ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, માત્ર ગુજરાતમાં જ 74 હુલ્લડો સહિતના બનાવો નોંધાયા હતા અને કરોડો રૂપિયાની જાહેર મિલકતને નુકસાન પહોંચ્યુ હતુ
આરોપીઓ છ વર્ષથી જેલમાં છે અને હજુ સંવેદનશીલ એવા આ કેસનો ટ્રાયલ વિલંબિત થાય તેમ હોવાથી હવે આરોપીઓે જામીન આપવા જોઇએ તેવી આરોપીઓના વકીલ તરફથી કરાયેલી દલીલ હાઇકોર્ટે ગ્રાહ્ય રાખી અને જામીન આપ્યા
અમદાવાદ,તા.૨૨’૦૭’૨૦૨૨,શુક્રવાર
ગુજરાત સહિત દેશભરમાં ભારે ખળભળાટ મચાવનારા ઉના એટ્રીસીટી કેસમાં છ વર્ષ બાદ આખરે ચાર આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે. છેલ્લા છ વર્ષથી આરોપીઓ જેલમાં હતા અને ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં ટ્રાયલ વિલાબિત થાય તેમ હોવાથી જામીન આપવાની માંગણી જસ્ટિસ નિખિલ કેરીયલે ગ્રાહ્ય રાખી હતી અને ચારેય આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા હતા. જેને પગલે આરોપીઓને બહુ મોટી રાહત મળી છે.
આરોપીઓ પ્રમાદગીરી રમેશગીરી, બળવંતગીરી ઉર્ફે બલ્લી, રમેશ જાદવ અને રાકેશ રસિકભાઇ જોષી તરફથી હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી, એચ.બી.ચંપાવત તથા અન્યોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપીઓ છેલ્લા છ વર્ષથી જેલમાં છે. સંવેદનશીલ એવા આ કેસનો ટ્રાયલ નીચલી કોર્ટમાં છેલ્લા ઘણા લાંબા સમયથી પડતર છે અને હજુ પણ લાંબો ચાલે તેમ છે. આ કેસમાં કુલ 350 જેટલા સાક્ષીઓ છે અને ટ્રાયલમાં હજુ માંડ 50 જેટલા સાથી જ તપાસી શકાયા છે. તેથી આ કેસનો ટ્રાયલ હજુ ઘણાં લાંબો ચાલે તેમ છે અને વિલંબિત થાય તેમ છે ત્યારે હાઇકોર્ટ આરોપીના જામીન મંજૂર કરવા જાઇએ. વળી. પ્રસ્તુત કેસના એટ્રીસીટી એક્ટની કલમ લાગુ પાડવામાં આવી છે. પરંતુ આ કાયદાની કલમ-૩(2), હઠળ માત્ર પાંચ વર્ષની સજાની જોગવાઇ છે, તો આ સજા તો આરોપીઓએ ટ્રાયલ પહેલાં જ જેલમાં રહીને જામીન નહી મળવાના અભાવે કાપી લીધી છે. ઉપરાંત, આઇપીસીની કલમ-૩૦૭ના ગુના પણ આ કેસમાં લાગુ પડતા નથી ત્યારે હાઇકોર્ટે હવે છ વર્ષ જેટલા લાંબા સમય બાદ હવે આરોપીઓના જામીન મંજૂર કરવા જોઇએ. આ દલીલ ગ્રાહ્ય રાખી હાઇકોટ તમામ ચાર આરોપીઓને શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યાં હતાં.
આરોપીઓ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું એ બાબતે પણ ધ્યાન દોર્યું હતું કે, ભારતીય બંધારણ અને કાયદામાં પણ આરોપીઓના હિત અને અધિકારની જોગવાઇ કરવામાં આવી છે, જેને નજરઅંદાજ કરી શકાય નહી. વળી, જયારે આ કેસમાં ખુદ સરકારપક્ષ દ્વારા કેસનો ટ્રાયલ ચલાવવામાં વિલંબ દાખવાઇ રહ્યો હોય ત્યારે તેવા સંજોગોમાં આરોપીઓને હવે જેલમાં રાખીને કોઇ અર્થ નથી, તેઓને હવે છ વર્ષ બાદ તો જામીન મળવાપાત્ર બને છે. આરોપીઓ તરફથી આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે તમામ ચાર આરોપીઓને શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો.
શું છે ઉનાકાંડના ચકચારભર્યા કેસની સંવેદનશીલ હકીકતો.. જાણો….
ગત તા.૧૧-૭-૨૦૧૬ના રોજ ઉનાના મોટા સમઢિયાળા ગામના દલિત સમાજના સાત સભ્યાને મરેલી ગાયનું ચામડુ કાપવાના પ્રકરણનાં ગાયો કેમ કાપો છો તેમ તેઓને આરોપીઓ દ્વારા કાર સાથે બાંધી લાકડીઓ, પાઇપો સહિતના હથિયારો વડે ઢોર માર મારી અત્યાચાર ગુજારવાના ચકચારભર્યા કેસમાં ૪ પોલીસ અધિકારી સહિત કુલ 43 આરોપીઓની ધરપકડ થઇ હતી. ઉનાકાંડ બાદ ગુજરાત સહિત દેશભરમાં દલિત સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા, માત્ર ગુજરાતમાં જ 74 હુલ્લડો સહિતના બનાવો નોંધાયા હતા અને કરોડો રૂપિયાની જાહેર મિલકતને નુકસાન પહોંચ્યુ હતુ. રાજય સહિત દેશભરમાં ઉનાકાંડને પગલે ખળભળાટ મચી ગયો હતો.