કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહેNFSU ખાતે “સેન્ટર ઓફ એકસેલન્સ ઈન ડિજિટલ ફોરેન્સિક” અને પાંચમી આંતરરાષ્ટ્રીય અને 44મી ઓલ ઇન્ડિયા ક્રીમીનોલોજી કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું
આગામી બે-ત્રણ વર્ષમાં નવ રાજ્યોમાં NFSUના નવા કેમ્પસની સ્થાપના થશે: કેન્દ્રીય ગૃહમંત્રી
કેન્દ્રીય ગૃહમંત્રીએ પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસને “સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય ફોરેન્સિક સાયન્ટિસ્ટ”નો વર્લ્ડ રેકોર્ડ અર્પણકર્યો તે NFSU પરિવાર માટે ગૌરવપૂર્ણ ક્ષણ: પ્રો.જુનારે
અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રા, અધ્યક્ષ-NHRC; શ્રી ઋષિકેશ પટેલ, માનનીય શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રી; શ્રી હર્ષ સંઘવી, માનનીય ગૃહ રાજ્ય મંત્રી; શ્રી પ્રિયંક કાનૂન્ગો, અધ્યક્ષ-NCPCR અને શ્રી અજય ભલ્લા, કેન્દ્રીય ગૃહ સચિવ ઉપસ્થિત રહ્યાં
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની શ્રી અમિત શાહે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયરલ ફોરેન્સિક્સ પર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને તા.23મી જાન્યુઆરી, 2024ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું. અતિથિ વિશેષ તરીકે માનનીય શ્રી ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રા, અધ્યક્ષ-NHRC; શ્રી ઋષિકેશ પટેલ, માનનીય શિક્ષણ, કાયદો અને ન્યાય મંત્રી; શ્રી હર્ષ સંઘવી, માનનીય ગૃહ રાજ્ય મંત્રી; શ્રી પ્રિયંક કાનૂન્ગો, અધ્યક્ષ-NCPCR અને શ્રી અજય ભલ્લા, કેન્દ્રીય ગૃહ સચિવશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે જર્નલ ઓફ ક્રિમિનલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક્સનું વિમોચન કરાયું હતું. સાથોસાથ NFSUના કુલપતિ ડો. જે.એમ.વ્યાસની 50 વર્ષની સફર દરમિયાન જે કાર્યો થયા છે, તેના ઉપર વિવિધ તજજ્ઞોએ લખેલા લેખોના બે વોલ્યુમનું વિમોચન થયું હતું.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની શ્રી અમિત શાહે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ અમલી બનાવી છે. જે પૂર્ણ રીતે ભારતીય શિક્ષણ વ્યવસ્થાના આધાર પર વૈશ્વિક સ્તરની બની છે. ગુનાઓના સંશોધનો–તપાસમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવાનો અમે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને ફોરેન્સિક તપાસને ગુનાની તપાસનો એક ભાગ બનાવ્યો છે. જેના પરિણામે આગામી સમયમાં વ્યાપક રોજગારીનું નિર્માણ થશે. આગામી પાંચ વર્ષ પછી પ્રતિ વર્ષ નવ હજારથી વધુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે રોજગારી મળતી થશે.
તેમણે ઉમેર્યુ કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જેને વર્ષ-2020માં રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો આપીને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી બનાવી છે, જે વર્તમાન સમયમાં વટવૃક્ષ બની છે. દેશમાં હાલ નવ જગ્યાએ અને એક યુગાન્ડા ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કેમ્પસ કાર્યરત્ છે અને આગામી બે-ત્રણ વર્ષમાં નવ રાજ્યોમાં નવા કેમ્પસ કાર્યરત્ કરવામાં આવશે.
ગૃહ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આઝાદીના અમૃતકાળમાં આ ક્ષેત્રે ટેકનોલોજીયુક્ત આધુનિક પોલીસિંગ, ટેકનોલોજીનો ઉપયોગ હાઈબ્રીડ અને મલ્ટી ડાયમેન્શનલ થ્રેટ તેમજ ક્રિમિનલ જસ્ટિસને વિશ્વની આધુનિક વ્યવસ્થા બનાવવી આમ ચાર પડકારો આપણી સામે છે. સૌને ઝડપી ન્યાય મળે તે અતિ આવશ્યક છે. તેના માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. એવું કહેવાતું કે પોલીસે ગુનેગારથી બે પગલાં આગળ ચાલવું પડશે પણ અત્યારે આપણે ગુનેગારોથી બે જનરેશન આગળ રહેવું પડશે તો જ ગુના અટકાવી શકાશે. ટેકનોલોજીના ઉપયોગથી દરેક વ્યક્તિ દેશને મદદરૂપ થઇ શકે તેવુ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે અંગ્રેજો વખતના 150 વર્ષ આઇ.પી.સી. સી.આર.પી.સી અને તે વખતના પુરાવા અધિનિયમ કાયદાઓ બદલીને આપણે નાગરિકોને દંડ નહીં પણ ન્યાય અપાવવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા બિલ એમ ત્રણ નવા કાયદા અમલી બનાવ્યા છે. આ કાયદામાં સૌથી પહેલા મહિલાઓ અને બાળકોના સામે થતાં અપરાધ અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણ કાયદામાં 100 વર્ષમાં આવનાર ટેકનોલોજીને ધ્યાને લઇને તેમાં ફેરફાર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ન્યાય પ્રણાલી વધુ મજબૂત બનશે અને ત્રણ વર્ષમાં પડતર FIRનો ઉકેલ આવશે. અત્યારે ઇ-ગવાહીના પરિણામે તેઓના ઉકેલ લાવવામાં ખૂબ ઝડપ આવી છે. આ ત્રણ કાયદામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થવાનો છે જેનો અભ્યાસ તમને આ ક્ષેત્રે ભરપૂર નવીન તકો ઉપલબ્ધ કરાવશે.
તેમણે વિશ્વાસ સાથે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તમામ ક્ષેત્રે ભારતને નંબર-1ના સ્થાને લઇ જવાનો નિર્ધાર કર્યો છે. તેમાં NFSUને પણ નંબર-1 વૈશ્વિક સંસ્થા બનાવવા સૌ વિદ્યાર્થીઓને અનુરોધ કરીને વધુને વધુ સંશોધન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ “સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ” અને “બિહેવીરીયલ ફોરેન્સિક કોન્ફરન્સ”ને આવકારતા જણાવ્યું હતું કે, આજના ટેકનોલોજીના યુગમાં વિશ્વના કોઈપણ ખૂણેથી ગુનેગારો ગુનો કરતા થયા છે ત્યારે લોકોને વધુને વધુ સુરક્ષિત કરવા આ કોન્ફરન્સ મહત્ત્વની પુરવાર થશે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારતની આંતરિક સુરક્ષાને સાયબર સિકયુરીટીના માધ્યમ દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી દેશને સશક્ત સુરક્ષા આપી છે. જેનું ઉત્તમ ઉદાહરણ રામમંદિરના ઉદ્ઘાટન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ઘટી નથી, તે છે.
NHRCના અધ્યક્ષ, માનનીય શ્રી ન્યાયમૂર્તિ અરુણ કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, માનવ અધિકારોના સંરક્ષણ માટે ફોરેન્સિક સાયન્સ અને બિહેરવીરીયલ ફોરેન્સિક મહત્વની ભૂમિકા ભજવે છે. ગુનાઓ અટકાવવા માટે ડીએનએનો અભ્યાસ જરૂરી છે તેમાં આજની આ બિહેવિયરલ કોન્ફરન્સ ખૂબ જ મદદરૂપ થશે. આ ઉપરાંત વિવિધ રીતે ગુનાઓ કરતા ગુનેગારોને ગુનાખોરી છોડાવી સમાજમાં પુનઃ પ્રસ્થાપિત કરવા સંશોધન કરવા જરૂરી છે.
પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, NFSU કેમ્પસ ડાયરેક્ટર-ગાંધીનગરએ જણાવ્યું હતું કે માનનીય કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રીની શ્રી અમિત શાહે પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ને “સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ભારતીય ફોરેન્સિક સાયન્ટિસ્ટ” તરીકે વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર અર્પણ કરીને આજે સન્માનિત કર્યા છે, તે સમગ્ર NFSU પરિવાર માટે ગૌરવપૂર્ણ બાબત છે. ડૉ. વ્યાસે ભારતમાં ફોરેન્સિક સાયન્સની ક્ષમતા નિર્માણ માટે નિરંતર પ્રયાસ કરીને ફોરેન્સિક સાયન્સને એક નવી ઊંચાઈ પ્રદાન કરવા બદલ ડૉ.વ્યાસને આ વિશિષ્ટ વિશ્વ વિક્રમરૂપી સિદ્ધિ વર્લ્ડ રેકોર્ડ્ઝ ઇન્ડિયા દ્વારા પ્રદાન કરવામાં આવી છે. આજે બે સમજૂતી કરાર પણ થયા છે. જેમાં તાશ્કંદ સ્ટેટ યુનિવર્સિટી ઓફ લો તથા નેશનલ કમિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે NFSU સાથે સમજૂતી કરાર કર્યા છે.
પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, ચેરપર્સન, ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ઉદ્ઘાટાન સમારોહમાં દરમિયાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો; દેશભરમાંથી માનનીય ન્યાયાધીશો, કાનૂની અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, ક્રિમિનોલોજિસ્ટ્સ, વિદ્વાનો, 600થી વધુ સહભાગીઓ, પ્રો. (ડૉ.) એસ. ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર-ગાંધીનગર, શ્રી સી.ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU, ની વિવિધ કેમ્પસના ડાયરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.