OLX પરથી એક્ટિવા ખરીદવી મોંઘી પડી! એક્ટિવા નહિ રૂપિયા ૪.૨૪ લાખનો ચૂનો લાગ્યો

આર્મી કેન્ટીનમાં નોકરીનો દાવો કરતો વ્યક્તિ ચૂનો લગાવી ગયો
ઓનલાઇન ખરીદ-વેચાણ કરતી વેબસાઈટ પર ઘણી વખત લેભાગુઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. ત્યારે શહેરમાં રહેતા એક યુવકને olx પરથી રૂ. ર૦,પ૦૦માં એક્ટિવા ખરીદવા જતાં ૪.ર૪ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. જે મામલે હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઘોડાસરમાં રહેતા દેવાંશુ ઠાકરે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ ખાનગી કંપનીમાં ડેટા એનાલિસિસ તરીકે કામ કરે છે. દેવાંશુ સેકન્ડ હેન્ડ એક્ટિવા ખરીદવા માટે ઓનલાઇન સર્ચ કરતો હતો. આ દરમિયાન olx પરનું એક્ટિવા પસંદ પડતાં દેવાંશુએ એક શખ્સ સાથે મોબાઇલ પર વાતચીત કરી હતી. આ શખ્સે દેવાંશુને કહ્યું કે મારું નામ ગોવિંદ છે અને હું નાસિકમાં આવેલી દેવાલી આર્મી કેન્ટીનમાં નોકરી કરું છું તેમજ મારી બદલી થયેલી હોવાથી મારે બીજી જગ્યાએ જવાનું છે. તેથી એક્ટિવા વેચવાનું છે તેમ કહેતાં રૂ.ર૦,પ૦૦માં એક્ટિવા લેવાનું નક્કી થયું હતું. ત્યાર બાદ તેણે પૈસા જમા કરાવો, તમારું એક્ટિવા મારો માણસ તમારા અડ્રેસ પર આપી જશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધો હતો, જેથી દેવાંશુએ ગોવિંદના બેન્ક ખાતામાં ટુકડે ટુકડે ૪.ર૪ લાખ રૂપિયા જમા કરાવ્યા. ગોવિંદ દેવાંશુ પાસે હજુ વધુ રૂપિયાની માગણી કરતો હતો. આથી દેવાંશુએ વધુ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી અને તેને આપેલા રૂપિયા પાછા માગતાં આ શખ્સે રૂપિયા અને એક્ટિવા નહીં આપીને મોબાઈલ બંધ કરી દીધો હતો.