વાસ્મો દ્વારા ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૭.૪૧ લાખના ખર્ચે ૨૮૬ ઘરને નળ કનેક્શન આપવામાં આવ્યા.
કહેવત છે ને કે ‘’જલ છે તો જીવન છે ‘’ પાણી એ જીવનનું અવિભાજ્ય અંગ સમાન છે.પરંતુ પાણી માટે પણ ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે તે માનવીય પીડા શબ્દોમાં વર્ણવી શકાય કે કેમ તે પણ સવાલ છે…..
અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના વલાણા ગામની અંદાજે ૧૮૬૩ જેટલી વસ્તી છે. અને કુલ ઘરોની સંખ્યા ૨૮૬ જેટલી છે. વલાણા ગામમાં પીવાના પાણી માટે બે વર્ષ પહેલા બોર બનાવવામાં આવ્યો હતો પરંતુ ગામમાં પાણીની પાઇપલાઇનની આંતરિક વ્યવસ્થા ન હોવાને કારણે ગામમાં પાણી વિતરણ કરવામાં આવતું ન હતું અને સમય જતા બોર બંધ જેવી અવસ્થામાં આવી પડ્યો. તેથી આજ દિન સુધી ગામની બહેનો માથે બેડા ઉપાડીને ગામથી એક-બે કિલોમીટર દૂર જઈને ખુલ્લા કુવામાંથી પાણી ખેંચીને ઘર સુધી લાવતા હતા. રોજીંદા ઉપયોગ માટે કૂવો જ પાણીનો સ્ત્રોત હોવાથી દરરોજ પાંચ થી છ વખત પાણી ભરવા માટે જવું પડતું હતું.
ગામનો એકમાત્ર કૂવો હોવાથી તમામ લોકો અહીં એકઠા થતાં અને તેથી ક્યારેક પાણી માટે લડાઇ ઝઘડા પણ થતા. ગામની બધી બહેનોને પાણી બાબતમાં ભારે મુશ્કેલીઓ હતી. પરિવારમાં ક્યારેક પ્રસંગોપાત હોય ત્યારે તો ઘરના નાના બાળકો પણ પીવાના પાણી ઉંચકી લાવવામાં બહેનોને મદદરૂપ બનતા હતા. રોજ પાણી ભરવા માટે ઘરથી દૂર જવાનું હોવાથી બહેનોને શારીરિક શ્રમ ખુબ થતો હતો, તથા તેમના સમયનો અપાર વ્યય થતા ઘરકામ, રસોઈ, બાળકોને શાળાએ મોકલવા,ખેતરમાં કે અન્ય મજૂરી કામે જવામાં પણ સમય ખૂબ જ વ્યતીત થતો હતો ખૂબ. તે ઉપરાંત કુવો ખાનગી માલિકીનો હોવાથી કોઇવાર માલિક ગામલોકોને આવવાની ના પાડે ત્યારે તો ઘણી વાર પાણી વગર જ ઘરે પરત ફરવું પડતું હતું. આમ અનેક પારાવાર મુશ્કેલીઓનો સામનો વલાણા ગામ કરી રહ્યુ હતું. આવા સમયમાં ગામમાં ક્યારે પાઈપલાઈન મારફતે પાણી મળશે તે સ્વપ્ન જ માત્ર હતું.
વલણા ગામના લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેમ જ ગામનો મોટાભાગનો વર્ગ મજૂરી કામ કરતો હોવાથી પાણીની વ્યવસ્થા બાબતે નેતૃત્વનો અભાવ જોવા મળતો હતો તેવા સમયમાં ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈ-વે પર ચા બનાવવાનો વ્યવસાય કરતાં ગામના જાગૃત મહિલા વસંતબેન ભરવાડને ત્યાં એક દિવસ અમદાવાદ જલભવન ખાતે કાર્યરત વાસ્મોના જિલ્લા કોઓર્ડિનેટર ભીખાભાઈ રબારી ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં ચા પીવા માટે આવ્યા. અને વાતવાતમાં ગામની સમસ્યા વિશે વસંતબેને તેમને બધી વાત કરી.
વસંતબેનની વાત સાંભળીને ભીખાભાઇએ તેમને સાથે રાખીને ગામલોકો સાથે એક બેઠક કરીને સરકાર અને લોક્ભાગીદારી થકી દરેકના ઘર સુધી નળ પહોચશે અને નિયમિત પાણી મળશે તેવી વાત કરી, પરંતુ ત્યારે ગામલોકોએ ખાસ ઉત્સાહ ન દાખવ્યો.
ભીખાભાઈએ વલાણા ગામની પરિસ્થિતિનો સમગ્ર ચિતાર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ,અમદાવાદની કચેરીના કાર્યપાલક ઇજનેર આર.જે.બ્રહ્મભટ્ટના ધ્યાન પર મુક્યો અને તેમણે જાતે વલાણા ગામમાં જઈને લોકોને સમજાવવાનું બીડુ ઝડપ્યું. કોવિડ-૧૯ ની ગંભીર પરિસ્થિતિ હોવા છ્તાંય અમદાવાદના વાસ્મો યુનિટ મેનેજર અને ટીમ અને ગામના સરપંચ દિનેશભાઈ પટેલને સાથે રાખીને દરેકના ઘરે-ઘરે જઈને લોકફાળો કરવા સમજ આપી અને અને ગામના તમામ ઘરોમાં નળ જોડાણો આપી દેવાશે તેની ખાતરી આપી.
ગામલોકોને રાજય સરકારની ‘નલ સે જલ’ યોજના વિશે સમજૂતી આપીને અમલના ભાગરૂપે તાત્કાલિક ગામમાં નળ કનેકશનનો સર્વે કરાવવાનું શરુ કર્યુ. ગ્રામ પંચાયતમાં પાણી સમિતિનું ખાતું ખોલાવીને ગામના અગ્રણી જાગૃત મહિલા વસંતબેન ભરવાડને સભ્ય બનાવીને લોકફાળો એકઠો કરવાનું કામ સોંપાયું, પરંતુ ગામ લોકોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી વધારે લોકો ફાળો આપી શકવાને સક્ષમ ન હતાં.
વલાણા ગામના વસંતબેન કોઇપણ હોદ્દા પર ન હોવા છ્તાંય ગામને વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવવાના મક્ક્મ નિર્ધાર સાથે કાર્યરત બનીને સત્તત તેઓ વાસ્મોના સંપર્કમાં રહ્યા. અને ઝડપથી દરેક ઘરે નળ કનેકશન આવી જાય તે માટે કાર્યરત બની રહ્યા. ચોક્ક્સ ધ્યેય સાથે આરંભાયેલા કામને માત્ર ૬ માસના ટુંકાગાળામાં પૂર્ણ કરી દેવામાં આવ્યું અને વાસ્મો દ્વારા ગામમાં રહેલો બે વર્ષ જુનો બોર કાર્યરત કરી દેવામાં આવ્યો.
વલાણા ગામમાં પ્રથમવાર નળ કનેકશન નખાયા. કોરોનાના કપરા કાળમાં પણ છ માસના ખુબ જ ટુંકા ગાળામાં ‘’નલ સે જલ’’ યોજના અન્વયે રૂ. ૭.૪૧ લાખના ખર્ચે ગામમાં ૨૮૬ ઘરોમા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને ૨૬ મે ૨૦૨૧ ના રોજ ગામમાં બપોરે બે વાગ્યાથી માંડીને સંધ્યા સમય સુધી પ્રથમવાર પાણી વિતરણ કરવામાં આવ્યું. ગામના તમામ ઘરોમાં પહેલીવાર જ નળથી પાણી પહોંચતા ગામના બહેનો તથા ગામલોકોના હરખનો પાર ન રહ્યો. પાણીની ગંભીર સમસ્યા નિવારી જેના માટે સર્વે ગામલોકોએ અમદાવાદ વાસ્મોનો ખૂબ જ આભાર માન્યો. તે ઉપરાંત હવેથી ગામમાં તબક્કાવાર અન્ય વિકાસલક્ષી કામો પણ થશે તેવી ચર્ચા કરવા લાગ્યા.
આમ, સરકારના લોકભાગીદારીવાળા ‘’નલ સે જલ’’ યોજના થકી અનેક ઘરોને પીવાનું શુધ્ધ પાણી મળવા લાગ્યું છે. ઘરે-ઘરે પાણી પહોંચાડીને સાચા અર્થમાં ‘’જલ સે જીવન’’ ઉક્તિને સાર્થક કરી બતાવી છે. એમ કહી શકાય કે પાણીથી તરસ્યું વલાણા ગામ આજે પાણીદાર બન્યું છે.