અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી ચાલુ
Views 🔥અમદાવાદ: ફેબ્રુઆરી મહિનામાં દૈનિક ૫૦ લાખ લીટરની ઓક્સિજનની જરૂરિયાત સામે એપ્રિલમાં ૧ કરોડ લીટરની જરૂરિયાત ઉભી થતા પુરવઠો પુરો પાડવાની ક્ષમતા બમણી કરાઈ
કોવીડના દર્દીઓની સંખ્યામાં અસાધારણ વૃદ્ધિના પગલે સરકારી હોસ્પિટલમાં ક્ષમતા-વૃદ્ધિ માટેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પ્રાણવાયુ(ઓક્સિજન)નો પૂરતો પુરવઠો વિક્ષેપરહિત મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઈ છે.
સોલા સિવિલમાં બે મહિના પહેલા જ્યારે કોવીડની સ્થિતિ ગંભીર ન હતી ત્યારે દૈનિક ધોરણે અંદાજે ૫૦ લાખ લીટર ઓક્સિજનનો વપરાશ થતો હતો, તે વપરાશ આજે વધીને લગભગ બમણો એટલે કે ૧ કરોડ લીટરે પહોંચ્યો છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર એ કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે સુદ્રઢ આયોજન હાથ ધર્યું છે. આ આયોજનના ભાગરુપે છ ટનની ઓક્સિજન ટેન્ક (ટાંકી) ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. અગાઉ જ્યારે કોવીડની ગંભીર સ્થિતિ ન હતી ત્યારે પાંચ ટનની ક્ષમતાવાળી ટેન્ક રોજ એક વાર જ ભરવી પડતી હતી, પણ આજે ઓક્સિજનનો પુરવઠો વધુ જોઈતો હોઈ ઓક્સિજન ટેન્ક દિવસમાં ત્રણ થી ચાર વાર ભરવાની ફરજ પડે છે, ત્યારે હવે આ નવી વ્યવસ્થા ઉભી કરવાથી સમયનો બચાવ થશે અને દર્દીને ઓક્સિજનનો જથ્થો વિક્ષેપરહિત મળી શકશે. તેમ જ પૂરતા પ્રેશરથી મળી રહેશે.
નોંધપાત્ર બાબત એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાના વડપણ હેઠળ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ નોન-કોવીડ દર્દીઓની પણ ચિંતા કરી તેમને પણ ઓક્સિજનનો પૂરતો પુરવઠો મળી રહે તે માટે તાકીદ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ પણ જિલ્લા વહીવટીતંત્રને દર્દીઓની સુવિધાઓ, ઓક્સિજન સપ્લાય અને દર્દીઓના ભોજન જેવા શ્રેણીબદ્ધ મુદ્દાઓ પર અધિકારીઓને જરુરી દિશા-નિર્દેશ આપ્યા હતા.