ગુજરાતમાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે વિગતવાર આયોજન કરવા અધિકારીઓને સુચના
કોર કમિટીની બેઠકમાં યુવાનોના વેક્સિનેશન માટે ચર્ચા વિચારણા કરાઈ
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તા. 1લી મે, 2021થી 18 વર્ષથી વધુ વયના યુવાનોને વેક્સિન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને આવકારીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા. કોરોના સામે લડવા માટે વેક્સિન એક અમોઘ શસ્ત્ર છે ત્યારે રાજ્ય સરકાર ખૂબ જ ઝડપથી આયોજનબદ્ધ રીતે 18 વર્ષથી વધુ વયના યુવાનોનું વેક્સિનેશન શરૂ કરશે એમ તેમણે કહ્યું હતું.
વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન અંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને 18 વર્ષથી વધુ વયના યુવાનોના વેક્સિનેશન માટે તાત્કાલિક વિગતવાર આયોજન કરવાની સૂચનાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ઝડપથી આ માટેની વ્યવસ્થાઓ કરશે.