રાજ્યનાં 25 જિલ્લામાં ગતવર્ષે 50 ટકા ગ્રાન્ટ વણવપરાયેલી રહી
પોલિસી પેરાલિસિસનો ભોગ ગ્રામ્ય વિસ્તારના હજારો પરિવાર બની રહ્યા છે: કોંગ્રેસ
અમદાવાદ:
સૌનો સાથ સૌનો વિકાસના મોટા મોટા દાવા કરનાર ભાજપ સરકારમાં પંચાયતી ગ્રાન્ટનો સદ ઉપયોગ થતો નથી. પરિણામે પંચાયતી રાજ વ્યવસ્થા કથળી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારના હજારો પરિવારને પાયાની સુવિધાથી વંચિત રાખવાની ભાજપા સરકારની નિતિ વધુ એક વખત ખુલ્લી પડી હોવાનો સણસણતો આરોપ મુક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના 25 જિલ્લાઓમાં 15મા નાણાપંચની વર્ષ 2021ની ગ્રાન્ટ પૈકી 50 ટકા ગ્રાન્ટ વણવપરાયેલી છે.
એટલું જ નહીં, 10 તાલુકા પંચાયતોમાં તેમના જિલ્લાની ગ્રાન્ટ વાપરવાનું નક્કર આયોજન પણ કરવામાં આવ્યું નથી. ભારત સરકાર દ્વારા પંદરમાં નાણાપંચ અન્વયે આપવામાં આવતો ગ્રાન્ટ નો બીજો હપ્તો અટકાવી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો મોટાભાગના તાલુકા અને જિલ્લા કક્ષાએ સદ ઉપયોગ થયો નથી. આ બાબત જ દર્શાવે છે કે, રાજ્યમાં પંચાયતી રાજ હેઠળ ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટેના નાણાં જે તે હેતુ માટે વપરાતા નથી. પરિણામે, ગ્રામ્ય વિસ્તારમાં હજારો પરિવારને પાયાની સુવિધા જેવી કે, શુધ્ધ પીવાનું પાણી, શૌચાલય, પ્રાથમિક આરોગ્ય સહિત સેવાઓથી વંચિત રહેવુ પડે છે. રાજ્યના 13 જિલ્લાઓમાં માત્ર 40 ટકાથી પણ ઓછો ગ્રાન્ટનો વપરાશ થયો છે. આ બાબત દર્શાવે છે કે, રાજ્યમાં નાણાંકીય શિસ્તનો મોટા પાયે અભાવ છે અને મુળભૂત સુવિધાઓ માટે આયોજનનો પણ અભાવ જોવા મળે છે. ભાજપ સરકારની પોલીસી પેરાલિસિસનો ભોગ ગ્રામ્ય વિસ્તારના લાખો નાગરિકો બની રહ્યાં છે.
રાજ્યની 33 જિલ્લા પંચાયતમાંથી પંદરમાં નાણાં પંચની 25 જિલ્લાઓમાં 50 ટકા ગ્રાન્ટ વપરાયેલી નથી. આ ઉપરાંત રાજ્યના 10 તાલુકા એવા છે કે, જ્યાં જિલ્લાની ગ્રાન્ટ કેવી રીતે વાપરવી તેનું આયોજન પણ થયું નથી. જેના કારણે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ હાલ અટકાવી દેવામાં આવી છે. રાજ્યની કેટલીક જિલ્લા અને તાલુકા પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટના આયોજન અંગેની મંજૂરી પણ ગુજરાત સરકારને મોકલી શકી નથી. પરિણામે, સરકાર તરફથી ગ્રાન્ટ વપરાતી નથી અને વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને વિલંબ થઈ રહ્યો છે. ગુજરાતના 18000 ગામોમાંથી માત્ર 7000 ગામોમાં જ તલાટી એટલે કે 2થી 3 ગામ વચ્ચે એક તલાટી હોવાથી સરકારી યોજનામાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યાં છે.
રાજ્યમાં પંચાયતી રાજની કરોડો રૂપિયાની વિકાસ ગ્રાન્ટ ન મળવા અને ગ્રાન્ટના દુરુપયોગ માટે જવાબદાર સામે તાત્કાલીક પગલા ભરવા માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યની મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ વણવપરાયેલી રહી છે તેનું મુખ્ય કારણ રાજ્યના વહીવટી તંત્રના અધિકારીઓ, પંચાયતના પદાધિકારીઓ સંકલનનો અભાવ, ગ્રાન્ટના આયોજન તેમજ તેના વપરાશ માટે પુરતું માર્ગદર્શનનો સદંતર અભાવ જેના લીધે પોલીસી પેરાલીસીસ જોવા મળે છે. શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ, ગ્રામ સેવક – તલાટી વિનાનું ગામ, ડૉક્ટર વિનાનુ દવાખાનું, આ ભાજપા સરકારના વિકાસ મોડલથી મોટા પાયે ગામડાઓ તુટી રહ્યાં છે અને ગ્રામ્ય નાગરિકો પરિવાર સાથે સ્થળાંતર કરી રહ્યાં છે.