBI અધિકારી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપીંડી કરે છે. જે ઇકો સ્પોર્ટ ગાડી નંબર જીજે-૦૬-પીડી-૬૧૩૭ ની લઇ રખિયાલ ચાર રસ્તા તરફથી આવી ટોપી મીલ ઢાળ તરફ આવનાર છે.
જે બાતમી આધારે રખિયાલ વિસ્તારમાં વોચ ગોઠવી ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુલતાનખાન અહેમદખાન ખાન ઝડપી પાડ્યો. સુલતાનખાનની તપાસ કરતા તેની પાસેથી ઓળખપત્ર, આધારકાર્ડ તથા પોલીસ યુનિફોર્મ, પી કેપ, બુટ, મોજા, બેલ્ટ, મોબાઇલ ફોન- ૨ મળી આવેલ. આરોપી સુલતાનખાન અહેમદખાન ખાનને CBI અધિકારીના ઓળખપત્ર તથા પોલીસ યુનિફોર્મ બાબતે પૂછતા CBI અધિકારીનું ઓળખપત્ર તેને બનાવટી બનાવેલ હોવાનું અને તેમાં તેનું નામ રાજેશ મિશ્રા લખેલ હોવાનું તેમજ CBI અધિકારી તરીકેનો યુનિફોર્મમાં તેનો ફોટો લગાડેલ હોવાનું જણાવેલ. આ ઓળખપત્ર તથા યુનિફોર્મ આધારે લોકોને તે CBI અધિકારી તરીકેની ઓળખ આપી તેમની સાથે છેતરપીંડીઓ કરતો હોવાની હકીકત જણાવેલ.
આરોપી વિરૂધ્ધ દાખલ થયેલ ગુનાની વિગત :-
(૧) પંજાબના ચંદીગઢ ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનમાં ૫ ગુના
(૨) પંજાબના કેથલ પોલીસ સ્ટેશન – ૨ ગુના
(૩) પંજાબના પંચકુલા પોલીસ સ્ટેશન – ૨ ગુના
(૪) હરિયાણાના રોહતક પોલીસ સ્ટેશન – ૫ ગુનાઓ
(૫) હરિયાણાના રેવાડી પોલીસ સ્ટેશન ૩ગુનાઓ
(૬ ) દિલ્હીમાં -૨ ગુનાઓ
(૭ ) ઉત્તરપ્રદેશના કાનપુર – ૨ ગુનાઓને (૮ ) ઉત્તરપ્રદેશના લખનઉ – ૧ ગુનો
(૯ ) ઓરિસ્સાના ભુવનેશ્વર – ૨ ગુનાઓ
(૧૦ ) મધ્યપ્રદેશના ઇન્દોર – ૪ ગુનાઓ
(૧૧) રાજસ્થાનના જયપુરમાં – ૧ ગુનો
શુ હતી મોડસ ઓપરેન્ડી
CBI અધિકારી બની તે તથા તેની ગેંગના માણસો પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશનની નજીક ઉભા રહેતા. તે કારમાં બેસી રહેતો અને તેની ગેંગના માણસો શ્રીમંત દેખાતા અને મોટી ઉંમરના લોકોને તેની પાસે બોલાવતા અને જણાવતા કે ગાડીમાં DSP સાહેબ બેઠા છે જે બોલાવે છે. તેમ કહીં તેના સાગરીતો ભોગ બનનારને લઇ જતાં અને તેના સાગરીતોને બેગ ચેક કરવાનું જણાવતો અને આ દરમ્યાન તેના સાગરીતો બેગમાં રાખેલ કિમંતી દર દાગીના તથા રોકડ રકમ નજર ચુકવી કાઢી લેતાં હતા. તદ્દપરાંત તે તથા ગેંગના માણસો રસ્તે જતી મહિલાઓ જેને સોનાના દાગીના પહેરેલ હોય તેમને રોકી આગળ ચોરી કરતી ગેંગ આવેલ છે જેથી દાગીના ઉતારી બેગમાં મુકવાનુ જણાવતા. આ દરમ્યાન તેમની જ ગેંગનો સાગરીત તેના દાગીના ઉતારી આપતો જેથી બીજા લોકો પણ વિશ્વાસમાં આવી તેઓએ પહેરેલ દાગીના કાઢી આપતાં. જેથી ગેંગના સભ્યો લોકોની નજર ચુકવી તે દાગીના મેળવી લઇ ત્યારબાદ કાગળના પડીકામાં લપેટી દાગીનાની જગ્યાએ બીજી કોઇ ચીજ વસ્તુ ભરી પાછા આપતા હતાં.