છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ માર હોમલોન ધારકને થયો છે: વ્યાજ અને હપ્તા બંને વધી ગયા
છેલ્લા એક વર્ષમાં હોમલોનમાં વ્યાજ અને હપ્તાની રકમમાં થયેલા વધારા સામે રાહત મળવાનો સંકેત: હોમલોન પેમેન્ટમાં પ્રિન્સીપલ એમાઉન્ટને કલમ 80-સી કરતા અલગથી ટેકસ છુટ મળે તેવી માંગણી
નવી દિલ્હી: 07’01’2023
આગામી કેન્દ્રીય બજેટમાં હવે મધ્યમવર્ગથી લઈને ધનીકોનું ધ્યાન નાણામંત્રી નિર્મલા સીતારામન હોમલોનમાં કેટલી આવકવેરા છૂટછાટ અથવા તો ડીડકશન આપે છે તેના પર છે. છેલ્લા એક વર્ષમાં રિઝર્વ બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કરાતા અને રેપોરેટ 225 ટકા વધી જતા હોમલોન ધારકોને માટે લોનનો સમયગાળો લાંબો થઈ ગયો છે અને તેમના હપ્તાની રકમ પણ વધી ગઈ છે.
આ સ્થિતિ વચ્ચે લોન લેનાર હવે દર મહિને તેના ઈએમઆઈમાં વધુ રકમ ચૂકવે છે તે સમયે હવે 2023-24ના બજેટમાં નાણામંત્રી હોમલોનના વ્યાજમાં જે ટેકસ ડીડકશન મળે છે તેની મર્યાદા વધારવા માટે જાહેરાત કરી શકે છે. છેક 2016-17 થી હોમલોન વ્યાજ ડીડકશન એક સમાન રહ્યું છે અને તે હાલ કોઈપણ વ્યક્તિ પોતાના આવાસ માટે લીધેલી હોમલોનમાં પ્રતિવર્ષ રૂા.2 લાખ સુધીનું વ્યાજ કરમુક્ત કરાવી શકે છે. પરંતુ તે મર્યાદા વધારીને રૂા.5 લાખ કરવા માટે નાણામંત્રી સમક્ષ દરખાસ્ત છે.
ખાસ કરીને ફુગાવાનો દર અને વ્યાજદર જે રીતે વધ્યા છે તે જોતા નાણામંત્રી તેમાં વિચારણા કરી શકે છે. આ ઉપરાંત કરદાતા કલમ 80-સી હેઠળ તેની હોમલોનના પ્રિન્સીપલ એમાઉન્ટ દર વખતે ચૂકવે છે તેમાં 1.50 લાખની રાહત કલેમ કરી શકે છે પરંતુ આ જ કલમ હેઠળ તેને પીપીએફ ઈકવીટી લીંક બચત યોજનાઓ, એલઆઈસીનું પ્રીમીયમ, શુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની યોજનામાં જે રોકાણ થાય છે તેમાં કલેમ કરવાની છૂટ છે તેના કારણે હોમલોન ધારકને પ્રિન્સીપલ એમાઉન્ટ જે પે કરતો હોય તે કરમુક્ત મેળવવાની જગ્યા રહેતી નથી.