લોકશક્તિ અને લોકશાહીનો વિજય! પ્રચંડ લોક વિરોધની વચ્ચે ચાણસ્મા ખાતે યોજાનાર લોક સુનાવણી મોકૂફ!

0
લોકશક્તિ અને લોકશાહીનો વિજય! પ્રચંડ લોક વિરોધની વચ્ચે ચાણસ્મા ખાતે યોજાનાર લોક સુનાવણી મોકૂફ!
Views: 126
0 0
Spread the love
Read Time:5 Minute, 11 Second


TSDF સાઈટનો વિરોધ 55 ગામડાઓના લાખો લોકોએ કર્યો

પર્યાવરણ, ખેતી અને મનુષ્યજીવ માટે જોખમ

દેશમાં સૌથી વધારે જોખમી ઔદ્યોગિક કચરો (Hazardous Chemical Waste) ગુજરાતમાં ઉત્પન્ન થાય છે. આ પ્રકારના ઉદ્યોગોમાંથી નીકળતા અતિ જોખમી કચરાનો નિકાલ કરવા માટે ટી. એસ. ડી. એફ. (Hazardous Waste Treatment, Storage and Disposal Facility) સાઇટ બનાવવામાં આવે છે જ્યાં આ ઝેરી કચરાનો સંગ્રહ અને નિકાલ કરવામાં આવે છે. આવી જ એક ડમ્પિંગ સાઇટ પાટણ જિલ્લાના ચાણસ્મા પાસે ઝિલિયા-વાસણા ગામે સૂચિત કરવામાં આવી. આ પ્લાન્ટ દ્વારા 7,82,181 મેટ્રિક ટન ઝેરી કચરો જમીનમાં ઉતારવા મેસર્સ નોર્થ ગુજરાત એન્વાયરો પ્રોજેક્ટ નામની ખાનગી કંપની દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. આ માટે પર્યાવરણીય મંજૂરી મેળવવા માટેની લોક સુનાવણી તારીખ 30 જૂન 2023ના રોજ ઝિલિયા-વાસણા મુકામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવાનું ઠરાવવામાં આવ્યું હતું.

આ પ્રોજેક્ટથી 55 ગામો અને ચાણસ્મા નગર મળી કુલ આશરે 10 લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત થવાનો કંપનીનો પોતાનો રિપોર્ટ હતો. આ તમામ લોકોને સમય જતાં નાછૂટકે હિજરત કરવાનો વારો આવે કેમ કે આ ઝેરી કચરાથી પ્રદુષિત થયેલા પાણી અને જમીનને કારણે આ વિસ્તારમાં રહેવું અશક્ય બની જાય. અહીં વસવાટ કરતાં લોકોને આ ઝેરની અસરને કારણે કેન્સર અને તેવા જ અન્ય અસાધ્ય રોગોના ભોગ બનવું પડશે.

આ વિસ્તારની ખેતી તો નષ્ટ થાય જ પણ સાથે સાથે પશુધન પણ મોતને ભેટે કેમ કે જમીન અને ભૂગર્ભજળ બધુ જ આ ઝેરથી પ્રભાવિત થાય. એ ઉપરાંત ભારત સરકારના વાઇલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ દ્વારા સંરક્ષિત પક્ષીઓ, સરિસૃપો તથા પ્રાણીઓ પણ મોતને ભેટે.

આ બાબતે ખાસ કરીને ચાણસ્માના લોકો તો જાગૃત હતાં જ કેમ કે અગાઉ 15-4-2019 અને 11-6-2019ના રોજ આ લોક સુનાવણી પ્રસ્તાવિત થઈને યોજાય પહેલા જ મૂલતવી રાખવામાં આવી ચૂકી હતી. ગુજરાત લોક સમિતિ ગુજરાતમાં ઠેર ઠેર પર્યાવરણ અને લોકોને નુકસાન પહોંચાડનાર પ્રોજેકટો બાબતે લોક શિક્ષણ અને લોક જાગૃતિ તેમજ લોક સંઘર્ષનું કામ કરતી આવી છે. ચાણસ્મા અને આજુબાજુના ગામોમાં પણ આ પ્રકારનું કામ કરી પ્રચંડ લોક વિરોધ ઊભો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો આ માટે કમર કસી સંઘર્ષ કરવા તૈયાર હતાં. જાન દઇશું પણ જમીન નહીં ના સૂત્રો સાથે ગામેગામ એક પ્રચંડ લોક જુવાળ ઊભો થયો. આ વિસ્તારની શિક્ષણ સંસ્થાઓ, ડેરીઓ, મંડળીઓ, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ ટ્રસ્ટો દ્વારા વિરોધ પ્રગટ કરતાં પત્રો મોકલવામાં આવ્યા. ગ્રામજનો કલેક્ટરશ્રી, મામલતદારશ્રી અને અન્ય તમામ લાગતાં વળગતા સરકારી ખાતાઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.

ગામની બહાર વસતા સ્થાનિકોએ પોતાના વિડીયો બનાવી આ લોક સુનાવણીમાં જઈ  પ્રોજેક્ટનો વિરોધ કરવા એ દિવસે સૌએ ગામ પહોંચવાની અપીલ શરૂ કરી.
આટલા બધા ભયંકર વિરોધની વચ્ચે આ લોક સુનાવણી યોજાઇ હોત તો પણ પ્રોજેક્ટને મંજૂરી મળવી શક્ય નહોતી. આ બધુ ધ્યાનમાં લેતા તારીખ 27-6-2023ના રોજ પાટણ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ શ્રી પ્રદીપસિંહ રાઠોડની સહીથી કલેકર કચેરી દ્વારા પત્ર પાઠવી જણાવવામાં આવ્યું કે, સ્થાનિક લોકો તથા વિવિધ સંગઠનો દ્વારા આપવામાં આવેલ રજૂઆતો અને હકીકતલક્ષી અહેવાલ ધ્યાને લેતાં 30-6-23 ના રોજ યોજાનારી લોક સુનાવણી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આમ હાલ પૂરતો લોકશક્તિ અને લોકશાહીનો વિજય થયો છે.

આગામી દિવસોમાં આ લોક જુવાળ જાગતો રાખવાની સ્થાનિક લોકોની તૈયારી છે. જો કંપની ફરી વખત લોક સુનાવણી લઈને આવશે તો આનાથી પણ પ્રચંડ વિરોધનો સામનો તેણે કરવાનો રહેશે તે માટે સૌ પ્રતિબદ્ધ છે.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed

Translate »