
વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં ભીમનાથ બ્રીજ નજીક આંગડીયા પેઢીનો કર્મચારી 36 લાખ રોકડ લઈને જતો હતો. તે સમયે પોલીસના સ્વાંગમાં આવેલા લુટારુઓએ આંગડીયા પેઢીના કર્મચારીને આંતર્યો હતો અને 16 લાખ રોકડની લૂંટ કરી હોવાનો બનાવ બન્યો છે. જયારે પોલીસે લૂંટના ગુન્હામાં પ્રત્યક્ષદર્શીઓના નિવેદન લઈને આગળની તપાસ હાથ ધરી છે.
શહેરના અલકાપુરી અને સુલતાન પુરામાં ઓફીસ ધરાવતા એચ.એમ આંગડીયા પેઢીના કર્મચારી હરપાલસિંહ જાડેજા આજે બપોરના સુમારે અલકાપુરી ઓફીસથી 36 લાખ રોકડ રકમ લઈને સુલતાનપુરાની ઑફિસે જઇ રહ્યા હતા. આ દરમિયાન શહેરના ભીમનાથ બ્રીજ પાસે બુલેટ પર આવેલા બે ઇસમોએ આંગડીયા પેઢીના કર્મચારીની એકટીવા રોકી હતી.
પોતે પોલીસની ઓળખ આપીને તપાસ કરવાના બહાને આંગડીયા પેઢીના કર્મચારીની જડતી લેવાનું શરુ કર્યું હતું.જેમાં પોલીસના નામે ધમકાવીને થેલામાં મુકેલા 36 લાખ પૈકી 500 ના દરના ચલણી નોટના 16 લાખના બંડલ લઈને લુટારુઓ પલાયન થઈ ગયા હતા. સમગ્ર ઘટના જ્યાં બની ત્યાં નજીકમાં એક શ્રમજીવી મહિલા ખાટલો નાખીને બેઠી હતી. જેની પોલીસે પૂછપરછ કરતા તેણે પોલીસને જણાવ્યું હતું કે કુલ 4 વ્યક્તિઓ આવ્યા હતા.
પોલીસની ઓળખ આપીને લૂંટ કરીને નાસી ગયા હતા. જે ઘટનામાં કેટલાક વિરોધાભાસ ઉભા થતા. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આંગડીયા પેઢીના કર્મચારી હરપાલસિંહ જાડેજા પાસે 36 લાખ રોકડ હતી, તો લૂટારુઓ ફક્ત 16 લાખ કેમ લૂંટી ગયા? ઉપરાંત લૂંટની ઘટનામાં આંગડીયા પેઢીના કર્મચારી અને પ્રત્યક્ષદર્શીના નિવેદનો પર અલગ પડી રહ્યા છે.
હાલ પોલીસે સીસીટીવી તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ આરંભી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હાલ 17 જેટલી ટીમો બનાવીને લૂંટારુઓની શોધખોળ આરંભી છે. પોલીસ વિભાગ દ્વારા ભોગ બનેલા આંગડીયા પેઢીના કર્મચારીની પણ પૂછપરછ ચાલી રહી છે. હકીકતમાં કેટલી રોકડ લૂંટાઇ છે જે પુછપરછ બાદ જાણવા મળશે.