અમદાવાદ:
દિવાળીના તહેવારોમાં કોર્પોરેટ કંપનીઓ દ્વારા ગમતાં-અણગમતા વ્યાવસિયક સંબંધો સાચવવા માટે ગિફ્ટ/વાઉચર/કવર આપવાનો રિવાજ હોય છે. રસપ્રદ વાત એ છે કે, હવે આ કોર્પોરેટ સ્ટાઈલ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી એક જાણીતી સરકારી હોસ્પિટલના તબીબી અધિકારીએ અપનાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ જાણીતી સરકારી હોસ્પિટલ અને તેના કેટલાંક ઉચ્ચ અધિકારી સતત વિવાદોમાં ઘેરાયેલાં રહે છે. જોકે હવે વિવાદોથી બચવાના શોર્ટકટ રૂપે આ દિવાળીમાં અધિકારીએ કેટલાક અણગમતા ફરિયાદીઓ/અરજદારોને સાચવવા કોર્પોરેટ સ્ટાઈલ થી કવર આપવાનું શરૂ કર્યું છે. નવા અધિકારીની કોર્પોરેટ સ્ટાઈલ ની હોસ્પિટલ કેમ્પસ માં આવેલી અન્ય તમામ સંસ્થામાં ચર્ચા ચાલી રહી છે. જોકે કેટલાંક વ્યકિતએ કવર સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી છે.
જોકે, આ બાબતે વિવાદથી બચવા તબીબ અધિકારીએ કવર વહેચવાની કામગીરી પોતાના ખાસ વિશ્વાસુ ડ્રાયવરને સોંપી હોવાનું ચર્ચાય છે. જેથી ડ્રાઈવર જુદા જુદાં ફરિયાદીઓ અને અરજદારોને મળી ને કવર લેવા આમંત્રણ આપી રહ્યો હોવાનું હોસ્પિટલ ના સૂત્રો જણાવે છે.
જેથી ડ્રાઈવર- કમ કેશિયર તરીકે ની કવર વહેચવાની કામગીરીને પોતાનો ધરમ સમજીને ફરજ નિભાવી રહ્યો છે. આ સાથે કવર આપતી વખતે જે તે અરજદાર /ફરિયાદીની અરજી ફરિયાદનો નિકાલ કરી દેવાની બાહેંધરી પણ લઈ રહ્યો હોવાનું હોસ્પિટલ કેમ્પસમાં ચર્ચાઈ રહ્યું છે.