ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ (જી.ડી.પી.) અંતર્ગત 60 ડાયાલિસીસ કેન્દ્રો અને 600 ડાયાલિસિસ મશીનો સાથે વિશ્વમાં ડાયાલિસિસ સેન્ટર્સની સૌથી મોટી જાહેર-ક્ષેત્રની શ્રુંખલા :- ડૉ. વિનીત મિશ્રા
અમદાવાદ સિવિલ મેડિસીટીની ઇન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) દ્વારા ફ્લેગશિપ પ્રોગ્રામ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત કચ્છ જિલ્લામાં બે, જ્યારે વડોદરા અને સુરત જિલ્લામાં એક-એક ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
ગરીબ દર્દીઓ માટે આ એક મોટી રાહત છે કે જેઓ પ્રશિક્ષિત ટેકનિકલ સ્ટાફની દેખરેખ હેઠળ ગુણવત્તાયુક્ત ડાયાલિસિસ સેશન્સ સમગ્ર વર્ષ દરમિયાન સંપૂર્ણપણે નિઃશુલ્ક મેળવશે.” તેમ જણાવતા આઇકેડીઆરસી-આઇટીસીના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ ઉમેર્યુ કે, ડાયાલિસિસના દર્દીઓની સંખ્યામાં વધારા સાથે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વધુ સંખ્યામાં મશીનો પ્રસ્થાપિત કરવામાં આવશે.
બે જીડીપી સેન્ટર્સ ગાંધીધામ અને માંડવી નગરોમાં સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોના પરિસરમાં ખોલવામાં આવ્યા છે, જેમાં રાજ્યના છેવાડાના વિસ્તારના અસંખ્ય દર્દીઓને રાહત આપતા બંને કેન્દ્રો પર પાંચ-પાંચ અત્યાધુનિક ડાયાલિસિસ મશીનો છે. એસએસજી હોસ્પિટલમાં પહેલેથી જ કાર્યરત થયા બાદ વડોદરા જિલ્લાના ગોત્રી ખાતે 15 મશીનો સાથેનું બીજું જી.ડી.પી. સેન્ટર નજીકના ગામડાઓ અને આસપાસના શહેરી વિસ્તારોમાં ડાયાલિસિસ સેવાઓ પ્રદાન કરશે. માંડવી નગરમાં નવું ડાયાલિસિસ સેન્ટર શરૂ થવા સાથે સુરતને શહેરમાં પહેલાંથી જ કાર્યરત ડાયાલિસિસ સેન્ટર ઉપરાંત બીજુ સેન્ટર પણ મળ્યું.
બ્લુટુથ કનેક્ટિવિટી સાથે પ્લગ એન્ડ પ્લે એલઇડી સ્ક્રીન સાથે સક્ષમ દરેક પલંગ દર્દીઓને ચાર કલાક લાંબા ડાયાલિસિસ સેશન દરમિયાન તેમની પસંદગીનું મનોરંજન પસંદ કરવાની સુવિધા આપે છે. “હળવા સંગીત અને મૂવીઝ દર્દીઓને ડાયાલિસિસ સેશન દરમિયાન તેમના બ્લડ પ્રેશરનું સ્તર જાળવવામાં મદદ કરે છે, જે આ પ્રક્રિયાને ઓછી તણાવપૂર્ણ બનાવે છે.”
ગુજરાત સરકાર દ્વારા ભંડોળ પૂરૂં પાડવામાં આવતો ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) એ 60 સેન્ટર્સ અને 600 ડાયાલિસિસ મશીનો સાથે વિશ્વમાં ડાયાલિસિસ સેન્ટર્સની સૌથી મોટી જાહેર-ક્ષેત્રની શ્રુંખલા છે. જીડીપી સેન્ટર્સ રાજ્યમાં દર્દીઓની સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના તેઓને નિઃશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરે છે અને તેની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 15 લાખ ડાયાલિસિસ સેશન્સ કર્યા છે.જીડીપી 3000 થી વધુ દર્દીઓને સુવિધા પૂરી પાડે છે અને આઇકેડીઆરસીના લાયકાત ધરાવતા ટેકનિશિયન અને મેનેજમેન્ટ હેઠળ રાજ્યભરમાં દર મહિને 25,000 ડાયાલિસિસ કરે છે. આ યોજના હેઠળ, બીપીએલ કાર્ડ ધરાવતા ગરીબ દર્દીઓ જ્યારે તેમના ડાયાલિસિસ સેશનમાં હાજરી આપવા માટે જીડીપી સેન્ટરની મુલાકાત લે છે ત્યારે તેમને મુસાફરીના ખર્ચાઓની ભરપાઈ પણ કરવામાં આવે છે.
ફેરફેક્સ ઈન્ડિયા ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ (PMNDP)ને સમર્થન આપવા માટે તેની દેશવ્યાપી પહેલ હેઠળ ગાંધીધામ અને માંડવી ખાતે હેમોડાયલિસિસ મશીનોની સુવિધા આપવામાં આવી છે.