NCC ગુજરાત અને મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યુવા મતદાર નોંધણી ઝુંબેશનો શુભારંભ

Share with:


Views 🔥 web counter

ગુજરાતમાં કોવીડકાળમાં થયેલી મતદાર નોંધણીમાં 75 ટકા જેટલી  ઓનલાઈન –  શ્રી આર.કે.પટેલ, અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત

ગુજરાતનું NCC યુનિટ દેશ માટે રોલ મોડલ બની રહ્યું છે – મેજર જનરલ શ્રી અરવિંદ કપૂર, એડિશનલ ડાયરેક્ટર જનરલ,એનસીસી ગુજરાત એકમ
  
અમદાવાદના લોગાર્ડન સ્થિત એનસીસી હેડક્વાર્ટર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત અને એનસીસીના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અરવિંદ કપૂરની ઉપસ્થિતિમાં   યુવા મતદાર નોંધણી ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો. એનસીસી ગુજરાત અને મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલી આ યુવા મતદાર નોંધણી ઝુંબેશમાં ઉપસ્થિત અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત શ્રી આર.કે.પટેલે યુવા મતદારોમાં જનજાગૃતિ ઝુંબેશમાં એનસીસીના યોગદાનની પ્રસશા કરતાં કહ્યું કે, ગુજરાતમાં યુવા મતદારોની નોધણી માટે એનસીસી, એનએસએસ અને નહેરુ યુવા કેન્દ્ર તેમ જ સ્વૈચ્છીક સંગઠનોની ભૂમિકા મહત્વની રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં કોવીડ કાળ દરમિયાન 7 લાખથી વધુ મતદાર નોંધણીમાં 75 ટકાથી વધુ નોંધણી ઓનલાઈન થઈ છે.

શ્રી પટેલે એનસીસી કેડેટને સંબોધતા કહ્યું કે, લોકશાહીનો સૌથી મોટો લાભ એ છે કે આપણે આપણા જનપ્રતિનિધિ પસંદ કરી શકીએ છીએ અને તે પસંદગી માટે  મતદારે નોંધણી કરાવવી અનિવાર્ય હોય છે. ત્યારે આપણે સૌએ મહત્તમ મતદારોની નોંધણી માટેના પ્રયાસો કરવા રહ્યા. તેમણે વધુમા જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનભાગીદારી એ પાયાની બાબત છે  અને તેથી ચૂંટણી પંચ દ્વારા કોલેજ, આઈટીઆઈ,ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં તેમ જ ઔદ્યોગિક એકમો જેવા અનેકવિધ સ્થળોએ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 

આ અવસરે શ્રી પટેલે દિવ્યાંગો માટે એક્સેસેબલ ઈલેકશનની દિશામાં થયેલી કામગીરીની પણ રુપરેખા આપી હતી. મતદાર નોંધણી ઝુંબેશમાં સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વની હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.  
એનસીસીના ‘એક મૈં, સૌ કે લિએ’ અભિયાનના સાતમા તબક્કામાં યુવા મતદાર નોધણી ઝુંબેશના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત એડિશનલ જનરલ ડાયરેક્ટર મેજર જનરલ શ્રી અરવિંદ કપૂરે કહ્યું કે, ગુજરાતનું એનસીસી યુનિટ સમગ્ર દેશ માટે રોલ મોડલ બની રહ્યું છે. શ્રી કપૂરે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં એનસીસીની પ્રવૃત્તિનો વ્યાપ વધારવો અને સરહદી, દરિયાઈ અને આદિવાસી ક્ષેત્રોમાં આ અંગે જનજાગૃતિ ઉભી કરવાનું નક્કી કરાયેલા લક્ષ્યાંકમાં થયેલી પ્રગતિ સંતોષકારક છે.  
શ્રી કપૂરે કહ્યું કે, ગુજરાત એનસીસી યુનિટ સર્વોત્તમ બની રહ્યું છે, તેનો શ્રેય એનસીસી કેડેટને જાય છે. તેમણે આગામી દિવસોમાં એનસીસીને વધુ સામાજિક સેવાઓમાં સાંકળવા માટેની કટિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ચેતનભાઈ ગાંધી, તેમજ NCCના ઉચ્ચ અધિકારીઓ તેમ જ વિશાળ સંખ્યામાં એનસીસી કેડેટ ઉપસ્થિત રહ્યા હતા.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed