કોરોનામાં પરિવારથી વિખુટા પડયો ત્યારે સિવિલના ‘’ડોક્ટર પરિવારે’’ હૂંફ આપી નૈતિક મનોબળ વધાર્યું : જયમીનભાઈ જાની
Views 🔥જયમીનભાઈ અત્યંત ગંભીર સ્થિતિમાં અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા હતા પણ તબીબોના અથાક પરિશ્રમથી તેમને નવજીવન મળ્યું.
સિવિલમાં તબીબો માત્ર ‘’મેડિકલ’’ જ નહીં ‘’મોરલ’’ સપોર્ટ પણ આપે છે : જયમીનભાઈ
અમદાવાદ: આજે આપણી સમક્ષ અનેક નકારાત્મક સમાચારો આવે છે. જેનાથી આપણે વિચલિત થઈ જઈએ છીએ. પણ એવા પણ અનેક સમાચાર છે જેનાથી લોકોને જીવવાનું નવું બળ મળે છે.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યંત ગંભીર સ્થિતિમાં દાખલ કરાયેલા જયમીનભાઈ જાનીનો કિસ્સો આવો જ પ્રેરણાદાયી છે.
જયમીનભાઈ જાની કોરોના પોઝીટીવ થયા બાદ અત્યંત ગંભીર હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સ વગેરેના અથાક પરિશ્રમથી આજે જયમીનભાઈને નવું જીવન મળ્યું છે અને તે સિવિલના સ્ટાફની પ્રસંશા કરતા થાકતા નથી.
જમયીનભાઈની ટ્રીટમેન્ટમાં સામેલ તબીબ ડો. વૈભવી પટેલ કહે છે – જ્યારે જયમીનભાઈને અહીં દાખલ કરાયા ત્યારે તેમની સ્થિતિ અતિગંભીર હતી પણ અત્યારે સ્થિતિ ઘણી સુધારા પર છે. તેમને આઈસીયુમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એનેસ્થેશિયા વિભાગમાં કાર્યરત તબીબ ડોક્ટર વૈભવી કહે છે કે, અમે સિવિલમાં આવતા પ્રત્યેક દર્દીને અંગત દર્દી ગણીને જ સારવાર આપીએ છીએ.
સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર અંગે વાતચીત કરતા ભાવુક થઈ ગયેલા જયમીનભાઈ કહે છે : કોરોનામાં આપણે પરિવારથી વિખુટા પડી જઈએ છીએ પણ અહીં એક નવું પરિવાર મળે છે અને તે છે – ‘’ડોક્ટર્સ પરિવાર’’ . જયમીનભાઈ કહે છે કે અહીં હોસ્પિટલમાં ડોક્ટર્સ અને નર્સનું પરિવાર માત્ર ‘’મેડિકલ’’ સપોર્ટ નહીં પણ ‘’મોરલ’’ સપોર્ટ પણ આપે છે.
જમયીનભાઈ જાની કહે છે કે, અહીં દરેક શિફ્ટમાં આવતા તબીબો મારો જુસ્સો વધારતા રહ્યા અને મને કહેતા કે ચિંતા ના કરો. અમે અહીં છીએ.આમ સિવિલના તબીબોએ સતત તેમનું નૈતિક મનોબળ વધાર્યું.
જયમીનભાઈનું સ્વાસ્થ્ય સુધર્યું છે. તેમને બાયપેપ બાદ એચ.એફ.એન.સી અને બાદમાં એન.આર.બી.એમ માસ્ક પર શિફ્ટ કરાયા હતા. હવે તેમને માત્ર રાત્રે વેન્ટીમાસ્ક આપવામાં આવે છે. એટલે કે ઓક્સિજનની સામાન્ય જરુરિયાત જ રહે છે. તેઓ જાતે ભોજન પણ લઈ શકે છે અને ટૂંક સમયમાં તેમને રજા આપી દેવાશે. આમ, સિવિલના તબીબોની રાત-દિવસની મહેનત રંગ લાવી અને એક યુવાનને નવજીવન મળ્યું.