સરકાર કોન્ટ્રાકટરોની ભાવવધારાની માંગણી નહી સ્વીકારે તો રાજયવ્યાપી હડતાળની ચીમકી – તમામ કામો ઠપ્પ કરી દેવાશે

સરકાર કોન્ટ્રાકટરોની ભાવવધારાની માંગણી નહી સ્વીકારે તો રાજયવ્યાપી હડતાળની ચીમકી – તમામ કામો ઠપ્પ કરી દેવાશે

Share with:


સરકાર કોન્ટ્રાકટરોની ભાવવધારાની માંગણી નહી સ્વીકારે તો રાજયવ્યાપી હડતાળની ચીમકી – તમામ કામો ઠપ્પ કરી દેવાશે
Views 🔥 web counter


બાંધકામ ક્ષેત્રે થયેલો આશરે 30% થી 40% નો ભાવવધારો સરકારી કોન્ટ્રાકટરોને ચૂકવવા ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની ઉગ્ર માંગ

રાજય સરકારને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં સરકાર વાટાઘાટો કે ચર્ચા માટે આગળ નહી આવતાં હવે રાજયભરના કોન્ટ્રાકટરો લડાયક મૂડમાં

ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની મળેલી મહત્વની બેઠકમાં રાજયભરના સભ્યો હાજર રહ્યા, કોરોના બાદની સ્થિતિ અને સંજોગોને લઇ મહત્વપૂર્ણ સમીક્ષા થઇ

લડતના પ્રથમ તબક્કામાં તા.8મી જાન્યુઆરી બાદ સરકારના તમામ વિભાગોની ટેન્ડર પ્રક્રિયાથી રાજયભરના કોન્ટ્રાકટરો અલિપ્ત રહેશે, સરકારનું કોઇ ટેન્ડર જ નહી ભરે
તેમછતાં જો સરકાર દ્વારા સંતોષકારક નિરાકરણ નહી લવાય તો બીજા તબક્કામાં રાજયભરના કોન્ટ્રાકટરો હડતાળનું શસ્ત્ર ઉગામી રાજયભરમાં રોડ, બિલ્ડીંગ, બ્રીજ, હાઇવે સહિતના તમામ કામો ઠપ્પ કરી દેશે – ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન

રાજય સરકાર કોન્ટ્રાકટરોને બજાર ભાવ મુજબ ભાવ વધારો ચુકવે અન્યથા કોન્ટ્રાકટર સામે કોઇ પગલા લીધા વગર કામમાંથી મુક્ત કરે તેવી બેઠકમાં એકસૂર વ્યકત થયો

અમદાવાદ તા. 3
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન જેવા કે,  સ્ટીલ,  સિમેન્ટ,  ડામર,  રેતી,  કપચી,  ઇંટો  ટ્રાન્સપોર્ટેશન તેમજ કારીગરો અને મજૂરીના ભાવમાં આશરે 30% થી 40% જેટલો વધારો થયેલ છે, પરંતુ વારંવારની રજૂઆત અને માંગણીઓ છતાં રાજય સરકાર દ્વારા રાજયભરના કોન્ટ્રાકટરોને આ ભાવવધારો નહી ચૂકવાતાં અને કોન્ટ્રાકટરોને જૂના ભાવે જ કામ ચાલુ રાખવાની ફરજ પડતાં કોન્ટ્રાકટરોની હાલત કફોડી બની છે, જેને લઇ હવે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના નેજા હેઠળ રાજયભરના કોન્ટ્રાકટરો લડાયક અને આક્રમક મૂડમાં સામે આવ્યા છે. જો રાજય સરકાર કોન્ટ્રાકટરોની ભાવવધારાની માંગણી નહી સ્વીકારે તો રાજયભરના કોન્ટ્રાકટરો દ્વારા રાજયવ્યાપી હડતાળની અને રોડ, બિલ્ડીંગ, બ્રીજ, હાઇવે સહિતના તમામ કામો ઠપ્પ કરી દેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી છે.  સાથે સાથે લડતના પ્રથમ તબક્કામાં તા.8મી જાન્યુઆરી બાદ સરકારના તમામ વિભાગોની ટેન્ડર પ્રક્રિયાથી રાજયભરના કોન્ટ્રાકટરો અલિપ્ત રહેશે, સરકારનું કોઇ ટેન્ડર જ નહી ભરે તેવી જાહેરાત પણ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી છે.


ગુજરાત રાજયમાં ચાલતાં સરકારી કામોમાં વપરાતાં સ્ટીલ, સિમેન્ટ તથા અન્ય મટીરીયલ્સના ભાવવધારા તથા કોન્ટ્રાકટરોના અન્ય પ્રશ્નો અને તેના નિરાકરણની માંગ સાથે આજે અમદાવાદમાં રાજયભરના કોન્ટ્રાકટરોની બહુ જ મહત્વની એક બેઠક મળી હતી, જેમાં ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના પદાધિકારીઓ અને હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને સરકાર સામે આગામી દિવસોની લડતની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલ અને વાઇસ ચેરમેન કિશોર વિરમગામા તથા કે.કે.પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા  વગેરે  જગ્યાએ  વિવિધ  પ્રોજેક્ટની  કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંઘકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભુસકે વધતા ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  રાજયમા  હવે આ જૂના ભાવે  કામ  કરવુ  પોષાય  તેમ  નથી  અને બાંધકામ ક્ષેત્રે વપરાતાં સ્ટીલ,  સિમેન્ટ,  રેતી,  ડામર, કપચી,  ઇંટો  સહિતના  મટિરિયલ તેમજ  ટ્રાન્સપોર્ટેશન  સહિતનાં સાધનોનાં  ભાડામાં તેમજ કારીગરો અને મજૂરીનાં ભાવમાં અસહ્ય વધારાથી  ત્રાહિમામ પોકારી ઉઠેલાં નાના-મોટા કોન્ટ્રાક્ટરો વર્તમાન સમયમાં બાંઘકામ ક્ષેત્રે વપરાતા માલ-સામાન વગેરેમાં  જે પ્રકારે  30થી 40 ટકાનો ભાવવધારો  થયો છે  તેના  પગલે કોન્ટ્રાકટરોને જુના ભાવે કામ કરવુ પોષાય તેમ  નથી  અને  જંગી  નુકસાન  વેઠવુ પડે છે.
આ બેઠકમાં મટિરિયલ્સના ભાવ વધારા સામે રાજ્ય સરકાર અને મહાનગરપાલીકાઓ દ્ધારા  આર. બી. આઇ. ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચુકવવામાં આવે છે. તે માર્કેટેબલ  ભાવ કરતા ઘણો જ ઓછો હોય છે અને તે પણ પોષાય તેમ ન હોવાથી કેટલાય કોન્ટ્રાકટરો સરકારી કામો કરવા તૈયાર નથી. જેથી ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીશન તરફથી તા.7-12-2021ના રોજ રાજય સરકારને આવેદનપત્ર સુપ્રત કરી એવી માંગણી કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર  તથા મહાનગર પાલીકાના સત્તાધીશો તેમના ચાલુ પ્રોજેક્ટના કોન્ટ્રાકટરોને  આર.બી.આઇ. ઇન્ડેક્સ પ્રમાણે નહિ પરંતુ બજાર ભાવ મુજબ ભાવ વધારો ચુકવે અન્યથા કોન્ટ્રાકટર સામે કોઇ પગલા લીધા વગર કામમાંથી મુક્ત કરે. પરંતુ ત્યારબાદ પણ રાજય સરકાર તરફથી કોઇ જ હકારાત્મક અભિગમ કે સક્રિય રસ કોન્ટ્રાકટરોની માંગણીને લઇ દાખવવામાં આવ્યો નથી, જેને લઇ આજરોજ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનની મહત્વની બેઠક મળી હતી.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશનના ચેરમેનશ્રી અરવિંદભાઇ પટેલ અને વાઇસ ચેરમેન કિશોર વિરમગામા તથા કે.કે.પટેલે વધુમાં ઉમેર્યું કે, આજની બેઠકમાં રાજયભરના કોન્ટ્રાકટરો હાજર રહ્યા હતા. મીટીંગમાં  સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુ કે, ગુજરાત રાજ્યના તમામ સરકારી કામોમાં વપરાતા માલ-સામાનનો છેલ્લા ઘણા સમયથી થયેલ ભાવ વધારો કોન્ટ્રાકટરોને સરકાર  તરફથી  મળવો  જોઇએ, અથવા  કોન્ટ્રાકટરોના  થયેલ  કામના  જે તે  સ્ટેજે  ફાઇનલ  બિલ કરી કામમાંથી મુક્ત કરવા તેવી રજુઆત કરવી. જો રાજયસરકાર દ્વારા તેમની આ રજૂઆત સ્વીકારવામાં ન આવે તો ગુજરાત રાજ્યના જાહેર બાંધકામને લગતા  તમામ  પ્રકારના  નવા કામોના ટેન્ડરો ભરવાના બંધ કરવા અને  ટેન્ડર  ભરવાની  ડીઝીટલ કી  જીલ્લા  પ્રમુખોને સોંપી દેવી. સાથે સાથે બેઠકમાં તા.8મી જાન્યુઆરી પછી સરકારના તમામ વિભાગોના કોઇપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયાથી અલિપ્ત રહેવા અને રાજયભરના કોઇપણ કોન્ટ્રાકટરોએ સરકારનું કોઇપણ ટેન્ડર ભરવુ નહી તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ જો સરકાર તેમની વાત નહી સાંભળે તો બીજા તબક્કાની લડતમાં રાજયભરના કોન્ટ્રાકટરો સરકાર સામે હડતાળનું શસ્ત્ર ઉગામશે અને રાજયવ્યાપી હડતાળ પાડી રાજયભરમાં રોડ, બિલ્ડીંગ, બ્રીજ, હાઇવે સહિતના તમામ પ્રોજેકટનું કામકાજ ઠપ્પ કરી દેશે તેવી ચીમકી પણ ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશન દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Share with:


Leave a Reply

Your email address will not be published.

You may have missed