અમદાવાદ: ૧૭’૦૬’૨૦૨૨
ઓઢવ વિસ્તારમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે રૂપિયા ૫૦ લાખની લૂંટ થતા ચકચાર મચી ગઇ. આંગડિયા પેઢીમાં બે ભાગીદાર અને બે કર્મચારી સહિત ચાર લોકો હાજર હતા ત્યારે લૂંટારું ત્રાટક્યા અને બંદૂકની અણીએ લૂંટ કરી ફરાર થયા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી સતત વધી રહી છે, ત્યારે ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બંદૂક બતાવી આંગડિયા પેઢીમાંથી રૂ. ૫૦ લાખની ૪ શખસોએ લૂંટ ચલાવી છે. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. ઓઢવ પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે.
ઓઢવ વિસ્તારમાં છોટાલાલની ચાલી પાસે આવેલા પી એમ એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢીમાં આજે બે ભાગીદાર અને બે કર્મચારી એમ ચાર લોકો હાજર હતા. તે દરમિયાન લૂંટારુંઓ આવ્યા હતા. જેમાં ચાર લૂંટારુંઓએ આંગડિયા પેઢીમાં પ્રવેશ કર્યો હતો. જેમાંથી એક લૂંટારું પાસે રિવોલ્વર હતી, જેણે આંગડિયા પેઢીના કર્મચારીઓને ધમકાવીને તેઓની પાસે રહેલા રૂપિયા આપી દેવા માટે કહ્યું હતું. આંગડિયા પેઢીના કર્મચારીઓ એ તેમની પાસે લગભગ રૂપિયા ૫૦ લાખ આપતા જ લૂંટારુંઓ આંગડિયા પેઢીના તમામ દરવાજા બહારથી બંધ કરીને કર્મચારીઓને બંધક બનાવીને ફરાર થઈ ગયા હતા. લૂંટના પૈસા લઈને જતાં લૂંટારાઓ પૈકી એક લૂંટારું બાઈક મૂકીને પલાયન થઈ ગયો હતો. પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ઓઢવ પોલીસે સમગ્ર લૂંટ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. આંગડિયા પેઢીના સીસીટીવી કેમેરામાં જ સમગ્ર લૂંટની ઘટના પણ કેદ થઈ છે.