જીમખાના નાં એક સંચાલકે ક્યાં ઉચ્ચ પોલીસ અધિકારી ને ‘મનપસંદ’ લક્ઝુરિયસ કાર કરી ભેંટ

એકતરફ જ્યાં રાજ્ય પોલીસ વડા કાયદાના રક્ષક પોલીસ કર્મચારીઓને પોતાને પણ કડક કાયદા પાલન માટે આદેશ કર્યા છે. તો બીજીબાજુ કેટલાક નામચીન આરોપીઓ અને પોલીસ અધિકારી સાથે પોતાની સાંઠગાંઠ યેનકેન પ્રકારે મજબૂત કરી રહ્યાં છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યો છે.
થોડા સમય અગાઉ શહેર ના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જીમખાનામાં થોડા દિવસો પહેલાં જ પોલીસ રેઇડ દરમિયાન 186 જેટલાં લોકોને જુગાર રમતાં પકડાયા હતાં. આ મનપસંદ જીમખાના કેસમાં સંડોવણી બાબતે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનાં પણ નામ બહાર આવ્યા હતાં. જોકે હવે કેટલાક ચોક્કસ પોલીસ અધિકારીઓ સાથેના સંબંધો અને કાયદાની છટકબારીનો લાભ લઈ ફરીથી “મનપસંદ જીમખાના” ફરીથી ધમધમતું કરવાની હિલચાલ ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની રહેમનજર મેળવવા માટે જીમખાનાનાં સંચાલકોમાંથી એક શોખીન સંચાલકે રૂ 30 લાખની જેવી સફેદ લક્ઝુરિયસ કાર પોતાના માટે ખરીદી છે અને એવી જ એક કાર એક પોલીસ અધિકારીને પણ ભેંટ કરી હોવાની પોલીસ વર્તુળોમાં જબરદસ્ત ચર્ચા છે. જેથી આવી મોંઘીદાટ સફેદ રંગની લક્ઝુરિયસ કાર ભેંટમાં લેનાર ઉચ્ચ પોલીસ અધિકારી કોણ છે ? તેની ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં વર્તુળમાં ચર્ચા ચાલી રહી છે.