વટવા જીઆઇડીસીમાં યુવક પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો

ઇજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો
યુવકની પત્નીએ ચાર શખ્સો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી
અમદાવાદ
વટવા જીઆઇડીસીમાં અગાઉના ઝઘડાની અદાવતમાં ચાર શખ્સોએ યુવક પર છરી અને પાઈપો વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે યુવકની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વટવા જીઆઇડીસીમાં 34 વર્ષીય હીરાબેન સરોજ પરિવાર સાથે રહે છે. તેમના પતિ મનોજભાઇ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. ગત 18 જૂને સાંજના સમયે મનોજભાઇ ચાની કીટલી પાસે બેઠા હતા. ત્યારે સદ્દામ ઉર્ફે કાલિયા અને તેની સાથે અજાણ્યા ત્રણ શખ્સો આવ્યા હતા. જે બાદ અગાઉની ઝઘડાની અદાવતમાં સદ્દામે મનોજભાઇને બિભત્સ ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. જેથી મનોજભાઇએ ગાળો બોલવાની ના પાડતા સદ્દામે તેના મિત્રો સાથે મળીને મનોજભાઇ પર છરી અને પાઈપો વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતા ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત યુવકને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મનોજભાઇની પત્નીએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
ગોમતીપુરમાં ભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવતમાં યુવકને છરી મારી
ગોમતીપુર વિસ્તારમાં અલ્પેશકુમાર પરમાર પરિવાર સાથે રહે છે. રવિવારે બપોરના સમયે તેઓ ચાલીના નાકે ઉભા હતા. ત્યારે એક્ટિવા પર અમરાઈવાડીમાં રહેતો હિમાંશુ મકવાણા, પિયુષ અને તેની સાથે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો. જે બાદ અલ્પેશભાઈને તેમના ભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી આ ત્રણ શખ્સો ગંદી ગાળો બોલી મારમારવા લાગ્યા હતા. આ સમય દરમિયાન હિમાંશુએ પેન્ટમાંથી છરી કાઢી અલ્પેશભાઇને મારી દીધી હતી. બીજીબાજુ બૂમાબૂમ થતા આસપાસ ના લોકોએ ભેગા થઇને અલ્પેશભાઇ ને છોડાવ્યા હતા. જે દરમિયાન ત્રણેય શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. આ અંગે અલ્પેશભાઈએ ગોમતીપુર પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી.