પ્રોજેક્ટના આયોજન અને ત્વરિત અમલીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ રાજ્યમાં પાંચ હજાર પોર્ટલ બનાવવાનું આયોજન
નેશનલ માસ્ટર પ્લાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણમાં ગેમ ચેન્જર સાબિત થશેઃ રાજ્યમાં બાયસેગ અને જીઆઇડીબીના માધ્યમથી પ્રોજેક્ટમાં ટેક્નોલોજીનો વિનિયોગ થશે
ગાંધીનગર:
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલો નેશનલ માસ્ટર પ્લાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અમલીકરણમાં ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આ પ્લાન સાથે કદમથી કદમ મિલાવવા માટે ગુજરાત સરકારે ગતિશક્તિ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બાયસેગના માધ્યમથી ટેક્નોલોજીનો સમન્વય કરી ગતિશક્તિ પ્રોજેક્ટ નિર્માણ કાર્યના આયોજન અને સમયસર પૂર્ણ કરવા અસરકારક બનવાનો છે.
પ્રથમ જાણીએ કે આ ગતિશક્તિ પ્રોજેક્ટ શું છે ?
ગતિશક્તિમાં પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોને એક કોમન પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવી રહ્યા છે. આ વિભાગો એટલે કે માર્ગ અને મકાન વિભાગ, રેલવે વિભાગ, વન વિભાગ, વીજળી વિતરણ વિભાગ, ટાઉન પ્લાનિંગ, મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ, પાણી પુરવઠા વિભાગ જેવા વિભાગો કે જે જાહેર નિર્માણ સાથે સંકળાયેલા છે.
સામાન્ય રીતે ઉક્ત વિભાગો દ્વારા રેલવે લાઇન નાખવાની, માર્ગો બનાવવાની, પાણીની લાઇન નાખવાની, વીજળી, ગટર તથા પાણીની લાઇન નાખવાની કામગીરી કરવામાં આવે છે. હવે થાય છે કે એવું કે, એક પ્રોજેક્ટના અમલીકરણ માટે એક વિભાગ દ્વારા અન્ય વિભાગો સાથે સંકલન સાધવું પડે છે અને મંજૂરી, ના વાંધા પ્રમાણપત્રો લેવા પડે છે. આના કારણે પ્રોજેક્ટ પૂર્ણ થવામાં સમય વધુ લાગે છે.
કોઇ પણ પ્રોજેક્ટનો આયોજનનો તબક્કો મહત્વનો હોય છે. ઉદાહરણ તરીકે પાણી પુરવઠા વિભાગ દ્વારા એક લાંબી પાઇપ નાખવાનો પ્રોજેક્ટ છે. તો તેના માટે કેટલી લાંબી પાઇપ નાખવી પડશે ? કેટલી ઉંડી નાખવી પડશે ? લાઇન ક્યાંથી નીકળશે અને જ્યાં નાખવાની છે તે જમીન કોના હસ્તક છે ? કેવા પ્રકારની જમીનમાંથી લાઇન નીકળશે અને તેની ટોપોગ્રાફી ? તે બાબતનું આયોજન કરવું પડે છે અને સ્થળની વારંવાર મુલાકાત લેવી પડે છે. હવે ધારો કે આ વિગતો એક કોમન પ્લેટ ફોર્મ ઉપરથી જ મળી રહે તો ? આ બાબત હવે વાસ્તવિક રીતે આકાર લઇ રહી છે. પ્રોજેક્ટના આયોજનને એક કોમન પ્લેટફોર્મ ઉપર લાવવામાં આવી રહ્યુંછે. વિકસિત દેશોમાં જે રીતે થાય છે એ જ પ્રકારે આપણા દેશ અને રાજ્યમાં પણ નિર્માણકાર્યમાં ટેક્નોલોજીનો સંપૂર્ણ ઉપયોગ થવા જઇ રહ્યો છે. એનું નામ છે ગતિશક્તિ પ્રોજેક્ટ છે.
ગતિશક્તિ પ્રોજેક્ટના ચાલકબળ તરીકે હાલમાં બે વિભાગો મુખ્ય છે, એક બાયસેગ અને બીજો ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ. જીઆઇડીબી દ્વારા હાલમાં ગતિશક્તિ પ્રોજેક્ટ માટે ડાટા કલેક્શનની કામગીરી ચાલી રહી છે. આ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પ્રાદેશિક કક્ષાએ ઉક્ત વિભાગોના અધિકારીઓના સેમિનાર યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વડોદરામાં પણ આવો એક સેમિનાર યોજાયો હતો.
પાણી, ગટર, રાજમાર્ગો, રેલ્વે, વનો, વીજળી, નગરો અને મહાનગરોના આંતરિક રસ્તા, જમીનની માલિકી, ટીપી અને ડીપી, સોઇલની વિગતો આ પ્રોજેક્ટમાં ફીડ કરવામાં આવશે. એટલે કે, કોમ્પ્યુટરની એક ક્લિક ઉપર જ ઉક્ત બાબતોનો ઉપલબ્ધ થઇ જશે. જે તે વિભાગ માટે આવા ખાસ પોર્ટલ બનાવવામાં આવશે. જીઆઇડીબી અને બાયસેગ દ્વારા આવા પાંચ હજાર પોર્ટલ બનાવવાનું આયોજન છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉપર વિશેષ લક્ષ્ય દાખવી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં સેટેલાઇટ ઇમેજ અને ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઇ એક સ્થળે ચેકડેમ બનાવવાનો છે. તો ગતિશક્તિ પ્રોજેક્ટમાં તે સ્થળની પસંદ કરવામાં આવશે. એટલે માત્ર એક ક્લિક કરવાથી ચેકડેમનો જળસ્ત્રાવ વિસ્તાર, કન્ટુર ટ્રેચમેન્ટની વિગતો ઉપલબ્ધ થઇ જશે. એના પરથી ચેકડેમની કેટલી ઉંચાઇ રાખવી એનો ખ્યાલ સરળતાથી આવી જશે.
એવી જ રીતે કોઇ રાજમાર્ગ બનાવવો છે. તો આ રાજમાર્ગ ક્યાંથી કાઢવો, તેની જમીન કેવી રહેશે અને કોની હશે. તેમાં કેટલા પૂલ બનાવવા પડશે. ક્યાં સ્થળે ટેકરીઓનું ખોદકામ કરવું પડશે. તે તમામ બાબતો ઓનલાઇન ઉપલબ્ધ થશે. તેમાં સેટેલાઇટ દ્વારા લેવાયેલી ઇમેજ અને ટોપોગ્રાફીનો ઉપયોગ થશે.
ધારો કે, એક શહેરમાં ઓપ્ટિક ફાઇબર લાઇન નાખવી છે, તો તે લાઇન રોડની સાઇડમાં કેટલા અંતરે નાખવી, ત્યાં પહેલેથી રહેલી અન્ય પાઇપ લાઇનોની ઉંડાઇનો સરળતાથી ખ્યાલ આવી જશે. આવું કરવાથી અધિકારીઓની ફિલ્ડ વિઝીટનું પ્રમાણ ઘટી જશે અને આયોજન વધુ ચોક્કસાઇપૂર્ણ, ઝડપથી થઇ શકશે. બીજા શબ્દોમાં કહી તો પ્લાનિંગ અને ઇમ્પ્લિમેન્ટેશનને ડિઝિટલી કરવામાં આવશે. કોઇ પરિયોજનાને ઝડપથી પૂર્ણ કરવામાં આ ગતિશક્તિ મહત્વપૂર્ણ સાબીત થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તા. ૧૩ ઓક્ટોબરના રોજ મહત્વાકાંક્ષી રૂ. 100 ટ્રિલિયન પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની જાહેરાત કરી હતી, જે ભારતને આંતરમાળખાકીય આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવા માટે એક સાહસિક પ્રોજેક્ટને આગળ વધારશે.
તેમના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ભારત આગામી પેઢીના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં અભૂતપૂર્વ ઝડપ અને સ્કેલ જોઈ રહ્યું છે. ગતિશક્તિ અભિયાનના મૂળમાં ભારતના લોકો, ભારતીય ઉદ્યોગ, ભારતીય વેપાર, ભારતીય ઉત્પાદકો અને ખેડૂતો છે. જે ૨૧મી સદીના ભારતનું નિર્માણ કરવા દેશની વર્તમાન અને ભાવિ પેઢીમાં નવી ઊર્જાનો સંચાર કરશે.