સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે ધંધુકા ખાતે સરકારી કુમાર છાત્રાલયનું લોકાર્પણ

Share with:


Views 🔥 web counter

“એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે એ જ ગુજરાત સરકારનો નિર્ધાર” – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર

“વિકસતી જાતિના બાળકોને શિક્ષણના પૂરતા અવસર ઉપ્લબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ” – સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે સરકારી કુમાર છાત્રાલયના ઉદઘાટન પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, એક પણ બાળક અભ્યાસથી વંચિત ન રહે એ ગુજરાત સરકારનો નિર્ધાર છે અને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલના નેતૃત્વમાં વિકસતી જાતિના બાળકોને શિક્ષણના પૂરતા અવસર ઉપ્લબ્ધ બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.  

રૂ. 2.10 કરોડના ખર્ચે નવનિર્મિત છાત્રાલયને ખુલ્લું મૂકતા ઈશ્વરભાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આસપાસના 16 કિલોમીટરમાં કુમાર સરકારી છાત્રાલય ઉપ્લબ્ધ નથી, ત્યારે આ છાત્રાલય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ પુરવાર થશે. તેમણે ઉમેર્યું કે, આ છાત્રાલયના કારણે ધંધુકા ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને લીમડી તાલુકા તથા બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાના વિદ્યાર્થીઓને લાભ થશે.

નોંધપાત્ર બાબત એ છે કે આ છાત્રાલયમાં ધોરણ- 11-12 અને સ્નાતક કક્ષા તેમ જ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે રહેવા તથા ભોજન સહિતનો લાભ મળશે.
ઈશ્વરભાઈએ ગુજરાત સરકાર દ્વારા વિકસતી જાતિ માટે ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોની રૂપરેખા આપતા કહ્યું કે, રાજ્યમાં વિકસતી જાતિના 33 આદર્શ નિવાસી છાત્રાલય કાર્યરત છે, જેનો લાભ 9,240 વિદ્યાર્થીઓને મળે છે.આ ઉપરાંત તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે 10 જિલ્લામાં બનાવવામાં આવેલા સમરસ છાત્રાલયનો લાભ  રાજ્યના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે.

મંત્રીએ વિકસતી જાતિઓ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા શ્રેણીબદ્ધ પગલાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સરકારે 2018-19 થી વિદ્યાર્થીઓને અપાતી ગણવેશ સહાયની રકમ રૂ. 300 થી વધારીને રૂ. 600 કરી છે એટલે કે બમણી કરી છે. એ જ રીતે બૂટ-મોજા માટે અપાતી સહાયની રકમ રૂ. 200 થી વધારીને રૂ. 400 કરવામાં આવી છે. તેમણે આ તબક્કે સ્પષ્ટ કર્યું કે, આ સમગ્ર વ્યવસ્થામાં પારદર્શિતા આણવા માટે વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી રકમ જમા કરાવવામાં આવે છે. તેમણે કન્યા કેળવણી માટેના પ્રયાસો અંગેની વિગતો આપતા કહ્યું કે, ધોરણ -9માં અભ્યાસ કરતી 1 લાખ 35 હજારથી વધુ વિદ્યાર્થીનીઓને સાયકલની ભેટ આપવામાં આવી છે.

આ અવસરે ગુજરાત સરકારે વિદેશ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને અપાતા લાભ અંગે વાત કરતા કહ્યું કે, વિદેશ અભ્યાસ માટે અગાઉ રૂ. 10 લાખની લોન આપવામાં આવતી હતી, આ રકમ હવે વધારીને રૂ. 15 લાખ કરાઈ હોવાનું પણ ગૌરવભેર જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યારસુધીમાં 1400થી વધારે વિદ્યાર્થી આનો લાભ લઈ ચૂક્યા છે.

કોરોના કાળમાં રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું શિક્ષણ અટકે નહીં અને તેમને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આદર્શ નિવાસી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ખાતામાં રૂ. 1,500 ની સહાય જમા કરાવી હોવાની વિગતો પણ શ્રી ઈશ્વરભાઈ પરમારે આપી હતી.  
ઉલ્લેખનીય છે કે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી દ્વારા ઉદઘાટીત કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ભોજન, સવારે ચા-નાસ્તો, પગરણ(ગાદલા-ચાદર), લાયબ્રેરી, રિડીંગરૂમ અને 24 કલાક પીવાનું ઠંડુ પાણી જેવી સુવિધાઓ ઉપ્લબ્ધ બનશે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ  હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય  લાલજીભાઈ મેર, નિયામક  એન.એ.નિનામા તેમ જ આસિ.કલેક્ટર  મમતા હિરપરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed