દગાબાજ ડોકટર: દિલના ડોકટર તરીકે ઓળખ આપી 22 યુવતીઓના કરોડો રૂપિયા ખંખેર્યા

અમદાવાદની સ્કીન સ્પેશિયાલિસ્ટ મહિલા ડોકટર આ ઠગની પ્રેમજાળમાં ફસાઈ હતી
પોલીસના પ્રયાસથી ઠગની જાળમાં ફસાયેલી મહિલાઓના પૈસા પરત મળ્યા
મેટ્રીમોનિયલ (લગ્ન સંબંધી) વેબસાઈટ તેમજ સોશિયલ મીડિયા પર પોતાને યુકે સ્થિત હાર્ટ સ્પેશિયાલિસ્ટની ઓળખ આપી એક ઠદે ભણેલી ગણેલી કહેવળી 22 જેટલી યુવતીઓનું દિલ ચોરી, લગ્નની લાલચ આપી આ મહિલાઓ પાસેથી કુલ સાડા ચાર કરોડ રૂપિયાની ઉઠાંતળી કરી ગયાનો ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે.
પોતાની ઓળખ યુકેના હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે આપનારા એક ગઠિયાએ ગુજરાતની 22 જેટલી ભણેલી-ગણેલી અને સારા ઘરની મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તેમની પાસેથી સાડા ચાર કરોડ રૂપિયા જેટલી મસમોટી રકમ પડાવી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદની એક મહિલા ડોક્ટર પણ આ ઠગનો શિકાર બની હતી, જેની પાસેથી તેણે 18 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મહિલા ડોક્ટરને એમ હતું કે તે પોતાના સંપર્કમાં આવેલા યુકેના ડોક્ટર સાથે પરણીને ત્યાં સેટલ થઈ જશે,
પરંતુ આ ગઠિયાને ટૂકડે-ટૂકડે 18 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ તેની સાથે સંપર્ક કપાઈ જતાં મહિલાને પોતે છેતરાઈ હોવાનો અહેસાસ થયો હતો. આ મામલે તેણે પોલીસનો સંપર્ક કરતાં આ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. પોલીસનું માનવું છે કે યુકેનો આ કહેવાતો હાર્ટ સ્પેશિયાલિસ્ટ કુલ 22 મહિલાઓને છેતરી ચૂક્યો છે. અમદાવાદની જે 35 વર્ષીય મહિલા ડોક્ટરને તેણે શિકાર બનાવી હતી તે શહેરમાં સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે, જેને મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મળેલા આ ઠગે પોતાની ઓળખ યુકેના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દિલિપ કુમાર તરીકે આપી હતી. પોતે ભણેલી-ગણેલી હોવા છતાંય એક ઠગની જાળમાં સપડાઈ ગઈ હોવાનો અહેસાસ થતાં અમદાવાદની આ મહિલા આઘાતમાં સરી પડી હતી,
શરૂઆતમાં તે પોલીસનો સંપર્ક કરવા માટે પણ તૈયાર નહોતી. જોકે, પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તે અરજી આપવા માટે તૈયાર થઈ હતી. પોલીસે આ મહિલાને સમજાવ્યું હતું કે કઈ રીતે આવા ઠગ કોઈને કલ્પના પણ ના આવે તે રીતે નિર્દોષ મહિલાઓને પોતાની જાળમાં ફસાવીને તેમની પાસેથી મોટી રકમ પડાવી લે છે. આ કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ ઠગે સોશિયલ મીડિયા તેમજ મેટ્રીમોનિયલ વેબસાઈટ્સ પર પ્રોફાઈલ્સ બનાવી રાખી હતી અને તેના દ્વારા જ તે પોતાના શિકાર શોધતો હતો. બાદમાં પોલીસે મહિલાઓએ ગુમાવેલ સાડાચાર કરોડ રૂપિયા પાછા અપાવ્યા હતાં.