ગાંધીનગર: દરિયાઇ ચાંચિયાગીરીનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સહકાર તેમજ પ્રાદેશિક ભાગીદારીને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય તટરક્ષક દળ દ્વારા 11-15 ડિસેમ્બર 2023 દરમિયાન ભારતમાં ગુજરાતના ગાંધીનગર ખાતે ‘એશિયામાં જહાજો સામે ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટનો પ્રતિકાર (ReCAAP)’ અંગે કરવામાં આવેલા પ્રાદેશિક સહકાર કરાર સાથે ‘વરિષ્ઠ અધિકારીઓની ક્ષમતા નિર્માણ બેઠક’ (CBSOM-2023)ના 15મા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. મહાનિદેશક રાકેશ પાલ, PTM, TM કે જેઓ ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક છે તેમને ReCAAPના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, તેમના દ્વારા આ ચાર દિવસીય બેઠકનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરના વિષય સંબંધિત નિષ્ણાત વક્તાઓ ભાગ લેવાના છે.
ReCAAP એ એશિયામાં જહાજો સામે ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટને ડામવા માટે પારસ્પરિક સહકારને પ્રોત્સાહન આપવા અને આ સંબંધિત પ્રયાસો વધારવા માટેનો પ્રથમ અને એકમાત્ર પ્રાદેશિક સરકાર-થી-સરકાર વચ્ચે થયેલો કરાર છે. ભારત, ReCAAP કરારને બહાલી આપનારો 10મો દેશ બન્યો છે અને 04 સપ્ટેમ્બર 2006ના રોજ કરાર અમલમાં આવ્યો હતો. હવે 21 દેશો ReCAAP કરારમાં કરારબદ્ધ થયેલા પક્ષો છે. ભારત સરકારે સભ્ય દેશો અને સિંગાપોર ખાતે આવેલા ReCAAP માહિતી આદાનપ્રદાન કેન્દ્રને ચાંચિયાગીરી સંબંધિત માહિતીનું આદાનપ્રદાન કરવા માટે ભારતીય તટરક્ષક દળને ReCAAP ફોકલ પોઇન્ટની જવાબદારી સોંપી છે.
અગાઉ પણ, ભારતીય ભારતીય તટરક્ષક દળ દ્વારા 2011, 2017 અને 2019માં ReCAAP ISC સાથે ભારતમાં ક્ષમતા નિર્માણ વર્કશોપનું સફળતાપૂર્વક સહ-આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો ઉદ્દેશ્ય એશિયામાં જહાજો સામે દરિયાઇ ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટની અપડેટ થયેલી પરિસ્થિતિને સમજવાનો, એકબીજાના અનુભવોનું આદાનપ્રદાન કરવાનો અને આવી ઘટનાઓનો સામનો કરવા માટે તમામ કરારબદ્ધ પક્ષકારો પાસેથી સહયોગપૂર્ણ અભિગમ સાથે શ્રેષ્ઠ પ્રથાઓનો વિકાસ કરવાનો છે.
ચાંચિયાગીરી અને સશસ્ત્ર લૂંટ પ્રતિકાર બેઠક: આ બેઠકમાં 15 દેશોમાંથી કુલ 19 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લેશે. આ ઉપરાંત, ભારતીય નૌસેના, મુખ્ય બંદરો, રાજ્ય મેરીટાઇમ બોર્ડ, શિપિંગ મહાનિદેશક સહિત અન્ય દરિયાઇ સંસ્થાઓ જેવા રાષ્ટ્રીય હિતધારકોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં ભાગ લે તેવી અપેક્ષા છે.