ક્રિષ્ના પટેલ મોડાસા,
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ઘરફોડ ચોરી અને ધાડપાડુ ટોળકીના ત્રાસથી સમગ્ર વિસ્તારમાં ડર ફેલાયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં ચાર સ્થળે ઘરફોડ ચોરીની ઘટનાના પગલે ભિલોડા પોલીસ અને વિવિધ એજન્સીઓ દોડતી થઇ હતી. અરવલ્લી એલસીબી પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સના આધારે ભિલોડાના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા રાજસ્થાન અને ધંધાસણના ત્રણ ઘરફોડ ચોરીના આરોપીઓને દબોચી લઇ ૪ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ધાડપાડુ ગેંગના ૪ સાગરીતોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી પેરોલ ફર્લો ટીમના પીએસઆઈ કે.એસ.સીસોદીયા અને તેમની ટીમે રાયોટીંગ અને એટ્રોસીટીના ગુન્હામાં નાસતા ફરતા વિનય નરેશ છારાને મોડાસા એટલાન્ટા થિયેટર નજીકથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અરવલ્લી એલસીબી પીઆઈ સી.પી.વાઘેલા અને તેમની ટીમે ભિલોડા પંથકમાં ઘરફોડ ચોરી કરતી ધાડપાડુ ગેંગના ગોવિંદનગર વિસ્તારમાં રહેતા ૧)દિલીપ બચુ ખરાડી ૨)સંજય બંસી ગડસા, ૩) અર્પીત ઉર્ફે બોડો બંસી ગડસા ને દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા ધોલવાણી ગામની સીમમાં આવેલ મકાન માલિક અને પરિવારજનોને ધમકી આપી લૂંટ કરી હતી. તેમજ વોકનેર ગામે વૃદ્ધા મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી ચોરીને અંજામ આપી અને વિનય સેલ્સ અને શામળીયા જનરલ સ્ટોર્સમાં ઘરફોડ ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. એલસીબી પોલીસે ત્રણે આરોપી પાસેથી ૧૪ હજાર જેટલો મુદ્દામાલ કબ્જે કરી ઘરફોડ ચોરીમાં સંડોવયેલ (૧) લાલા નવજી પાંડોર, ર) દશરથ ભેરા ડામોર ,૩) લાલા બાબુ ડામોર, ૪) સંજય ઉર્ફે લાલો રવીશંકર ડામોર, ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.