સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા શહેરની ૧૩ ખાનગી શાળાઓના ૧૦-૧૧-૧૨ ધોરણના છાત્રો માટે કાર્યરત ‘‘ઉજાસ કાઉન્સેલિંગ સેન્ટર્સ’’
રાજકોટ તા. ૧૯ એપ્રિલ : કોરોના સંબંધી નકારાત્મક વિચારોને દૂર કરી સામાન્ય નાગરિકોમાં વિધેયાત્મક વલણનો પ્રસાર કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનું કાઉન્સેલિંગ સેન્ટર સતત કાર્યશીલ છે. આ કાઉન્સેલિંગ સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપતાં ડો. ધારા દોશીએ જણાવ્યું હતું કે, આ સેન્ટર ખાતેથી નાવીન્યસભર અભિગમવાળા વિવિધ પગલાં લઇને સામાન્ય નાગરિકોમાં રહેલો કોરોના અંગેનો ડર દૂર કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે સેન્ટર દ્વારા ‘‘સ્ટોપ નેગેટિવિટી, સ્પ્રેડ પોઝિટિવિટી’’ નામક અભિયાન ચલાવવામાં આવે છે, જે અન્વયે હકારાત્મક રજૂઆત કરતા વોટસ એપ મેસેજીઝ વિવિધ ગૃપમાં મોકલવામાં આવે છે, અને તેનો વધુ ને વધુ ફેલાવો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
આ કાઉન્સેલિંગ સેન્ટર ખાતે ૩૫ થી ૬૦ વર્ષની વયના નાગરિકોના વધુ ફોન આવતા હોય છે, અને આ વયજૂથમાંથી મોટા ભાગની વ્યક્તિઓના માતા-પિતા જ કોરોનાની સારવાર લઇ રહયા હોય છે. આથી તેમનામાં ‘‘ઓબ્સેસિવ કમ્પ્લસિવ ડીસઓર્ડર’’ જોવા મળે છે, જેને સાતત્યપૂર્ણ કાઉન્સેલિંગ દ્વારા દૂર કરવામાં આવે છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળતા ‘‘પરિજનોને કંઇક થઇ જશે તો કેવી રીતે બધું મેનેજ કરીશું ? ’’ જેવા કાલ્પનિક ભયને દૂર કરવા એકથી વધુ વખત કાઉન્સેલિંગ કરવું પડે છે.
આ સેન્ટર માનસિક રીતે ભાંગી ગયેલ વ્યક્તિઓને હૂંફ અને સધિયારો પુરો પાડે છે. મોટી ઉંમરની વ્યક્તિઓને ભગવાન પર ભરોસો રાખવા, મંત્રોચ્ચાર કરવા, ચૈત્રી નવરાત્રિ ચાલતી હોવાથી માતાજીના ગરબા ગાવા સમજાવવા વગેરે જેવી પ્રવૃત્તિઓમાં મન પરોવી તેમને નકારાત્મકતાથી અળગા કરવા કાઉન્સેલિંગ કરવામાં આવે છે. કોરોના અંગેની કોલર ટયુનથી વ્યથિત થઇ જતી વ્યક્તિઓને એમના સ્તરનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ સેન્ટર સવારે ૯ થી સાંજના ૬ સુધી કાર્યરત હોય છે, જેનો નંબર ૦૨૮૧-૨૫૮૮૧૨૦ છે, જેના પર રોજના અંદાજે ૩૦ થી ૩૨ ફોન આવે છે. કાઉન્સેલર્સને અંગત નંબર પર પણ ફોન આવતા હોય છે.
યુનિવર્સિટીના કેમ્પસમાં કાર્યરત કોરોના કેર સેન્ટર ખાતે સારવાર લેતા દર્દીઓની માનસિક તબિયત સુધારવા માટે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગાસણની રાહબરી હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાઉન્સેલિંગ સેન્ટરના સભ્યો દિવસમાં બે વાર રૂબરૂ મુલાકાત લઇને માર્ગદર્શન આપી રહયા છે. આ ઉપરાંત, આ સેન્ટર દ્વારા ખાનગી શાળાના સંચાલકો સાથે મળીને શહેરની ૧૩ ખાનગી શાળાઓના ધો-૧૦, ૧૧ અને ૧૨ ના છાત્રો માટે ‘‘ઉજાસ કાઉન્સેલિંગ સેન્ટર્સ’’ ચલાવાઇ રહયા છે. આ પ્રોજેકટ મારફતે તરૂણ વિદ્યાર્થીઓને ભણવામાંથી રસ ઉડી જવો, માબાપની ગેરહાજરી અંગે અસુરક્ષિતતા લાગવી, મુંઝાયેલા રહેવું, ખુલીને વાત ન કરવી વગેરે બાબતો અંગે યોગ્ય માર્ગદર્શન આપી તેમની નિરાશા દૂર કરવા અંગેના પ્રયાસો પણ કરવામાં આવી રહયાં છે. કોરોનાના આ કપરા કાળમાં લોકોના માનસીક ભયને દૂર કરી તેમા હકારાત્મકતા દ્વારા નવી ઉર્જાનો સંચાર કરતા આ કાઉન્સેલિંગ સેન્ટરની કામગીરી સાચા અર્થમાં કાબિલેદાદ છે.