નાના ભાઈના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે રેથલના મનુભા વાઘેલાના વ્હારે આવી ગુજરાત સરકારની “પાલક માતા-પિતા” યોજના
“ ગુજરાત સરકારની આ યોજના બહુ સારી છે. પાલક માતા-પિતા યોજનામાં દર મહિને બેંકના ખાતામાં પૈસા જમા થાય એટલે તરત જ મેસેજ આવી જાય છે.” – મનુભા વાઘેલા,લાભાર્થી
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના રેથલ ગામના વાઘેલા પરિવારમાં આશાનો સંચાર કરતી પાલક માતા-પિતા યોજના. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માતા-પિતા ગુમાવનારા બાળકોને ઉછેરમાં કોઈ કચાશ ન રહે તે માટે પાલક માતા-પિતા યોજના બનાવી છે. આ યોજના હેઠળ જે બાળકના માતા-પિતાનો આશ્રય ન રહ્યો તેમના બેંક એકાઉન્ટમાં દર મહિને રુ. ૩,૦૦૦ સીધા જમા કરાવવામાં આવે છે. સાણંદ તાલુકાના રેથલ ગામના એક લાભાર્થી પરિવારને “ટીમ માહિતી” મળી. અહીં તેમના અનુભવ વર્ણવ્યા છે.
“પાલક માતા-પિતા યોજનામાં દર મહિને બેંકના ખાતામાં પૈસા જમા થાય એટલે તરત જ મેસેજ આવી જાય છે. રાજ્ય સરકારની આ યોજનાના કારણે યુવરાજ અને પ્રિયાંશીના બેંક એકાઉન્ટમાં જે પૈસા જમા થાય છે, તે હું ઉપાડતો નથી. તે હું બંને સંતાનોના ભવિષ્યના શિક્ષણ માટે જમા રાખું છું.” – સાણંદ તાલુકાના રેથલ ગામના મનુભા વાઘેલાના આ શબ્દોમાં સરકારી યોજના પ્રત્યેનો અહોભાવ વ્યક્ત થાય છે. શ્રી મનુભા વાઘેલા તેમના પરિવાર સાથે સાણંદ તાલુકાના રેથલ ગામે રહે છે. અને તેમને રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજનાનો લાભ મળ્યો છે.
હવે વાત થોડી માંડીને…સાણંદ તાલુકાનું રેથલ ગામ. અહીં વસતા વાઘેલા પરિવારની આર્થિક સ્થિતિ સાધારણ. મનુભા અને છત્રસિંહ બે સગાભાઈ. નાના ભાઈ છત્રસિંહનું ૩૫ વર્ષની વયે માર્ગ-અકસ્માતમાં પાંચેક વર્ષ પહેલા નિધન થયું હતું.છત્રસિંહના પત્નિએ ઘર છોડતા મનુભાના માથે ઘરની સઘળી જવાબદારી આવી પડી. છત્રસિંહ ગામમાં જ રિક્ષા ચલાવવાનું કે સિક્યૂરીટીનું કામ કરતા હોઈ તેમના બેંક એકાઉન્ટમાં ઝાઝી મૂડી પણ જમા ન હતી.
હવે મનુભાને તેમના સંતાનો ઉપરાંત ભાઈ છત્રસિંહના બે સંતાનો યુવરાજસિંહ વાઘેલા(ઉ. ૧૩ વર્ષ) અને પ્રિયાંશી વાઘેલા (ઉ. ૧૧ વર્ષ)નો પણ સારી રીતે ઉછેર કરવાનો હતો, પણ આર્થિક સ્થિતિ સાધારણ એટલે ભાઈના સંતાનોને સારી રીતે ઉછેરવાની ભાવના હોવા છતાં આર્થિક સંકડામણનો અનુભવ થાય. ગામના આચાર્ય વિશાખાબહેને ગુજરાત સરકારની પાલક માતા-પિતા યોજના વિશે વાત કરી. ગામના ઉત્સાહી તલાટી કમ મંત્રી જયપાલસિંહ પરમારે યોજના માટે જરુરી દસ્તાવેજો એકત્રિત કર્યા.અરજી કરી અને ટુંક સમયમાં જ વાઘેલા પરિવારને પાલક માતા-પિતા યોજનાનો લાભ મળવાનો શરુ થઈ ગયો.
મનુભા વાઘેલાના પરિવારને આ યોજનાનો લાભ અપાવવામાં સહાયરુપ બનેલા પડોશી મહેન્દ્રસિંહ વાઘેલા કહે છે : “ ગુજરાત સરકારની આ યોજના કારણે છત્રસિંહના સંતાનોના ઉત્તમ ઉછેર માટે મનુભાને આર્થિક ટેકો મળ્યો છે. આ બાળકોના શિક્ષણ અને પોષણ માટેના જરુરી ખર્ચમાં પણ તે મદદરુપ બને છે.”
હાલ, મનુભા વાઘેલા અને તેમના માતા લીલાબા વાઘેલા સ્વર્ગસ્થ ભાઈ છત્રસિંહ વાઘેલાના સંતાનોની સાર-સંભાળ રાખી રહ્યા છે. ગુજરાત સરકારની કામગીરીનું આ તો એક નાનકડું ઉદાહરણ છે. જેમના શાસનના કેન્દ્રમાં સંવેદનશીલતા છે તેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અનેક નિર્ણયો પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે લાખો લોકોના જીવનમાં પરિવર્તનના વાહક બની રહ્યા છે.