વડાપ્રધાનના હસ્તે નવા એરપોર્ટ ટર્મીનલને પણ ખુલ્લુ મુકાશે: સુરત માટે નવી આંતરરાષ્ટ્રીય ફલાઈટની પણ જાહેરાત થાય
સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, તેમાં સુરતમાં નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન અને હીરા ઉદ્યોગના વેપારનું સૌથી મોટા મથક એવા ડાયમંડ બુર્સને પણ વિધિવત શરૂ કરાવશે. પીએમ મોદીના આગમનની તૈયારીઓ માટે પક્ષના નેતાઓ અત્યારથી જોતરાઈ ગયા છે. વિસ્તરણ કરાયેલા નવા એરપોર્ટ ટર્મિનલને અનેક સુવિધાઓથી સજજ કરવામાં આવ્યું છે.
ટર્મિનલમાં ગુજરાતની સંસ્કૃતિને દર્શાવતું આર્ટ વર્ક પણ કરાયું છે, નવા ટર્મિનલમાં 1800 પ્રવાસીઓ સમાઈ શકે એટલી જગ્યા ફાળવવામાં આવી છે. ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ફલાઈટના પ્રવાસીઓ માટે બે એકઝીકયુટીવ લોન્જ બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ નવા ટર્મિનલમાં પાંચ એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. સુરતીલાલાઓને નવા ટર્મિનલની ભેટ 17મી ડિસેમ્બરે મળશે.
વર્તુળોના જણાવ્યા પ્રમાણે આગામી લોકસભાની ચુંટણી પહેલાની વડાપ્રધાન મોદીની સુરતની આ વ્યુહાત્મક મુલાકાત હશે. વડાપ્રધાન તેમની સુરતની વિઝીટ દરમિયાન પક્ષના સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક પણ યોજશે. અલબત, વડાપ્રધાન એક જ દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસમાં આવી રહ્યાં છે. જો કે, દિવસ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
પાટીદાર સમાજના આગેવાનોને સૂચક સંદેશ
ડાયમંડ બુર્સનું ઉદઘાટન તો સિમ્બોલીક ગણાવાય છે પરંતુ ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજયના ટોચના પાટીદાર સમાજના મહારથીઓને પણ આ કાર્યક્રમની સાથે આગામી લોકસભાની ચુંટણી માટેના સૂચક સંદેશ આપવાનો પણ આ મોકો હશે. સુરતમાં વડાપ્રધાનની આ મુલાકાતને સુરતીઓ ખૂબ આશાભરી નજરથી જોઈ રહ્યાં છે.
વડાપ્રધાન સુરતને નવી ઈન્ટરનેશનલ ફલાઈટ કનેકટીવીટીની જાહેરાત કરે તેવું પણ જોવાય રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદીત્ય સિંધીયાએ અગાઉ સુરતના પ્રતિનિધિમંડળને સુરતથી દુબઈ અને સુરતથી હોંગકોંગની એમ બે કનેકટીવીટી મળે તેવી બાંયધરી આપી ચૂકયા છે.