હાયપરટેન્શનની બિમારી સાથે હંસાબહેને કોરોના રસીના બન્ને ડોઝ લીધા હોવાથી મોટીવયે પણ કોરોનાને મ્હાત કરવામાં સફળતા મળી
સુરત: કોરોનાની બીજી લહેરમાં હઠીલા કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તેવા સમયે નવી સિવિલના તબીબોની અથાગ મહેનતના કારણે મોટી વયના દર્દીઓને સ્વસ્થ કરવામાં સફળતા મળી રહી છે. સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષીય હંસાબેન સિવિલ હોસ્પિટલમાં સાત દિવસની સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો. ઝૈફ વય હોવા છતાં વડીલ વૃદ્ધા સામે કોરોનાએ પીછેહઠ કરવી પડી છે. હંસાબેનની જેમ મોટી વયના સંખ્યાબંધ વડીલો પણ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે.
હંસાબહેન કોરોનામુક્ત થતા ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘મેં કોરોનાની વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા. તેમ છતાં મને કોરોના થયો હતો. પરંતુ વેક્સિન લીધી હોવાથી હું ઝડપથી સ્વસ્થ થઇ છું. મને તાવ આવતાં તા.૧૦મી એપ્રિલના રોજ કોરોના રિપોર્ટ કઢાવતા પોઝિટીવ આવ્યો હતો. જેથી મને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં મારું ઓક્સિજન લેવલ ઓછું હોવાથી મને ઓક્સિજન પર રાખવાનાં આવી હતી. મનમાં ધણો ડર હતો. પરંતુ સિવિલના ડોક્ટરોએ મને યોગ્ય સારવાર આપી કોરોનામુક્ત કરી છે. સિવિલ હોસ્પિટલની ઉમદા સારવાર અને દીકરા સમાન તબીબોએ મને સાત દિવસમાં સ્વસ્થ કરી છે.
સિવિલ તંત્રનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, મને સિવિલમાં દાખલ કરવામાં આવી ત્યારે મને ફેફસામાં ૩૫ ટકા કોરોનાનું સંક્રમણ થયું હતું અને ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. પરંતુ સિવિલના તબીબોની મહેનતથી સાત દિવસની સારવારથી એકદમ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી છું. સિવિલમાં ઈશ્વરના દૂત સમાન તબીબો, મેડિકલ સ્ટાફના કારણે આ શક્ય બન્યું છે. સારવાર બાદ તા.૧૬ એપ્રિલના રોજ રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના કર્મનિષ્ઠ આરોગ્ય સેનાની ડો.અશ્વિન વસાવા, ડો.પ્રિયંકા શાહ, ડો.દિપાલી પટેલ, ડો.અમીરા પટેલ સહિત નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફની સફળ સારવારથી આવા કંઇ કેટલાય દર્દીઓને નવજીવન મળી રહ્યું છે.