21 જૂન વિશ્વ યોગ દિન
પલ્મોનરી ટીબીની સારવાર મેળવી સાજા થયેલ ટી.બી.ના દર્દીઓ યોગ કરીને તંદુરસ્તીનો સંદેશ આપશે
21 મી જૂન “વિશ્વ યોગ દિવસ” ના રોજ અમદાવાદ સિવિલ મેડિસીટીની ટી.બી. હોસ્પિટલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ટી.બી.-ક્ષય (ટ્યુબરક્યુલોસિસ) થી પીડિત દર્દીઓ કે જેઓ સારવાર મેળવીને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા છે એવા દર્દીઓ દ્વારા યોગ કરીને નાગરિકોને તંદુરસ્તીનો સંદેશ આપવામાં આવશે.
“યોગા ફોર બેટરમેન્ટ ઓફ પોસ્ટ ટી.બી. પેશન્ટ” થીમ આધારિત રાજ્યની છ મેડિકલ કોલેજમાં પલ્મોનરી ટી.બી.ની સારવાર પૂરી કરેલ દર્દીઓને યોગ કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અમદાવાદ સિવિલ મેડિસીટીના રાજ્ય ક્ષય નિદર્શન અને તાલીમ કેન્દ્ર અસારવા ખાતે પણ સવારે 9 વાગ્યે કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના સાસંદ ડૉ.કિરિટભાઇ સોલંકી, અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદિપભાઇ પરમાર, સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદી, બી.જે.મેડિકલ કૉલેજના ડીન ડૉ. પ્રણય શાહ ઉપસ્થિત રહીને દર્દીઓનો ઉત્સાહ વધારશે.
અત્રે નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા ટી.બી.ને વર્ષ 2025 સુધીમાં નાબુદ કરવાની નેમ હાથ ધરવામાં આવી છે. એવામાં 21 મી જૂન વિશ્વ યોગ દિન નીમીતે આ ઉજવણી ટી.બી થી પીડિત દર્દીઓમાં નવઉર્જાનો સંચાર કરશે.
ટી.બી. એ મુખ્યત્વે ફેફસાનેં અસર કરતો રોગ છે અને ટી.બી.ના દર્દીઓમાં ફેફસામાં શ્વાચ્છોશ્વાસની ક્રિયામાં ખાસ તકલીફ પડતી જોવા મળે છે. જેથી દર્દીની સારવાર પૂર્ણ થાય ત્યારબાદ ફેફસાની કસરત નિયમિત રીતે કરતી રહેવી જરૂરી બની રહે છે. યોગ કરવાથી ફેફસાની કાર્યશક્તિમાં વધારે થાય છે અને દર્દીની જીવન કાર્યદક્ષતામાં સુધારો જોવા મળે છે. આ કારણોસર ટી.બી. ની સારવાર પુરી થઇ ગયા બાદ યોગ/ પ્રાણાયામ નિયમિત રીતે કરવામાં આવે તો જીવન સ્વસ્થ્યપ્રદ તંદુરસ્ત બની રહે છે.
ટીબીના દર્દીઓને યોગ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા એક બેચ બનાવવામાં આવશે. જેમાં પલ્મોનરી ટીબીના 10 થી 20 દર્દીઓનો સમાવેશ કરવામાં આવશે. દર્દી 18 વર્ષથી ઉપરના પસંદ કરવામાં આવશે. ટીબીના સાજા થયેલ દર્દીઓને આ યોગ કાર્યક્રમમાં જોડવામાં આવશે.