રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )
અમદાવાદ શહેરમાં વાહન પર એડવોકેટ, પોલીસ, પ્રેસ, ડોક્ટર સહિતના લખાણવાળા સ્ટીકર લગાવ્યા હશે તો તે વાહન ચાલકને દંડ ફટકારવાની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 19 ઓગસ્ટથી આ માટે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેને લઈ હવે વિરોધના વંટોળ શરુ થઈ ગયા છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ એડવોકેટ, ડોક્ટર, પોલીસ સહિતના લોકો વાહન પર સ્ટિકર નહીં લગાવવાના પરિપત્રનો અમદાવાદ ક્રિમિનિલ કોર્ટ બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
એટલું જ નહીં બાર એસોસિએશને આ પરિપત્ર રદ કરવા માટે શહેર પોલીસ કમિશનરને આવેદન પત્ર પણ આપશે.
આ સાથે જ એવી પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો બાર એસોસિએશન ગાંધી ચિંધ્યા માર્ગે આગામી સમયમાં આંદોલન કરશે. આ ઉપરાંત હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરવાની ચીમકી આપવામાં આવી છે.
આ અંગે અમદાવાદ ક્રિમિનલ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ કમલકર ઉપપ્રમુખ ભરત શાહ અને સેક્રેટરી અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, વકીલો હાઈકોર્ટ, મેટ્રો, સેશન્સ, ગ્રામ્ય, ફેમિલી કોર્ટ અને વિવિધ ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ માટે જતા હોય છે. વકીલોના વાહનો પાર્કિંગ કરવા માટે જુદી જુદી કોર્ટમાં એડવોકેટના સ્ટિકર વગરના વાહનને પ્રવેશ આપવામાં આવતો નથી. આવી સ્થિતિમાં પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલ પરિપત્રના કારણે પોલીસ વકીલોને દંડ કરી રહી છે. જેના પગલે આ અંગે બાર એસોસિએશનમાં વકીલોએ રજૂઆત કરેલી છે. આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.