અમદાવાદઃ રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામા બાદ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી. પરંતુ હવે મંત્રીમંડળની રચનાને લઇ મહાભારત શરૂ થયું છે. રૂપાણી મંત્રીમંડળના તમામ મંત્રીઓને પડતા મુકી સમગ્ર નવા મંત્રીમંડળની રચનાની CM ભૂપેન્દ્ર પટેલની રણનીતિથી અસંતોષ ફૂટી નિકળ્યો છે. મંત્રીમંડળની રચના પહેલા પાર્ટીમાં જ કલેહ શરૂ થઇ ગયો છે. પૂર્વ સિનિયર મંત્રીઓએ નારાજ હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળથી વિજય રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સિનિયર નેતાઓ નારાજ છે. આ નેતાઓને મનાવવા માટે કેન્દ્રીય નેતાઓ દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ નવા મંત્રીમંડળની ફોર્મ્યૂલાથી કોઇ સંતુષ્ટ દેખાઇ રહ્યું નથી. જેના કારણે નવા મંત્રીઓના શપથ પહેલા જ ગ્રહણ આવતા કાર્યક્રમ મૌકૂફ રાખવામાં આવ્યો છે. નીતિન પટેલની શંકરસિંહ વાઘેલા સાથેની બેઠક અને તેમની વચ્ચે થયેલી લાંબી ચર્ચાઓને લઇ ભાજપ હાઇકમાન્ડ પહેલાથી પરેશાન દેખાઇ રહ્યું છે. નીતિન પટેલ જાણે છે કે, હવે ભાજપ તરફથી તેમને ખાસ કંઇ મળવાનું નથી તો સત્તામાં ટોચના સ્થાને બેસવા માટે તેઓ કોઇ પણ રિશ્ક લેવા માટે તૈયાર થઇ શકે છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, શું CM ભૂપેન્દ્ર પટેલ આખુ મંત્રીમંડળ બદલવા માગે છે. શું નવા બનેલા મુખ્યમંત્રીને હાઇકમાન્ડ તરફથી આટલુ છૂટછાટ આપવામાં આવી હોઇ શકે? કે પછી પડદા પાછળનો ખેલાડી કોઇ બીજો છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, 2022ની ચૂંટણીઓને ધ્યાને રાખીને ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં નવા ચહેરાઓ અને મહિલાઓને સ્થાન આપવા માગે છે. પરંતુ વિરોધને ધ્યાને રાખી કેટલાક સિનિયર નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવા ભાજપ માટે મજબૂરી બની રહ્યું છે. સૂત્રો તરફથી જાણવા મળ્યા મુજબ ભાજપ નીતિન પટેલના બળવાથી બચવા માટે તેમને મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે. પરંતુ તેમને ડેપ્યુટી સીએમ બનાવવા પડે તેવી સ્થિતિ ઉભી થાય છે. હાઇકમાન્ડ એક સમાજના CM અને ડેપ્યુટી CMની ફોર્મ્યુલાથી બચવા માગે છે.
નીતિન પટેલ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કૌશિક પટેલને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવશે આ બંને નેતોઓ વિજય રૂપાણીના નજીકના ગણાય છે. હાલમાં બીએલ સંતોષ અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને RSSના આગેવાનો નારાજ નેતાઓને મનાવવા પ્રયાસ કરી રહ્યાં છે. જો કે હજી સુધી કોઇ સફળતા મળી નથી.
સૌથી મહત્વની બાબત તો એ છે કે, રાજ્યના વહીવટની દ્રષ્ટીએ સાવ નવા એવા ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મંત્રીમંડળ શા માટે બદલવા માગે છે. સિનિયર અને અનુભવી મંત્રીઓ તેમને સરકાર ચલાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે જ્યારે નવા અને અનુભવહિન મંત્રીઓને સામે આવા સમયમાં સરકાર ચલાવવી મોટો પડકાર સાબિત થઇ શકે છે. ભૂપેન્દ્ર પટેલ આવું રિશ્ક શા માટે ઉઠાવવા માગી રહ્યાં છે તે સવાલ ઉઠી રહ્યો છે.પરંતુ ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી જાહેરાત બાદ પ્રથમ પ્રેસ કોન્ફરન્સમા જ કહી ચૂક્યા છે કે, આનંદીબેન પટેલના આશીર્વાદ હંમેશા તેમની પર રહ્યાં છે અને ભવિષ્યમાં પણ રહેશે. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન પટેલના અંત્યંત વિશ્વાસુ નેતા છે. આનંદીબેનના કારણે જ તેઓ ધારાસભ્ય બની શક્યા છે. ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેને જ તેમને ટિકિટ અપાવી હતી.
હવે ગુજરાતમાં આનંદીબેન પટેલના જૂથના હાથમાં સત્તા આવી છે જ્યારે અગાઉની સરકારમાં અમિત શાહનું વર્ચસ્વ હતું. આનંદીબેન પટેલ જૂથના ગણ્યા ગાંઠ્યા નેતાઓને મંત્રીમંડળમાં નામ પૂરતુ જ સ્થાન અપાયું હતું. ગત સરકારમાં જે મંત્રીઓ હતા તે અમિત શાહના નજીકના નેતાઓ હતા. જેથી આ તમામ મંત્રીઓને કાપી નવા મંત્રીઓ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોઇ શકે એટલે સમગ્ર મંત્રીમંડળનું શુદ્વિકરણ કરીને જ આનંદીબેન પટેલ જૂથ રાજ્યમાં શાસન કરી શકે છે. મંત્રીમંડળમાં કોઇ પણ વ્યક્તિ અમિત શાહનો વિશ્વાસુ ન હોય તેવું આનંદીબેન પટેલ જૂથનું માનવુ હોઇ શકે છે.
બીજી તરફ નિષ્ણાંતો એવો પણ તર્ક આપી રહ્યાં છે કે, કોરોના કાળમાં નિષ્ફળતા સમગ્ર સરકારની હોવાથી આગામી ચૂંટણીઓમાં લોકો સામે સમગ્ર નવી જ સરકાર હોય તો રોષનો સામનો ન કરવો પડે. જે મંત્રીઓ ચૂંટણી સમયે લોકોની સામે જાય ત્યારે તેમને સામે કોરોના કાળની સ્થિતિ અંગેના પ્રશ્નો ન ઉઠે તે માટે થઇને હાઇકમાન્ડ દ્વારા પણ સમગ્ર મંત્રીમંડળના શુદ્વિકરણનો વિચાર કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હોઇ શકે છે. કારણે આનંદીબેન જૂથ હોય કે અમિત શાહ જૂથ કે પછી ચંદ્રકાન્ત પાટીલનું જૂથ હોય ભાજપમાં નરેન્દ્ર મોદીની ઇચ્છા વિરુદ્વ પાંદડું પણ હાલી શકે નહી.