કારચાલકે અચાનક ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાંખતાં બાઈક અથડાયું, મહિલાનું મોત

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કર્યા
કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા દયાશંકર ઉપાધ્યાય તેમની પત્ની અને પૌત્રીને લઈને ઓઢવ રીંગરોડ પર મેગ્મા હોટેલમાં સગાઈના પ્રસંગમાં જતાં હતાં. આ દરમિયાન નિકોલ રોડ પર એક કાર તેમની બાઈકની આગળ પસાર થતી હતી. ત્યારે અચાનક આ કારના ચાલકે કારને ધીમી પાડીને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાંખ્યો હતો. જેથી બાઈક તે દરવાજાને અથડાઈ હતી. બાઈક અથડાતા બાઈક ચાલકની પત્ની નીચે પડી જતાં તેમની આંખો અને કપાળના ભાગમાં ઈજા પહોંચી હતી અને માથાના ભાગેથી લોહી નીકળતું હતું. આ સમયે તેમને 108 બોલાવી હતી પણ 108ના ડોક્ટરે બાઈક ચાલક દયાશંકરની પત્નીને મૃત જાહેર કર્યાં હતાં. અહીંથી દયાશંકરે સિવિલ હોસ્પિટલમાં તેમની પત્નીને લઈ જવાનું કહેતાં ત્યાં પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. જેથી દયાશંકરે સિવિલ હોસ્પિટલથી જ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.