વીજ સૈનિકની વીજળી વેગે સેવા..! જુઓ વિડીયો દંગ રહી જશો
નિવૃત્તિનો એક માસ બાકી છે છતા ગામમાં વીજળી શરુ થાય તે માટે વીજ કર્મચારીની કટિબધ્ધતા…
ભાવનગર: ‘ફરજ અદા કરવી, અને ફરજ અદા કરી નાખવી…’એ બન્ને વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરતી એક ઘટના ભાવનગર જિલ્લાના
શિહોર વિસ્તારના ટાણા ગામમા બની છે. તાઉ’તે વાવાઝોડાએ સર્જેલી ખાનાખરાબી પછી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન હવે ખુબ ઝડપથી થાળે પડી રહ્યું છે. પણ આ જનજીવન પૂર્વવત કરવા અનેક કર્મચારીઓની ફરજનિષ્ઠા પણ બહુ મોટો અને મહત્વનો ભાગ ભજવે છે… આ ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ એટલે ભાવનગર જિલ્લાના શિહોર રૂરલ લાઈનના લાઈન ઈન્સ્પેક્ટર શ્રી નિમાવત…
શિહોર તાલુકાના ટાણા ગામમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો…. સંબંધિત કંપનીએ સત્વરે તેને પૂર્વવત કરવા કામગીરી હાથ ધરી હતી… પરંતુ લાઈનમાં આવતા એક થાંભલા પરનો વાયર ઠીક કરવો જરૂરી હતો.. પણ એ થંભલો તળાવની વચોવચ હોઈ આસપાસ પાણી ભરાયેલુ હતું… થાંભલા સુધી તાત્કાલિક પહોંચવા માટે જાતે તરીને જવા સિવાય કોઈ વિકલ્પ નહતો…
જો અન્ય સાધન સુવિધાની રાહ જોવાય તો ગામમાં તથા તેના પગલે આસપાસના વિસ્તારમાં વીજ પૂરવઠો પુન: કાર્યાન્વિત કરવામાં મોડુ થાય. સામાન્ય રીતે વીજ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની સુરક્ષા માટે વીજ કંપની અને રાજ્ય સરકાર તમામ સુરક્ષાત્મક સાધનો ઉપયોગમાં લેતી જ હોય છે….
લાઈન ઈન્સપેક્ટર શ્રી નિમાવત એક પળનો પણ વિલંબ કર્યા વિના તરીને થાંભલા સુધી પહોંચ્યા અને થાંભલ પર ચઢીને કરવાપાત્ર કામગીરી પુર્ણ કરી.. એ વિસ્તારના ઈજનેર શ્રી કહે છે કે, ‘ વીજળી એ વિકાસનો મુળ મંત્ર છે, એટલું જ નહી પરંતુ આપણા દૈનિક જીવનમાં પણ તેનું આગવું મહત્વ છે…. વીજળી વિના આપણા જીવનમાં પણ અંધારુ છે ત્યારે કોઈ પણ કૂદરતી આપત્તિ સમયે વીજળી પુરવઠો ન ખોરવાય તથા જો ખોરવાય તો તેને ઝડપથી પૂર્વવત કરવામાં અમે સહેજ પણ વિલંબ નથી કરતા. ટાણા ગામમાં પણ આ કામગીરી માટે અમારે કેટલાક સુરક્ષાત્મક સાધનોની જરૂરિયાત હતી પરંતુ શ્રી નિમાવતે કોઈની પણ રાહ જોયા વિના જાતે જ તરીને પાણીની વચોવચ રહેલા થાંભલા પર પહોંચીને સમારકામની કામગીરી કરી તે ખરેખર પ્રશંસનીય છે…
સામાન્ય રીતે વીજળી અને પાણી એક બીજાના દૂશ્મન લેખાય છે. સહેજપણ બેદરકારી જીવલેણ સાબિત થતે હોય છે. શ્રી નિમાવત આવતા માસે જ વય નિવૃત્ત થવાના છે. નિવૃત્તિનો એક માસ બાકી છે છતા તેમની વીજળી વેગે કામ કરવાની તત્પરતા ખરેખર કાબિલેદાદ છે…’ એમ તેમણે ઉમેર્યું હતું….