એન.જી.ઓ.અને ઔદ્યોગિક એકમના સહયોગથી ગુજરાતમાં પ્રથમ પ્રયોગ: ભારત સરકારના જળ સંસાધન મંત્રાલયે લીધી નોંધ
આપણે કલ્પના કરી શકીએ કે એક સમયે પારાવાર ગંદકીથી ખદબદતું ગામ કેવી રીતે આજે ગંદા પાણીના સુનિયોજિત અને વૈજ્ઞાનિક ઢબે ઉપયોગથી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે.
આ ગામમાં ગંદકીના પુષ્કળ સામ્રાજ્યને કારણે ચાર વર્ષ અગાઉ કોલેરા ફાટી નીકળ્યો હતો. ગામને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું હતું.ઘેર ઘેર બીમારી હતી. પરંતુ ગામના સતર્ક સરપંચે ઔધોગિક એકમ
ટ્રાન્સપેક અને સેવાભાવી સંસ્થા શ્રોફ ફાઉન્ડેશનના સહયોગથી આ બીમારીનો કાયમી ઉકેલ શોધી કાઢી આ ગામે સમગ્ર ગુજરાતના ગામડાઓને નવી દિશા ચીંધી છે.
પાદરા: આ વાત છે પાદરા તાલુકાના ડભાસા ગ્રામ પંચાયતના પેટા પરા એવા ખંડેરાવપુરા ગામની.. ડભાસા ગ્રામ પંચાયતના સરપંચ મનોજભાઈ પટેલ જણાવ્યું કે ખંડેરાવપુરા પેટપરામાં પારાવાર ગંદકીને કારણે ગામ લોકો ત્રસ્ત હતા. ગામમાં સ્વચ્છતા સાથે લોકોનું આરોગ્ય જળવાય તે માટે ખાનગી કંપની અને સેવાભાવી સંસ્થાના સહયોગથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગંદા પાણીના નિકાલ માટે ગામમાં ગંદા પાણીને શુદ્ધ કરવા માટે બાયો ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.
ગામનું તમામ ગંદુ પાણી એક જગ્યાએ એકત્રિત કરી તેને પ્લાન્ટમાં શુદ્ધ કરવામાં આવે છે.અને આ શુદ્ધ કરેલું પાણી ખેડૂતોને કલાકના રૂપિયા વીસના નજીવા દરે સિંચાઈ માટે આપવામાં આવે છે. જે રકમનો ઉપયોગ પ્લાન્ટની મરામત અને નિભાવ ખર્ચ માટે કરવામાં આવે છે.
ખંડેરાવપુરામાં ગંદા પાણીને શુદ્ધ કરવાનો સમગ્ર રાજ્યનો આ પ્રથમ બાયો ફિલ્ટર પ્લાન્ટ છે.આ પ્લાન્ટ સંપૂર્ણ રીતે સૂર્ય ઊર્જાથી ( સોલાર પાવર) ચાલે છે. જેમાં રાજ્ય સરકારનો પ્રશસ્ય સહયોગ પણ સાંપડ્યો છે.અને વીજ બિલમાં દર મહિને રૂપિયા સાત થી આઠ હજારની બચત થઈ છે. કોરોના મહામારીનો પણ આ ગામે મક્કમતાથી સામનો કર્યો હતો. કોરોના કાળમાં પણ આસપાસના વિસ્તારના લોકો અહી આવીને શાકભાજી ખરીદતા હતા જેથી ખેડૂતોને ઘણી રાહત થઈ હતી.સ્થાનિક લોકોને ઘર આંગણે રોજગારી પણ મળી રહી હતી.
આ પ્લાન્ટમાં શુદ્ધ થતું પાણી ખેડૂતો માટે કાચું સોનું બની રહ્યું છે એમ જણાવતા ગામના ખેડૂત મુકેશભાઈ જાદવ કહે છે કે ગામમાં મહતમ ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે.આ પાણીને કારણે જમીનની ફળદ્રપતામાં વધારો થયો છે જેથી ઉત્પાદન પણ વધ્યું છે.
રાસાયણિક ખાતરના વપરાશમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે. ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો પણ મળી રહ્યા છે.જેથી ઉત્પાદન ખર્ચ ઘટતા ખેડૂતોની આવકમાં વધારો થતાં ખેડૂતો આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. દરેક ખેડૂતના ખેતરમાં કમપોઝ બેડ બનાવવામાં આવ્યા છે તેમાં વર્મી કંપોઝ ખાતર બનાવવામાં આવે છે. આ કમપોઝ બેડમાં ખેડૂતો પોતાના ઘરનો કચરો નાખે છે. એટલુ જ નહિ ગામમાં દરેક ઘરે શૌચાલય છે જેથી ગામ સ્વચ્છ અને નિર્મળ બન્યું છે.
તો અન્ય એક ખેડૂતે જણાવ્યું કે ગામમાં ૫૦ ટકા ખેડૂતો આ પાણીના ઉપયોગથી સંપૂર્ણ સેન્દ્રીય ખેતી કરે છે.
ટ્રાન્સ બાયો ફિલ્ટરના ભવર ઉપાધ્યાયે જણાવ્યું કે માત્ર ૧૯૦ ઘરોની વસતિ ધરાવતા આ ગામને ઝીરો વેસ્ટ બનાવવા માટે એન.જી.ઓ ના સહયોગથી સર્વગ્રાહી પગલાં લેવામાં આવ્યા છે. ગામનું ગંદુ પાણી એક સ્થળે એકત્ર કરી બાયો ફિલ્ટર પ્લાન્ટ દ્વારા દરરોજ ૧.૨૦ લાખ લીટર પાણી શુદ્ધ કરી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવે છે.
ગામના બાયો ફિલ્ટર પ્લાન્ટની કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લીધી છે.તાજેતરમાં જ નવી દિલ્હીના નેશનલ વોટર કમિશન અને નેશનલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓએ આ પ્લાન્ટની મુલાકાત લઈ ગ્રામજનો પાસેથી પ્લાન્ટ અંગેની તલસ્પર્શી વિગતો મેળવી હતી.
ખંડેરાવપુરાના આ પ્રયોગમાં સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત, સૂર્ય ઊર્જાનો વિનિયોગ,ગંદકી મુક્ત ગામ,મલિન જળ શુદ્ધ કરીને તેનાથી પાણીની બચત જેવા વિવિધ આયામોને એક છત્ર હેઠળ આવરી લઈને ગ્રામ વિકાસની એક નવી દિશા દર્શાવી છે. જે અન્ય ગામોએ પ્રેરણા લેવા જેવી છે.