જથ્થાબંધ ફુગાવો વધુ ઘટયો: માર્ચમાં 1.34 ટકા નોંધાયો

ગેસ તેમજ ખાદ્ય ચીજો સહિતના ભાવો ઘટતા જથ્થાબંધ ફુગાવો તળીયા ભણી: છુટક ફુગાવા પર પણ અસર થશે
દેશમાં મોંઘવારીના ચાલુ રહેલા ફુંફાડા વચ્ચે પણ જથ્થાબંધ ફુગાવાનો દર માર્ચ મહિનામાં 1.34 ટકા નોંધાયો છે. કેન્દ્રના વ્યાપાર મંત્રાલયના ડેટા મુજબ ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 3.85 ટકા હતો જે ઘટીને 1.34 ટકા નોંધાયો છે.
ખાસ કરીને બેઝીક મેટલ, ખાદ્ય ઉત્પાદનો, ટેક્ષટાઈલ તેમજ બિનખાદ્ય ચીજો, મીનરલ, રબર, પ્લાસ્ટીક ઉત્પાદન, ક્રુડ પેટ્રોલીયમ, ગેસ અને કાગળના ભાવમાં થયેલા ઘટાડાથી જથ્થાબંધ ફુગાવો ઓછો થયો હોવાનું દર્શાવે છે. જાન્યુઆરીમાં તે 4.80 ટકા હતો. ફેબ્રુઆરીમાં 3.85 ટકા હતો અને માર્ચમાં તે 1.34 ટકા નોંધાયો છે. જથ્થાબંધ ફુગાવાના ઘટાડાના કારણે ઉત્પાદન સહિતના મોરચે પણ રાહત રહેશે તેવા સંકેત છે. હાલમાં જ છુટક ફુગાવો 16 મહિનાના સૌથી નીચા 5.66 ટકાના સ્તરે નોંધાયો છે.