જન્મજાત અન્નનળીની ખામીને કારણે અઢી વર્ષની ઉમર સુધી ખોરાકનો એક દાણો પણ ન લઇ શકતા બે બાળકોને સિવિલના પીડીયાટ્રીક સર્જરી વિભાગના ડોક્ટરો એ દુર્લભ સર્જરી કરીને પીડામુક્ત કર્યા
અંદાજીત દર 3200 માંથી લગભગ એક બાળક ઇસોફેજલ એટ્રેસિયા નામની જન્મજાત ખામી સાથે જન્મે છે, સિવિલના બાળરોગ સર્જનો આ પ્રકારની સર્જરી કરીને બાળકોને પીડામુક્ત કરે છે
બાળકોને મોઢેથી ખાતા જોઇ બંને માતાઓની આંખોમાં હર્ષના આંસુ જટીલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને દિવાળી પૂર્વે અમુલ્ય ભેટ આપી – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી
કોઇપણ ખોરાક ખાવાનું કાર્ય આપણા બધાને ખૂબ જ સરળ લાગે છે. વાસ્તવમાં, આપણામાંના ઘણાબધા, પુખ્ત વયના અને બાળકો બંને આપણને જે મનપસંદ તેમજ ભાવતુ હોય તેવુ જ ખાવા નો આગ્રહ રાખીએ છીએ. પરંતુ એવી પરિસ્થિતિની કલ્પના કરો કે જ્યારે તમે ખોરાક તો જવા દો, લાળ પણ ગળી ન શકો અને જો આવી પરીસ્થિતિ કોઇ બાળકની હોય તેવુ કહેવામાં આવે તો વિચાર માત્ર થી હ્રદય દ્રવી ઉઠે.
જ્યારે બાળકને જન્મજાત ખામી ને લીધે ખોરાકની નળી યોગ્ય રીતે બની ન હોય ત્યારે આવી સ્થિતિ ઉદભવે છે.
અંદાજીત દર 3200 માંથી લગભગ એક બાળક આ જન્મજાત ખામી સાથે જન્મે છે જેને ઇસોફેજલ એટ્રેસિયા કહેવાય છે.
સામાન્ય રીતે આવા બાળકોમાં ફુડપાઈપ અને વિન્ડપાઈપ પણ એકબીજા સાથે અસામાન્ય રીતે જોડાયેલા હોય છે. જો કે, ‘માત્ર અન્નનળીના એટ્રેસિયા’ તરીકે ઓળખાતી, દુર્લભ ખામી જેનો વ્યાપ 8% છે તેમાં કુદરતી રીતે કોઈ અન્નનળી કે ફૂડ પાઇપ હોતી નથી પરંતુ તેની જગ્યાએ ગળા થી થોડે નીચે સુધી એક બંધ છેડો તથા જઠર થી થોડે ઉપર સુધી બીજો બંધ છેડો હોય છે જેથી મો દ્વારા લાળ પણ ગળી શકાતી નથી.
સ્મિત અને મિતાંશ એવા બે બાળકો છે જે આ દુર્લભ જન્મજાત ખામી સાથે જન્મ્યા હતા. સ્મિત ભરૂચના મજુરી કરી ગુજરાન ચલાવતા વિશાલભાઇ અને દક્ષાબેન ગોહિલનો અઢી વર્ષનો પુત્ર છે જ્યારે મિતાંશ 2 વર્ષ અને 4 મહિનાનો છે અને તેના માતા-પિતા ભાવનાબેન અને મયુરભાઇ પરમાર અમદાવાદના રહેવાસી છે.
જન્મબાદ આજ્દીન સુધી આ છોકરાઓ પોતાના મોઢાથી અન્નનો એક દાણો પણ લઇ શક્યા ન હતા. જીવનના પ્રથમ દિવસે જ આ દુર્લભ બીમારીની ખબર પડતા બંને બાળકો ઉપર પ્રાથમિક શસ્ત્રક્રિયા કરી ઇસોફેગોસ્ટોમી એટલે કે અન્નનળીના ઉપર ના બંધ ભાગને ખોલી ગળાના બહારના ભાગ માં કાઢવાનુ (લાળ બહાર આવવા માટે ) અને ગેસ્ટ્રોસ્ટોમી એટલે કે જઠરમાં પ્રવાહી ખોરાક સીધો આપવા માટે પેટમાં નળી મુકવા નું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.
આ બન્ને પરિવારો માટે જીવનનો આ સમય ખૂબ જ કઠિન અને દયનીય હતો. પોતાના વ્હાલ્સોયા દીકરાઓ ને જીવાડવા માતાપિતા કેટલી હદ સુધી સંઘર્ષ કરી શકે છે તેનુ આ ઉતમ ઉદાહરણ છે.
જન્મબાદ થી બે વર્ષ સુધી આ બંને માતાપિતા એ પોતાના બાળકો ને ડોક્ટરોની સલાહ મુજબ બાળકને લાળ સતત બહાર આવ્યા કરે અને ભુલથી પણ તેમાં ભરાવો થઇ લાળ શ્વાસનળી માં ન જાય તેની કાળજી લીધી અને પેટ ઉપર મુકેલી નળી દ્વારા દર બે થી ત્રણ કલાક નાં સમયાંતરે દિવસ રાત જોયા વગર ચોક્કસ માત્રામાં પ્રવાહી ખોરાક પોષણ માટે આપતા રહ્યા
20 સપ્ટેમ્બર2023 અને 20 ઑક્ટોબર 2023 ના રોજ, સ્મિત અને મિતાંશ ને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રિક પુલ અપ નામની નિર્ણાયક સર્જરી કરવામાં આવી. જઠરનો ઉપયોગ કરીને છાતીના હાડકાની પાછળથી અન્નનળી ના ઉપરના ખૂલ્લા ભાગ સુધી ખેંચીને નવી ફૂડ પાઇપ બનાવવામાં આવી.
આ શસ્ત્રક્રિયા ડો. રાકેશ જોષી (વિભાગ ના વડા, બાળ સર્જરી વિભાગ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ, અમદાવાદ), ડો. જયશ્રી રામજી (એસોસિયેટ પ્રોફેસર, બાળ સર્જરી વિભાગ) દ્વારા કરવામાં આવી હતી. એનેસ્થેસિયા ટીમનું નેતૃત્વ ડો. ભાવના રાવલ (પ્રોફેસર) અને ડો. નમ્રતા (એસોસિયેટ પ્રોફેસર) દ્વારા કરવામાં આવ્યુ અને એક જટીલ સર્જરી સફળતાપુર્વક પાર પાડવામાં આવી.
આ સર્જરી વિશે સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, જઠરના ભાગને છાતી સુધી ખેંચવા છતા પણ તે સ્વસ્થ રહે તે સુનિશ્ચિત કરવુ એ આ ઓપરેશન માટે સૌથી વધુ પડકારજનક હતુ. સદનસીબે, ઓપરેશન અને તે પછી નો પોસ્ટઓપરેટીવ સમય બંને બાળકોમાં કોઈપણ તકલીફ વિના, સરળતાથી પુરો થયો. ઓપરેશન પછી શરુઆત ના સમય માં બાળકોને પોષણ પૂરું પાડવા માટે નાના આંતરડામાં કામચલાઉ ફીડિંગ ટ્યુબ મૂકવામાં આવી હતી. નવી બનાવેલી અન્નનળી સારી રીતે જોડાય ગઇ છે અને તેમાં રુઝ બરાબર આવી ગઇ છે તેની ખાતરી કર્યા બાદ બંને છોકરાઓને મોઢેથી ખોરાક આપવામાં આવ્યો અને બંને હવે સારી રીતે ખોરાક મોઢેથી લઈ શકે છે.
બંને બાળકો એ તેમના જીવનના અઢી વર્ષમાં પ્રથમ વખત ખોરાકનો સ્વાદ ચાખ્યો!
તેમના ચહેરા પરના હાવભાવ અને તેમના માતાપિતાનો આનંદ અમૂલ્ય અને અવર્ણનીય હતો! આ સંતોષકારક સર્જરીમાં સામેલ અમારા બધા માટે, એક મહિનાના સમયગાળામાં આ બે સફળતા દિવાળીની વહેલી ભેટ સમાન છે.