નરોડાનું મહારાણા પ્રતાપ ઉદ્યાન બન્યું જંગલ! તંત્રની બેદરકારીના કારણે ઠેર ઠેર ગંદકી કાચરાના ઢગ
અમદાવાદ: તંત્ર દ્વારા કરોડો રૂપિયા શહેરના બ્યુટીફીકેશન પાછળ ફાળવવામાં આવે છે. જેથી કરીને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવી શકાય. પરંતુ સરકારી તંત્ર માત્ર પશ્ચિમ અમદાવાદને જ દુલહનની માફક સજાવીને પૂર્વ સાથે ઓરમાયું વર્તન કરતા હોય તેવી સ્થિતિ ઉભી થઇ છે.
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ અનેક બાગ બગીચાઓ હાલ દયનિય સ્થિતિમાં છે. જ્યાં કોઈપણ પ્રકારની માવજત કરવામાં આવતી નથી. વાત ઉજાગર કરી છે શહેરના એક નિવૃત પોલીસ કર્મચારી રણજીતસિંહ વાઘેલા દ્વારા અત્યાર સુધી અનેક વખત સ્થાનિક કોર્પોરેટર વિપુલભાઈ પટેલ, અલકાબેન મિસ્ત્રી, વૈશાલીબેન ભટ્ટ અને રાજેન્દ્રભાઇ સોલંકીને મહારાણા પ્રતાપ ઉદ્યાનની મરામત ને માવજત કરવા રજુઆત કરી પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા નિવૃત પોલીસ કર્મચારી મીડિયા સમક્ષ આવ્યા અને મહારાણા પ્રતાપ ઉદ્યાન માટે રજુઆત કરી.
રણજીતસિંહ વાઘેલાએ જણાવ્યું કે મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં કોઈપણ પ્રકારની સફાઈ કે સ્વચ્છતા જાળવવામાં આવતી નથી. ચોક્કસ માવજાતના અભાવે ઠેરઠેર ગંદકીના ઢગલા થઈ ગયા છે, જાણે ઉદ્યાન નહીં પણ જંગલ હોય. જો તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નહીં આવે તો મચ્છર અને ગંદકીના કારણે રોગચાળો ફેલાય તેવો ભય છે.
સ્થાનિક કોર્પોરેટરો મહારાણા પ્રતાપ ઉદ્યાન માટે ધ્યાન આપવા સુદ્ધા તૈયાર નથી. ધીરે ધીરે કોરોના લોકડાઉન હળવું થઈ રહ્યું છે. સ્થાનિક લોકો પોતાનો સ્ટ્રેસ દૂર કરવા મહારાણા પ્રતાપ ઉદ્યાનમાં સવાર સાંજ ચાલવા અને કસરત કરવા આવે છે. ત્યારે જો તંત્ર દવારા ધ્યાન આપવામાં નહીં આવે તો રોગચાળો પણ ફાટી નીકળે તેવી દહેશત છે.