ABVPએ અક્ષત જયસ્વાલને સસ્પેન્ડ કરીને ઘટનાને નિંદનીય ગણાવી
આ પ્રકારની ઘટના બદલ પોલીસ ફરિયાદ થવી જોઈએઃ NSUI
અમદાવાદ : શહેરની વિવિધ શાળા કોલેજ અને યુનિવર્સિટીમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની વારંવાર દાદાગીરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરની SAL કોલેજમાં બનેલા કિસ્સાએ ગુરૂ અને શિષ્ય વચ્ચેના સંબંધો પર લાંછન લગાડ્યું છે. કોલેજમાં વિદ્યાર્થિનીની હાજરી મુદ્દે રજૂઆત કરવા ગયેલા ABVPના કાર્યકરોએ મહિલા આચાર્યા સાથે બોલાચાલી કરી હતી. તેમને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર પણ કર્યાં હતાં. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઈ રહ્યો છે.
અમદાવાદ સાલ એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની હાજરી પૂરતી નહીં હોવાથી કોલેજનાં આચાર્યા મોનિકા સ્વામીએ વિદ્યાર્થિનીના વાલીને જાણ કરી હતી અને કોલેજમાં મળવા આવવા જણાવ્યું હતું, જેથી આ બાબતે વિદ્યાર્થિનીએ ABVPને જાણ કરી હતી અને ABVPના ટેક્નિકલ કોલેજના વિદ્યાર્થી નેતા અક્ષત જયસ્વાલ પોતાના કાર્યકરો સાથે સાલ કોલેજનાં આચાર્યાને રજૂઆત કરવા ગયા હતા. આચાર્યાને રજૂઆત કરતાં કરતાં મામલો એટલો ઉગ્ર બન્યો કે ABVPના કાર્યકરોએ દાદાગીરીથી મહિલા આચાર્ય મોનિકા ગોસ્વામીને વિદ્યાર્થિનીના પગે પડવા મજબૂર કર્યાં હતાં.