વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખા હવે ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમની ડિજીટલ વસુલાત કરી શકશે
ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા જવાનો ૧૨૦ પોસ મશીનોથી સજ્જ
વડોદરા: રાજ્ય સરકારના દિશા નિર્દેશો પ્રમાણે વડોદરા શહેર પોલીસના તમામ આયામો માં ઈ ગવર્નન્સનો સમન્વય કરવામાં આવી રહ્યો છે અને માનવીય કામગીરીનું શક્ય તેટલું ડિજીટલીકરણ કરવામાં આવી રહ્યું છે. તેના ભાગ રૂપે કસૂરવારો પાસેથી મોટર વાહન કાયદા એટલે કે ટ્રાફિકના નિયમો ના ભંગ બદલ દંડની એટલે કે સમાધાન શુલ્કની વસુલાત માટે ટ્રાફિક પોઇન્ટની ફરજ પરના જવાનોને પોઇન્ટ ઓફ સેલ – પોસ મશીનોથી સજ્જ કરવામાં આવ્યા છે.
શહેરના પોલીસ કમિશનર ડો.શમશેરસિંઘે જાતે સમાધાન શુલ્ક આ મશીન દ્વારા સ્વીકારી ડિજીટલીકરણની આ પહેલની શરૂઆત કરાવી હતી.આ પ્રકારના ૧૨૦ સરળ અને હાથવગા યંત્રો નો ઉપયોગ હવે ટ્રાફિક શાખા દ્વારા દંડની વસુલાત માટે કરવામાં આવશે જેના લીધે દંડ ભરવા અને સ્વીકારવાની સરળતા વધશે.સમાધાનની રકમ હવે એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુ.પી.આઇ. ક્યુ. આર.કોડ,ભીમ એપ જેવા વિકલ્પોથી ઓનલાઇન અને તત્કાળ ભરી શકાશે.સંબંધિત કર્મચારીઓને એસ.બી.આઇ.દ્વારા આ યંત્રોના સંચાલન ની તાલીમ આપવામાં આવી છે.