રીતેશ પરમાર (ક્રાઈમ રિપોર્ટર)
ઉત્તરાયણનો તહેવાર અમદાવાદીઓ માટે હર્ષોઉલ્લાસ નો તહેવાર છે અને આ તહેવારના દિવસે અમદાવાદીઓ સવારથી જ પોતાના ઘરના અને સોસાયટીના ધાબા ઉપર જઈને ડીજેના તાલે ડાન્સ કરતા હોય છે અને સાથે પતંગ ઉડાડી પોતાના પરીવાર અને સગા સબંધીઓ સાથે મકરસક્રાંતિનો તહેવાર મનાવતા હોય છે જે અમદાવાદીઓની વર્ષો જુની પરંપરા છે. પરંતુ હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે. જેથી આ વખતે ઉત્તરાયણ ના દિવસે ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને સાથે વધુ ભીડ એકઠી કરી પતંગ ઉડાડવા ઉપર પણ ચોક્કસ નિયમ અને શરતો મુકવામાં આવી હતી. તેમ છતાં ઘણી બધી જગ્યાએ નિયમોનું ઉલ્લંઘન કરવાનાં કિસ્સા સામે આવ્યા હતા.
બીજીતરફ ઉત્તરાયણના દિવસે અમદાવાદનાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા એક યુવાને ઉત્સાહમાં આવી જઈ પોલીસ કે કાયદાનો ડર રાખ્યા વગર પોતાની પાસે રાખેલી ગેરકાયદેસર પિસ્તોલમાંથી હવામાં એકથી વધારે ફાયર કર્યા હતા. જેના લીધે અરસ પરસ રહેતા લોકોમાં ભયની લાગણી ફેલાઈ હતી.જેથી ત્યાંના કોઈ જાગૃત નાગરિક દ્વારા કંટ્રોલ મેસેજ કરી ઘટનાની જાણ કરી હતી.કંટ્રોલ મેસેજ મળતા સ્થાનિક કૃષ્ણનગર પોલીસ દોડતી થઈ હતી.
કૃષ્ણનગર પોલીસને મેસેજ મળ્યો હતો કે વિજયપાર્કથી હરિવિલા રોડની વચ્ચેના ગાયત્રી સર્કલ પાસેની સોસાયટીમાં ધવલ પટેલ નામના યુવકે પિસ્ટલ જેવા દેખાતા હથિયારથી ફાયરિંગ કર્યુ છે અને એટલુંજ નહી પણ આ યુવાને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ઉપર ફાયરિંગ કર્યાનો વિડીયો પણ અપલોડ કર્યો છે.જેથી કૃષ્ણનગર પોલીસે મેસેજ મળ્યા સોસાયટીની અંદર જઈ યુવક ધવલ પટેલની પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે ફાયરિંગ કરનાર યુવક પાસેથી હથિયાર રાખવાનુ પરમીટ માંગતા તેની પાસે પરમીટ હતું નહી જેથી કૃષ્ણનગર પોલીસે ધવલ પટેલ સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.