અંધારી ગામમાં રાજ્ય સરકારના વિકાસનો ઉજાસ
ગંગાસ્વરૂપ માતા-દીકરી માટે વિધવા સહાય યોજનાએ સહિયારો આપ્યો
સવિતાબેન વસાવાને આદિમજૂથ સહાય અંતર્ગત આવાસ અને ઉજજ્વલા યોજનાનો લાભ મળ્યો
૭૫૦ જેટલા આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા અંધારી ગામના પરિવારોને સરકારી સહાય હેઠળ મળ્યું “ઘરનું ઘર”
બ્રિટીશકાળમાં વડોદરા અને ભરૂચ જિલ્લામાંથી અમદાવાદના ધોળકા તાલુકાના અંધારી ગામમાં આવીને વસેલા આદિવાસીસમુદાય આજે સમૃધ્ધ બન્યો છે. રાજ્ય સરકારના વિવિધ યોજનાકીય વિકાસના કારણે આ સમુદાય પગભર થયો છે.
અમદાવાદ જિલ્લાનાં ધોળકા તાલુકાનું અંધારી ગામ જે સમગ્ર જિલ્લામાં સંપૂર્ણ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતું ગામ છે.જેની વસ્તી અંદાજિત 750 છે.
અંધારી ગામમાં રાજય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ સરકારી સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વિકાસ થકી અંધારી ગ્રામજનોના જીવનમાં ઉજાસ પથરાયો છે.આ ઉજાસ છે સફળતાનો. જેણે આદિવાસીસમુદાયના લોકોના જીવનને પ્રકાશિત કર્યું છે.
રાજ્ય સરકારની આદિમજૂથ યોજના અંતર્ગત ગામના 21 પરિવારજનોને આવાસ સહાય મળી છે. ગામની 25 ગંગાસ્વરૂપ બહેનોને રાજ્ય સરકારની વિધવા સહાય અંતર્ગત નિયમિત ધોરણે નાણા સીધા ખાતામાં જમાં થાય છે. ગામના 20 પરિવારોની મહિલાઓને રસોઇ માટે ચૂલામાંથી મુક્તિ અપાવવા પ્રધાનમંત્રીશ્રી ની ઉજજ્વલા યોજના દ્વારા ગેસ કનેકશન સહાય મળી છે.
અંધારી ગામ સ્વચ્છતા ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે. સરકારની શૌચ મુક્ત ગામ યોજનાનો લાભ મેળવીને 100 ટકા શૌચાલયની સુવિધા સાથેનું ખુલ્લામાં શૌચ મુક્ત ગામ બન્યું છે.
અંધારીગામમાં રહેતા 60 વર્ષીય સવિતાબેન વસાવાના પતિનું વર્ષો પહેલા નિધન થતા તેઓ નિરાધાર બન્યા.ઘરના મોભીનું અવસાન થતા જવાબદારી સવિતાબહેનના શિરે આવી. તેમને એક દિકરી મલ્લીકાબેન કે જેઓ દિવ્યાંગ છે તેઓના પણ લગ્નના થોડાક દિવસોમાં જ પતિનું અવસાન થયું. મા-દીકરી બંને વિધવા થતા જીવનનિર્વાહની ચિંતા સતત રહેતી હતી. આવા સમયે ગુજરાત સરકારની વિધવા પેન્શન યોજના પરિવારના વ્હારે આવી.
ગામના તલાટીએ આ પરિવારને વિધવા સહાય યોજના વિશેની વિગતવાર માહિતી આપી . ત્યારબાદ બંનેએ પેન્શન સહાય માટે ફોર્મ ભર્યું. આજે માતા અને દીકરીને વિધવા સહાય અંતર્ગત સમયસર નાણા ખાતામાં જમાં થાય છે. જેના થકી તેમના જીવનગુજરાનના પ્રશ્નનો અંત આવ્યો છે.
સવિતાબેન વસાવા અને તેમની દીકરીને રહેવા માટે માથે છતનો પણ પ્રશ્ન હતો. વર્ષોથી ઝૂંપડામાં રહેતા હોવાના કારણે ઉનાળા, ચોમાસા કે પછી શિયાળાની ઋતુમાં ઘણી તકલીફો વેઠવી પડતી હતી. જે માટે ગ્રામપંચયાતમાં આદિમજૂથ યોજના અંતર્ગત આવાસ સહાય માટે તેમની નોંધણી કરાઇ.
ખૂબ જ ટૂંકાગાળામાં સરળતાથી સવિતાબેનને આદિમજૂથ સહાય અંતર્ગત આવાસ સહાય મળતા તેઓને ઘરનું ઘર મળ્યું. આજે તેઓ પોતાના ઘરમાં નિરાંતની નિંદર લઇ શકે છે.
આમ સરકારી સહાયથી સવિતાબેન અને મલ્લિકાબેનને માથે છત, જીવનગુજરાન ચલાવવા આર્થિક લાભ મળ્યો. હવે પ્રશ્ન હતો બે ટંક ભોજનનો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા મહિલાઓને ચૂલા માંથી રસોઇ બનાવતા મુક્ત કરવા માટે ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કેનેકશન સહાય કાર્યરત કરવામાં આવી હતી. જે અંતર્ગત સવિતાબેનને ગેસ કનેકશન સહાય પણ મળી.
અંધારી ગામના ગંગાસ્વરૂપ સવિતાબહેન કહે છે કે, અમારૂ પરિવાર નિરક્ષર છે. પતિનું અવસાન થતા ઘર કેમનું ચલાવવું તે પ્રશ્ન સતાવતો. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રાજ્ય સરકારે અમને ઘણીં મદદ કરી છે. અત્યાર સુધી કાચા મકાનમાં રહેવાના કારણે ઘણીયે મૂશ્કેલી વેઠી છે. સ્વપ્નેય નહોતું વિચાર્યું કે અમને ઘરનું પાકું ઘર મળશે જે સરકારના સહગોથી અમને મળ્યું છે. દર મહિને સમયસર બેંકના ખાતામાં નાણા જમા થાય છે.જેનાથી અમારો જીવનનિર્વાહ સરળ બન્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ રાજ્ય સરકારે સમાજના દરેક વર્ગની દરકાર કરી છે. રાજયના ગરીબ થી મધ્યમવર્ગીય, વિધવા બહેનો થી લઇ દિવ્યાંગજનો તમામને વિવિધ યોજનાકીય લાભ આપીનેજીવનને સમૃધ્ધ બનાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે. જેની ફળશ્રૂતિ સ્વરૂપે આજે શહેર થી લઇ ગામનો નાગરિક સરકારી સેવા અને સહાય થી સંતોષનો ભાવ પ્રગટ કરી રહ્યો છે.