રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગણા, મીઝોરામમાં એક તબકકે, છત્તીસગઢમાં બે તબકકે મતદાન
◙ આચારસંહિતા અમલી: છત્તીસગઢની નક્સલી સ્થિતિ જોતા બે તબકકામાં મતદાન
◙ તમામ પાંચ રાજ્યોના 16.14 કરોડ મતદારો 679 વિધાનસભા બેઠકો માટે મતદાન કરશે
◙ પ્રથમ વખત 60 લાખથી વધુ યુવા મતદારો
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આજે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં મુખ્યચૂંટણી કમિશનરએ જાહેર કર્યું હતું કે મીઝોરામ, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને તેલંગણામાં તા.7થી 30 નવેમ્બર વચ્ચે ચૂંટણી યોજાશે અને 3 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે.
સૌ પ્રથમ તા.7ના રોજ મીઝોરામમાં તમામ 40 બેઠકો માટે તથા છત્તીસગઢમાં પ્રથમ તબકકાની બેઠકો માટે મતદાન યોજાશે. જ્યારે મધ્યપ્રદેશમાં તમામ 230 બેઠકો માટે તા.17 નવેમ્બરના મતદાન યોજાશે. રાજસ્થાનમાં તા.23 નવેમ્બરના તમામ 200 બેઠકો માટે મતદાન થશે.
તેલંગણામાં તા.30 નવેમ્બરના તમામ 119 બેઠકો માટે મતદાન થશે, છત્તીસગઢમાં બે તબકકામાં તા.7 ઉપરાંત તા.17 નવેમ્બરના રોજ મતદાન યોજાશે આમ છત્તીસગઢ સિવાય તમામ રાજ્યોમાં એક તબકકામાં મતદાન યોજવા ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જ્યારે તા.3 ડીસેમ્બરે પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો જાહેર થશે.
આજે આ ચૂંટણી કાર્યક્રમની સાથે જ હવે આચારસંહિતા લાગુ થઇ ગઇ છે અને પાંચેય રાજ્યોમાં તંત્ર ચૂંટણી પંચને હવાલે થઇ ગયું છે. ચૂંટણી પંચ દ્વારા છત્તીસગઢમાં નકસલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા બે તબકકામાં મતદાન યોજવા નિર્ણય લીધો છે જ્યારે અન્ય રાજ્યોમાં એક તબકકામાં મતદાન યોજાશે.
આગામી વર્ષની લોકસભા ચૂંટણી પૂર્વે જ સેમિફાઇનલ જેવા જંગમાં હવે ઉમેદવારીપત્રક ભરવા સહિતની પ્રક્રિયા શરુ થઇ જશે. મુખ્યચૂંટણી કમિશનરએ જણાવ્યું હતું કે પાંચેય રાજ્યોમાં કુલ 679 ધારાસભા બેઠકો માટે 16 કરોડથી વધુ મતદારો મતદાન કરશે અને પ્રથમ વખત 60 લાખથી વધુ 18 થી 19 વર્ષના મતદારો મતદાન કરશે. ચૂંટણીપંચ દ્વારા હવે આ અંગેનું સત્તાવાર જાહેરનામુ બહાર પાડવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમ
► મીઝોરામ તા.7 નવેમ્બર તમામ 40 બેઠકો માટે મતદાન
► છત્તીસગઢ તા.7 અને 17 નવેમ્બર બે તબકકામાં 90 બેઠકો માટે મતદાન
► મધ્યપ્રદેશ તા.17 નવેમ્બરના તમામ 230 બેઠકો માટે મતદાન
► રાજસ્થાન તા.23 નવેમ્બર તમામ 200 બેઠકો માટે મતદાન
► તેલંગણા તા.30 નવેમ્બર તમામ 119 બેઠકો માટે મતદાન
► તા.3 ડિસેમ્બર તમામ બેઠકોના પરિણામ જાહેર થશે.