દંપતીના ન્યૂડ ફોટા મોર્ફિંગ કરીને સંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી! દંપતીએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી

બાપુનગરમાં દંપતીએ એપ્લીકેશનો મારફતે લોન લેતા અજાણ્યા શખ્સો દ્વારા બ્લેકમેલ કરાયા
અમદાવાદ બાપુનગરમાં મહિલાએ રૂપિયાની જરૂર હોવાથી તેના મોબાઇલ અને તેના પતિના મોબાઇલથી જુદી-જુદી એપ્લીકેશનો મારફતે કુલ રૂ. 18 હજારની લોન લીધી હતી. તે બાદ અજાણ્યા શખ્સોએ દંપતીના ન્યૂડ ફોટાનું મોર્ફિંગ કરીને તેમના સગાસંબંધીઓને મોકલીને બદનામ કરવાની ધમકી આપી હતી. તેમજ દંપતીને બ્લેકમેલ કરીને ત્રાસ આપતા હોવાથી દંપતીએ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવી છે.
બાપુનગરમાં રહેતા ખુશ્બુબેન ઠક્કર નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ગત 25 એપ્રિલે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમને રૂપિયાની જરૂર હોવાથી ફેસબુક પર તેમને કેશપીટી નામની એપ્લીકેશન લોન લેવા ડાઉનલોડ કરી હતી. જ્યારે તે એપ્લીકેશનની સાથે અન્ય ચાર એપ્લીકેશન પણ ડાઉનલોડ થઇ ગઇ હતી. તેમના અને તેમના પતિના ફોનમાંથી જુદી જુદી એપ્લીકેશનો મારફતે કુલ રૂ. 18 હજારની લોન લીધી હતી. તે બાદ અજાણ્યા નંબર પરથી રૂપિયા જમા કરાવવાનું કહેતા દંપતીએ રૂપિયા જમા કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થયા ન હતા. ત્યારબાદ અજાણ્યા શખ્સે ખુશ્બુબેનના અને તેમના પતિના મોબાઇલ પર તેમના ન્યૂડ ફોટાનું મોર્ફિંગ કરીને તેમને મોકલ્યા હતા. જે બાદ વોટ્સએપ અને ફોન કરીને મહિલાને બ્લેકમેલ કરીને ધમકી આપી હતી કે તમે રૂપિયા જમા કરાવો નહિ તો તમારા તમામ કોન્ટેક્ટ નંબર પર આ ન્યુડ ફોટાનું મોર્ફિંગ કરી તેમને મોકલીને બદનામ કરી દઇશું તેવી ધમકી આપી હતી. આ અંગે મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.