“આસો સુદ શારદીય નવરાત્રી ” ખરેખર ગરબે રમવું ઍટલે શુ ?

Share with:


Views 🔥 web counter

✒️… મહંત શ્રી અશોકભાઈ વાઘેલા, શ્રી હરિવિષ્ણુ મંદિર અમદાવાદ

અમદાવાદ: ગરબો તે બ્રહ્માંડ નુ પ્રતિક છે, ગરબામાં ૨૭ છિદ્ર હોય છે.૯ ની ૩ લાઈન ઍટલે ૨૭ છિદ્ર તે ૨૭ નક્ષત્ર છે.એક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે.૨૭×૪=૧૦૮  નવરાત્રિમાં ગરબાને મધ્યમાં રાખી ૧૦૮ વખત ગરબી રમવાથી અથવા ઘુમવાથી બ્રહ્માંડ ની પ્રદક્ષિણા કરવાનું પૂણ્ય મળે છે. ગરબા રમવાનું મહાત્મય આ પણ છે.
માની ભક્તિમાં એ શક્તિ છે જે સર્વે દુઃખોને દુર કરી દેય છે. ઉઠતાજ તારું સ્મરણ સૂતી વેળાએ તારૂજ નામ. આખાય વિશ્વની બ્રહ્માંડ ની માં જગત જનની કે જેની પાસે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ નમન કરે છે. જે માં અસત્ય માંથી પરમ સત્ય તરફ અને ઉંડા અંધકાર માંથી પરમ તેજ તરફ લઈ જાય છે તે માં પણ ક્યારેક રમતે ચડે છે. શોળે શણગાર સજીને ગરબે ઘુમવા નિકળે છે. માં ના લલાટ મા શોભતા કંકુના ચાંદલા માંથી અનાયસ ખરી પડે છે કંકુના બીજા કણ અને પછી સૂરજ ઉગે છે, સવાર પડે છે, જીવન ધબકવા લાગે છે. આસૂરી તત્વો ભાગે છે અને દેવી તત્વો માં ના ચરણોમાં આળસ મરડીને જાગે છે અને પછી ભક્તિનો માહોલ સર્જાય છે ને તેમાં આપણે પણ લીન થવુજ પડે.

માં અંબા ની સેવા પૂજા, આરતી, સ્તુતિ, ગુણગાન, આરાધના, ગરબા કરવાનો, પ્રાર્થના કરવાનો શ્રેષ્ઠ સમય ઍટલે શારદીય નવરાત્રિ. દેવી ભાગવત માં દર્શાવ્યા પ્રમાણે માં અંબા એ ભક્તો ના દુઃખ દુર કરવા માટે અને દેવો ને કષ્ટ માંથી ઉગારવા માટે અનેક અવતારો ધર્યા. માં અંબા એ મહિષાસુર,ધુમ્રલોચન, શુંભ નિશુંભ, ચંડ મુંડ, રક્તબીજ, અને બીજા કેટલાય મહા શક્તિશાળી રાક્ષસો નો સંહાર કર્યો અને દેવો અને ભકતજનો ને ઉગાર્યા . મહિષાસુરે ખુબજ આકરું તપ કરી ને વરદાન મેળવ્યું હતું કે મારું મૃત્યુ કોઈ થી પણ ના થાય. ફક્ત ને ફક્ત કોઈ સ્ત્રી ના હાથે જ મારું મૃત્યુ થાય.કારણ કે એક અબળા નારી મારા જેવા શકિતશાળી ને ક્યારેય મારી શકવાની નથી તેવું તેનું માનવું હતું. એક ભ્રમ હતો. વરદાન મેળવ્યા બાદ તે મહિષાસુર ગર્વિત થઇને દેવો ને હેરાન પરેશાન કરી ને યુધ્ધ કરીને દેવોને પરાજિત કર્યા હતા અને સ્વર્ગ પણ જીતી લીધું હતું. દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા અને મહિષાસુર ના ત્રાસ માંથી મુક્તિ મેળવવા માટે શ્રી હરિ વિષ્ણુ, બ્રહ્મા અને મહાદેવના શરણે ગયા હતા અને આજીજી કરી હતી. પરંતુ આ ત્રી દેવ પણ અસમર્થ હતા આ મહિષાસુર ને મારવા. ત્યારે માં સતી પાર્વતી ને આ કાર્ય કરવા માટે ત્રી દેવ અને બીજા અનેક દેવોએ વિનંતિ કરી હતી. માતા પાર્વતીને ત્રી દેવ અને બીજા અનેક દેવોએ પોતાની શક્તિ પૂંજ અર્પણ કરેલ અને તે શક્તિપૂંજ માંથી ઍક શકિતશાળી દેવી ઉત્પન્ન થઈ તે માં અંબા હતા. ત્યારે ત્રી દેવ અને બીજા કેટલાય દેવોએ પોતાનાં શકિતશાળી આયુધો અર્પણ કરેલ . અને માં અંબા એ  તે તમામ આયુધો ધારણ કરીને મહિષાસુર અને તેના કેટલાય શકિતશાળી યોધ્ધાઓ સાથે ભીષણ યુધ્ધ કરીને એકલા હાથે તે તમામ રાક્ષશો નો વધ કર્યો હતો. આ ભયંકર યુધ્ધ મા દેવો ની બીજી અનેક નારી શક્તિઓ એ પણ જંપલાવ્યું હતું. યુદ્ધ મા  વરદાન મેળવ્યા અનુસાર રક્તબીજ ના રક્ત ના ટીપાં ધરતી ઉપર પડવાથી બીજા અનેક રક્તબીજો ઉત્પન્ન થતા હતા ત્યારે માં અંબા એ ખુબજ ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને પોતાનામાંથી માં ચામુંડા અને માં મહાકાળી એમ બે દેવીઓ ને ઉત્પન્ન કરી હતી. રક્તબીજ નુ રક્ત નું ટીપુ પણ ધરતી ઉપર ના પડે તે માટે માતા કાલીએ હાથમાં ખપ્પર લઈને રાક્ષસો નો વધ કરવા માંડ્યો અને રાક્ષસો નુ લોહિ તે ખપ્પરમાં ભરીને પોતે પીવા માંડ્યા હતા પરંતુ ખપ્પર છલકાતા ખપ્પર માંથી લોહી નીચે ધરતી ઉપર પડવાથી અનેક રક્તબીજ ઉત્પન્ન થવા લાગેલા અને ત્યારે દેવી કાળીએ ભયંકર ચીસો પાડી ને રાક્ષસો ને વેગ થી પોતાનાં મુખમાં ખાવા માંડ્યા હતા . અને આ રીતે  દેવીએ અનેક રાક્ષસો નો સંહાર કર્યો હતો. શક્તિ વિના આ આખું જગત શક્તિહીન છે. શક્તિ વિના  બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ કોઈ પણ કાર્ય કરવા માટે અસમર્થ છે. દેવી ભાગવત મા દર્શાવ્યા પ્રમાણે  માં અંબા ના નખરૂપ દર્પણ મા આખું બ્રહ્માંડ સમાયેલું છે. દેવીના ચરણકમળ ના નખરૂપ દર્પણમાં સ્થાવર- જંગમ આખું બ્રહ્માંડ તેમજ બ્રમ્હા, વિષ્ણું અને મહેશ, વાયુ, અગ્નિ, યમ, સૂર્ય, વરુણ, ચંદ્ર, વિશ્વકર્મા, કુબેર, ઇન્દ્ર, પર્વતો, સમુદ્રો, નદીઓ, ગંધર્વો, અપ્સરાઓ, વિશ્વવસુ, ચિત્રકેતું, શ્વેત, ચિત્રંગણ, નારદ, તુંબુરું, હાહા, હુહુ, બન્ને અશ્વિની કુમારો, વસુઓ, સાધ્યો,સિધ્ધો, પિતૃઓ, શેષનાગ, વગેરે નાગો, બધા કિન્નરો, સર્પો, રાક્ષશો, વેંકુઠ લોક, બ્રહ્મલોક, અને પર્વતો મા ઉત્તમ કૈલાશ આ બધું દેવીના નખમાં રહેલું છે. દેવી ભાગવત મા અધ્યાય 4 મા ભગવાન શ્રી હરિ વિષ્ણુ એ પણ દેવીની સ્તુતી કરેલ છે અને અધ્યાય 5 મા શીવ તથા બ્રહ્માએ દેવીની સ્તુતી કરેલ છે. માં અંબા ના જેટલા પણ ગુણ ગાઓ તેટલા ઓછા છે. માં તો જગત જનની છે, દયાળુ છે, કરુણા ની સાગર છે, માં અંબા પાસે સાચા રદયથી જે કાંઈ પ્રાર્થના કરો તે તમામ પ્રાર્થના માં સ્વીકાર કરેજ છે. માં અંબા ને કોટી કોટી વંદન અને હજારો પ્રણામ ,  જય અંબે

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed