અમદાવાદ ખાતે 24 કલાક લોકોને મફત ઓક્સિજન સિલિન્ડર આપતા સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Views 🔥અમદાવાદ: શ્રી સાંઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ધરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડવાની સેવા શરુ કરવામાં આવી છે. કોરોનાના કપરા સમયગાળામાં ઓક્સિજનની હાલમાં સૌથી વધુ માંગ છે ત્યારે શ્રી સાંઈ નામની સેવાભાવી સંસ્થા કોરોનાના દર્દીઓની વ્હારે આવી છે. અમદાવાદમાં મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની નિઃશુલ્ક સેવા અમદાવાદ ખાતે શરૂ કરાઇ છે. કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ દર્દીઓને મેડિકલ ઓક્સિજન સાથેના બેડ મળવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. ખાનગી અને સરકારી હોસ્પિટલોની સ્થિતિ પણ ખુબ ગંભીર છે. જે દર્દીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જો તેઓને હોસ્પિટલમાં બેડ મળે તો પણ ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થાના કારણે પણ ઘણા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. માત્ર ઓક્સિજનની અછત સર્જાતા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. સમાજના આવા કિસ્સાઓને ધ્યાનમાં લઇ અમદાવાદના થલતેજ ખાતે આવેલી શ્રી સાંઈ ટ્રસ્ટ દ્વારા અનોખો સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શહેરમાં ઘરે કોરોનાની સારવાર લેતા દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. માત્ર ઓક્સિજનની અછતથી કુટુંબો ન વિખરાય અને કોઈને પણ પોતાના સ્વજનને ન ગુમાવવું પડે તે માટે હાલ 70 જેટલા ઓક્સિજન સિલિન્ડરને સેવા કાર્યમાં પુરા પાડવામાં આવી રહ્યા છે. જેમાં 20 જમ્બો ઓક્સિજન સિલિન્ડર છે. એક જમ્બો ઓક્સિજન સિલિન્ડરમાં 46 લીટર જેટલો ઓક્સિજન ભરવામાં આવતો હોય છે. અને 50 જેટલા નાના ઓક્સિજન સિલિન્ડર સેવાના ભાગે લોકો માટે કાર્યરત કર્યા છે. જેમાં 10.2 લીટર ઓક્સિજન ભરવામાં આવતો હોય છે. દર્દીઓને ઓક્સિજનની જરૂર હોવાથી તેમના પરિવારજનો અહીં ઓક્સિજન સિલિન્ડર લેવા આવે છે ત્યારે પરિવારજનોને નિશુલ્ક સિલિન્ડર આપવામાં આવશે. કોરોનગ્રસ્ત દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર લેવાની પ્રક્રિયામાં ડોક્ટરનો પત્ર, દર્દીનું આધારકાર્ડ,દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સાથેઓક્સિજન સિલિન્ડરની સેવા માટે શ્રી સાંઈ ટ્રસ્ટનું એક ફોર્મ ભરવાનું રહેશે જેની સાથે ડીપોઝીટના ભાગરૂપે રૂપિયા 5500 ભરવા પાત્ર રહેશે. જે ઓક્સિજન સિલિન્ડર જમા કરાવતા સંપૂર્ણ પરત કરવામાં આવશે.