તુ ડીલીવરી બોય છે તો તું પાર્સલ આપવામાં કેમ મોડુ કરે છે કહી બે ભાઇઓએ યુવકને ફટકાર્યો

ગ્રાહકનું ફુટ મસાજ પેનરિલિવનું પાર્સલ ડીલીવર કરીને યુવક નીકળ્યો હતો
દરિયાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
તુ ડીલીવરી બોય છે તો તું પાર્સલ આપવામાં કેમ મોડુ કરે છે કહીને બે ભાઇઓએ યુવકને જાહેરમાં દંડાથી ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે .જેમાં ગ્રાહકનું ફુટ મસાજ પેનરિલિવનું પાર્સલ ડીલીવર કરીને યુવક નીકળ્યો હતો જ્યા તેના પર હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે.
શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતા મુદ્દસર સાબીરભાઇ શેખે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં સદામ અને સોએબ નામના બે ભાઇ વિરૂદ્ધ ફરિયાદ કરી છે. જેમાં મુદ્દસર ડેલ્હીવરી નામની કુરિયર કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. મુદ્દસરનું કામ કુરિયર બોય તરીકેનું છે જે તે પ્રમાણીક રીતે કરી રહ્યો છે. મુદ્દસર દાણીલીમડામાં રહેતો હોવાથી કંપનીએ બેરેલ માર્કેટ, દાણીલીમડા, ફેસલનગર વિસ્તારના કુરિયર પહોચાડવાનું કામ તેનુ છે. મુદ્દસર દાણીલીમડાના ફાતિમા કોમ્પલેક્ષની આસપાસમાં પાર્સલની ડીલીવરી કરતો હતો. મુદ્દસર પાસે સાજીદ મંસુરી (રહે, મન્સુરી ફ્લેટ, દાણીલીમડા) નામના ગ્રાહકનુંફુટ મસાજ પેનરિલિવનું પાર્સલ હતુ. જે તેને સમયસર પહોચાડવાનું હતું. પરંતુ મુદ્દસરે તેનુ સરનામું જોયુ નહી હોવાથી તેણે પાર્સલ પર લખેલા મોબાઇલ પર ફોન કર્યો હતો. મુદ્દસરે ફોન કરતા ગ્રાહકે તેને ઉંચા અવાજે જણાવ્યુ હતુંકે હજુ સુધી કેમ પાર્સલ આપવા આવ્યો નથી તુ જલદી આવી જા. ગ્રાહકની વાત સાંભળતા મુદ્દસરે સભ્યતાથી વાત કરવાનું કહ્યુ હતું જેથી તેણે ફોન કાપી નાખ્યો હતો. મુદ્દસરે સરનામું શોધી કાઢ્યુ હતું અને સાજીદ મલેકને પાર્સલ આપીને નીકળી ગયો હતો. દરમિયાનમાં જાહેરરોડ પર એક શખ્સે મુદ્દસરને ઉભો રાખ્યો હતો અને ગાળો બોલીને કહેવા લાગ્યો હતો કે તું ડીલીવરી બોય છે તો તું કેમ પાર્સલ આપવામાં મોડુ કરે છે. મુદ્દસરે શખ્સને ગાળો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો લાફો મારી દીધો હતો. મુદ્દસરને બીજો લાફો મારવા જતા તેણે શખ્સનો હાથ પકડી લીધો હતો દરમિયાનમાં સદ્દામ નામનો યુવક દંડો લઇને દોડી આવ્યો હતો. સદ્દામે મુદ્દસર પર દંડા વડે હુમલો કરી દેતા તે જમીન પર પડી ગયો હતો. મુદ્દસરે બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે હુમલો કરનાર બન્ને શખ્સો નાસી ગયા હતા.
ઇજાગ્રસ્ત મુદ્દસરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા તેને ખભાના ભાગે ફ્રેક્ચર થયુ હોવાનું સામે આવ્યુ છે. મુદ્દસરને જાણવા મળ્યુ કે સદ્દામ સાથે હુમલો કરનાર બીજો શખ્સ તેનો ભાઇ શોએબ છે.